શ્રમયોગીઓને મતદાન માટે ૦૭ મે ના રોજ સવેતન રજા આપવાની રહેશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ એક્ટ-૧૯૯૬, કોન્ટ્રાક્ટ લેબર અધિનિયમ-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા, ૧૯૫૧ ની કલમ-૧૩૫(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે.

આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/ કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓને ગેરહાજરીથી જોખમ ઉભુ થવાના સંજોગો / શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણથી ચાર કલાક વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરૂધ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે ઉપરોક્ત સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લાના નોડલ અધિકારી, શ્રી એમ.જે.સોની, મદદનીશ શ્રમ આયુક્ત, ગોધરા, ફોન નંબર-૦૨૬૭૨-૨૪૦૦૦૩, મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, ભોંયતળિયે, જીલ્લા સેવા સદન-ર, ગોધરા- ૩૮૯૦૦૧ નો સંપર્ક સાધવા મદદનીશ શ્રમ આયુક્તશ્રી ગોધરા દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here