વન મહોત્સવની ઉજવણીમાં ” ઓકસીજન પાર્ક ” બનાવવા ને અગ્રતા અપાસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એક હેકટર કે તેથી વધુ વિસ્તારમાં થતાં વૃક્ષ વાવેતરમાં વડ, લીમડા, પિપળા, તુલસીના ક્યારા વગેરેના સમાવેશ સાથે “ઓક્સિજન પાર્ક” બનસે

ઇકો સિસ્ટમને કેન્દ્રમાં રાખીને ખૂબ જ નાની જગ્યામાં પ્રકૃતિ-જીવ-પક્ષીઓને ફળ-ફ્રુટ-ફૂલ સહિત માળાની સુવિધા પ્રાપ્ત થાય અને ઓછી જગ્યામાં “ઘટાદાર જંગલ” નું શ્રેષ્ઠ વાતાવરણ ઉભું કરતી વન યોજનાનો વ્યાપ વિસ્તારવાના સઘન પ્રયાસો માટે કરાયો ખાસ અનુરોધ

રાજપીપળા ખાતે અધિક કલેકટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં “ગ્રીન નર્મદા” પ્રોજેકટ સંદર્ભે વન મહોત્સવની ઉજવણી પૂર્વે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરાઇ

નર્મદા જિલ્લાને વધુ હરિયાળો બનાવવા માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ “ગ્રીન નર્મદા” ના સંકલ્પ સાથે આગેકૂચ કરી રહેલા જિલ્લા પ્રસાશન તરફથી જિલ્લાની તમામ સરકારી કચેરીઓને આગામી વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ફાળવાયેલ લક્ષ્યાંક-સિધ્ધિ માટે વૃક્ષારોપણ માટે ખાડા ખોદવા સહિતની અન્ય સોંપાયેલી કામગીરી સંદર્ભે નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રોપાઓના ઉછેર, જતન અને તેના સંવર્ધન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણ સાથે અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પડાયું હતું.

નાયબ વન સંરક્ષક પ્રતિક પંડયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, R & B ના કાર્યપાલક ઇજનેર આઇ.વી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ પટેલ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા, શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાશાળાના આચાર્ય કે.જે.ગોહિલ, મદદનીશ વનસંરક્ષક શ્રીમતી ઉર્વશી પ્રજાપતિ, તાલુકા મામલતદારશ્રીઓ, રમત-ગમત, આઇ.ટી.આઇ. વગેરે સહિતના અન્ય વિભાગોના અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેકટર એચ.કે.વ્યાસે જિલ્લાના સંબંધિત વિભાગોને ધનિષ્ટ વૃક્ષારોપણ સંદર્ભની આનુસંગિક તમામ પ્રકારની સઘળી કામગીરી સમયસર હાથ ધરીને નિયત સમયાવધિમાં પૂર્ણ થાય તેની ખાસ કાળજી સાથે પૂરતી તકેદારી રાખવા જણાવ્યું હતું. વૃક્ષારોપણની આ ઘનિષ્ટ કામગીરીમાં વન વિભાગના ટેકનીકલ માર્ગદર્શન સહિતની તમામ પ્રકારની સહાયતા બાબતે વન વિભાગ સાથે જીવંત સંપર્ક જાળવી રાખવા પણ શ્રી વ્યાસે ખાસ અનુરોધ કર્યો હતો.
બેઠકમાં ચર્ચા દરમિયાન નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતના વન મંત્રીશ્રીના દિશાનિર્દેશ મુજબ ગુજરાતમાં પ્રત્યેક જગ્યાએ ચાલુ વર્ષે કોવિડ-૧૯ ની પરિસ્થિતિ પછી એક હેક્ટર કે તેથી વધુ જગ્યામાં વાવેતર થતું હોય ત્યાં વડ, લીમડા, પિપળા, તુલસીના ક્યારાઓ વગેરેના સમાવેશ સાથે “ ઓક્સિજન પાર્ક “ બનાવવાની બાબતને પણ ચાલુ વર્ષના વૃક્ષારોપણમાં ખાસ અગ્રતા આપી સમયસર અને વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તેવું સુચારૂં આયોજન ઘડી કઢાયું છે.

શ્રી પંડ્યાએ વધુ વિગતો આપતાં ઉમેર્યું હતુ કે, ઇકો સિસ્ટમને ધ્યાનમાં લઇને ૧૦ x ૧૦ કે ૧૦ x ૨૦ મીટરની ખૂબ નાની જગ્યામાં પ્રકૃતિ જીવોને, પક્ષીઓને શ્રેષ્ઠ વાતાવરણ મળી રહે તે માટે જુદા જુદા સ્તરના વનસ્પતિઓની પસંદગી કરીને જુદા જુદા પ્રકારના ફળ-ફ્રુટ-ફુલ મળે અને તેમને રહેવા માટે માળાની વ્યવસ્થા થાય તેવા હેતુથી અને ઓછી જગ્યામાં “ ઘટાદાર જંગલ “ જેવું લાગે તેવું વાતાવરણ તૈયાર કરવા માટેની અમલી “મીયાવાકી” વનની યોજનાનો વ્યાપ વિસ્તરે તેવા સઘન પ્રયાસો પણ વન વિભાગ દ્વારા હાથ ધરાયાં છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, “મીયાવાકી” ફોરેસ્ટમાં નાના વિસ્તારમાં જુદી જુદી પ્રજાતિના વૃક્ષોનો ઉછેર કરી પક્ષીઓ માટે એક નાની ઇકો સીસ્ટમની નિર્માણ કરી શકાય છે. ટૂંકા સમયગાળામાં ગીચ જંગલ ઉછેરવાની તકનીક છે, જે જાપાનીઝ વનસ્પતિ શાસ્ત્રી “અકીરા મીયાવાકી” ધ્વારા પ્રેરિત છે અને છોડની વૃધ્ધિ ૧૦ ઘણી ઝડપી છે. ચાલુ વર્ષે જીલ્લામાં કુલ ૩૧.૨૦ લાખ રોપાનો ઉછેર કરવામાં આવેલ છે. તે પૈકી ખાતાકીય રોપ ઉછેર કેન્દ્રો પર ૨૨.૪૦ લાખ અને બાકીના ૮.૮૦ લાખ રોપા એસ. એચ. જી. મંડળી તેમજ ખેડૂત લાભાર્થીઓ દ્વારા ઉછેરવામાં આવેલ છે. તથા ૨.૫૦ લાખ તુલસીના રોપા ઉછેરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here