નાંદોદ તાલુકાની બિરસામુંડા પ્રાથમિક શાળા ખાતે કિશોરી મેળાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

નાંદોદ, (નર્મદા) આશિક પઠાણ :-

દિકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ – નર્મદા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી.પરમાર

નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ સહિત સૌ ઉપસ્થિત અધિકારી, શાળા પરિવાર, દીકરીઓએ સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી

નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ આઈ.સી.ડી.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે “આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ” ની ઉજવણી પ્રસંગે “સશક્ત કિશોરી, સૂપોષિત ગુજરાત” થીમ આધારિત નાંદોદ તાલુકાની બિરસામુંડા પ્રાથમિક શાળામાં નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનીતાબેન વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી.પરમારે દીકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે દીકરીઓને સમજ પુરી પાડી હતી. વધુમાં દીકરીઓને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાની જાતે કાળજી લેવા પ્રેરિત કર્યા હતા.

આ વેળાએ નાંદોદ ઘટકના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી મોસમબેન પટેલે પણ નર્મદા જિલ્લાના ભૂલકાઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીથી શાળાની દીકરીઓને વાકેફ કરીને પૂર્ણાશક્તિ યોજના અંગે માહિતી પુરી પાડી હતી.

શાળામાં અભ્યાસ અને ઇત્તર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરવા બદલ દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન ના માર્ગદર્શન હેઠળ રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા ઝુંબેશને વેગવાન બનાવવા માટે કાર્યક્રમમાં સૌ એ સ્વચ્છતાને જીવનમાં આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત થયેલા નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ એ કિશોરી મેળા અંતર્ગત ઉભા કરાયેલા મિલેટ્સ સ્ટોલ ખાતે હલ્કા ધાન્યમાંથી બનેલી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણ્યા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગ, આરોગ્ય વિભાગ, કાનુની સેવા સત્તા મંડળ, રોજગાર વિભાગ, બાળ સુરક્ષા વિભાગ સહિત શિક્ષણ વિભાગની યોજનાકીય માહિતીથી વાકેફ થયા હતા.

આ કિશોરી મેળામાં આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓ. મુકેશ પટેલ, રોજગાર વિનિમય કચેરીના અધિકારી એમ.એસ.પટેલ, લીડ બેન્ક મેનેજર સંજય સિન્હા, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગી, શી ટીમ, શાળાના આચાર્ય, આંગણવાડી કાર્યકર બહેનો સહિત શાળા પરિવાર અને દીકરીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here