વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ નાંદોદ તાલુકાના ટંકારી ગામે પહોંચતા કેન્દ્રીય મંત્રી જોડાયા

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

કર્તવ્ય કાળના ચાર અમૃતસ્તંભ મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા સૌ નાગરિકો જન આંદોલનના રૂપમાં જોડાઈ રહ્યા છે : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

ટંકારી ગામે કેન્દ્રીય મંત્રી પહોંચતા ગામના સરપંચ, ચુંટાયેલા સભ્યો અને બાલિકાઓ દ્વારા કુમ કુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભ થકી તેમના જીવનમાં આવેલા બદલાવ અંગે પ્રતિભાવો આપ્યા હતા

એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં તા. ૧૫ મી નવેમ્બરે આદિવાસીઓના ક્રાંતિકારી બિરસામુંડાના જન્મદિને જનજાતિય ગૌરવ દિવસથી નર્મદા જિલ્લામાં વડીયા ખાતેથી શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામે ગામ ભ્રમણ કરી રહી છે. આજે રવિવારના રોજ એસ્પિરેશનલ બ્લોક નાંદોદના ટંકારી ગામે યાત્રા આવી પહોંચતા ભારત સરકારના સંચાર વિભાગના રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવી નાગરિકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહજી ચૌહાણે નવા વર્ષની સૌ નાગરિકોને શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, વર્ષ ૨૦૪૭માં દેશ જ્યારે આઝાદીના ૧૦૦ વર્ષ એટલે કે, શતાબ્દી વર્ષ ઉજવતું હશે ત્યારે કલ્યાણ રાજ્યના સિદ્ધાંતો હેઠળ દેશના છેવાડાના માનવીના સર્વાંગી વિકાસ, સર્વ સમાવેશી વિકાસની પરિકલ્પનાને સાકાર કરી સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર તરીકે સામે આવે તેવા વડાપ્રધાન ના સંકલ્પને સૌ નાગરિકો જનભાગીદારીથી સ્વીકારી આગળ વધી રહ્યા છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી જન જન સુધી સરકાર ની વિકાસ યોજનાઓની માહિતી પૂરી પાડવાનો આશય રહેલો છે. સમગ્ર દેશના આકાંક્ષી જિલ્લાઓમાં આ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડમાંથી પ્રારંભ કરાવ્યો હતો. જે દેશભરના ૧૧૮ જિલ્લાઓમાં ભ્રમણ કરીને આકાંક્ષી જિલ્લાઓમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી આપી રહી છે. નર્મદા જિલ્લો પણ આકાંક્ષી જિલ્લો છે ત્યારે છેવાડાના માનવી અને જન જનના કલ્યાણ થકી જિલ્લા-રાજ્યની વિકાસ ગાથામાં સહભાગી બની દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના સાકાર કરી શકાય તેવો આ યાત્રાનો હેતુ રહેલો છે.

વધુમાં જણાવ્યું કે, સરકાર અને સમાજ વચ્ચેનો સેતુ બનીને આ યાત્રા લોકોના આંગણે પહોંચી રહી છે. સરકાર લોકોના આંગણે આવી લોકોની સમસ્યાઓ સાંભળી રહી છે. કારણ કે માત્ર સરકાર ઈચ્છે તો કલ્યાણ રાજ્ય કે વિકસિત રાષ્ટ્રની પરિકલ્પના સાકાર થઈ શકે નહીં પરંતુ લોકો-નાગરિકો આ વિકાસ યાત્રામાં સ્વયંભુ જોડાય તોજ સાચા અર્થમાં વિકસિત રાષ્ટ્રની સંકલ્પનાને સિદ્ધ કરી શકાય છે. અંત્યોદયની વિચારધારા અને અંત્યોદયનો વિકાસ-ઉદય અને પરિવર્તન આવે તે દિશામાં કાર્ય કરવાની પ્રેરણા આ યાત્રા આપી રહી છે. જેમાં સૌ નાગરિકોને જન આંદોલનના રૂપમાં જોડાવા અપીલ કરી હતી.

કેન્દ્રિય મંત્રી ચૌહાણે ઉમેર્યું કે, વિકસિત ભારત વિકાસ યાત્રાએ કનેક્ટિવિટી, શિક્ષણ, મોબાઇલ અને ટેકનોલોજીના માધ્યમથી સૌ નાગરિકોને એક સૂત્રે બાંધવા, સૌના આરોગ્યની ચિંતા કરી સામાજિક અને આર્થિક પરિવર્તન આણવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહેશે. તેમાં લોકો પોતાની જવાબદારી નોંધાવે તો જ દેશ સાચા અર્થમાં સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બની શકે. તેથી આ કર્તવ્ય કાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર અમૃતસ્તંભ આપ્યા છે જેમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબોનો સર્વાંગી વિકાસ થાય અને દેશના વિકાસમાં પોતાનો મહત્તમ ફાળો નોંધાવે તે દિશામાં કાર્ય કરી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટેનું ઉદ્દેશ્ય આપણને સૌને આપ્યું છે. આ કાર્યમાં એકજૂટ થઈને આગળ વધવા સૌને હાકલ કરી હતી.

ટંકારી ગામે આવી પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો. દર્શનાબેન દેશમુખ અને ધારીખેડા સુગર ફેક્ટરી તેમજ દૂધધારા ડેરી-ભરૂચના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ પ્રસંગિક ઉદબોધન કરી ગામ લોકોને આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સૌના કલ્યાણની આ યાત્રામાં ભાગીદાર બનવા સૌ નાગરિકોને અપીલ કરી હતી.

આ કાર્યક્રમ વેળા સરકાર ની વિવિધ યોજનાઓ થકી લાભાન્વિત થયેલા ગામના લાભાર્થી ભાઈઓ-બહેનોએ તેમના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની સફળ ગાથાઓ ઉપસ્થિત નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરી હતી. જેમાં રણછોડભાઈ બારીયા જેઓએ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની ગાથા પ્રસ્તુત કરી હતી. દલપતભાઈ હમીરભાઈ બારીયાએ તેમની હૃદયની બીમારીમાં આયુષ્માન કાર્ડ કેવી રીતે ઉપયોગી સાબિત થયું તે અંગેની વાત રજૂ કરી હતી. જ્યારે હાલમાં પ્રાકૃતિક કૃષિ ઉપર સૌ ભાર મૂકી રહ્યા છે, ત્યારે મોટા રાયપરા ગામના વતની અને પ્રાકૃતિક કૃષિ થકી પોતાના જીવનમાં પરિવર્તન લાવનારી દિલીપભાઈ શંકરભાઈ વલવીએ પ્રાકૃતિક કૃષિ અંગે પોતાના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. સૌ લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે અપીલ કરી હતી.

નાંદોદ તાલુકાના ટંકારી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યશ્રીઓ તેમજ ગામની બાલિકાઓએ કુમકુમ તિલક કરી ફુલ અર્પણ કરીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગમન પ્રસંગે ગામમાં આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આંગણવાડી, પશુપાલન વિભાગ અને આયુષ્માન કાર્ડ વિભાગ દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. અહીં આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના લોકોએ વિવિધ આરોગ્ય લક્ષી સુવિધાઓનું માર્ગદર્શન તેમજ સારવાર અને દવાઓનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસીંગભાઇ તડવી, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી જયાબેન તડવી, ગામના સરપંચ શ્રીમતી લીલાબેન, અગ્રણી વિક્રમભાઈ તડવી, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, ચૂંટાયેલા સભ્યો, જન પ્રતિનિધિઓ, આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here