લોકસભા ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં સાઉથના કલાકારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સુપર સ્ટાર રજનીકાન્ત, કમલહાસન, ધનુષ, અજીતકુમાર સહિત ના સ્ટાર્સ એ મતદાન કર્યુ

થલાપતી વિજય છેક રશિયા થી મતદાન કરવા માટે ભારત પહોંચ્યો

2024 લોકસભાની ચૂંટણી ના પહેલા તબક્કાનો આજથી પ્રારંભ થતાં સાઉથ ઇન્ડિયાના ફિલ્મી કલાકારોમાં મતદાન માટે વિશેષ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યા હતા. ફિલ્મસ્ટારોએ ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું અને પોતે મતદાન કરી અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. જેમાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કામાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન એ દરેક નાગરિકની જવાબદારી અને અધિકાર છે. આવી સ્થિતિમાં આપણાં સ્ટાર્સ આ જવાબદારીમાંથી કેવી રીતે પાછળ રહી શકે? લોકસભા ની ચૂંટણી હોય સાઉથ ઇન્ડિયન કલાકારો એ સ્વેરછિક રીતે મતદાન કેંન્દ્રો પર પહોચી મતદાન કર્યું હતું.

શુક્રવારથી લોકસભા ચૂંટણી 2024 શરૂ થઈ અને તમિલનાડુમાં મતદાન થયું, દક્ષિણના ઘણા મોટા સ્ટાર્સ પોતાનો મત આપીને પોતાની જવાબદારી નિભાવતા જોવા મળ્યા. સુપરસ્ટાર રજનીકાંત, કમલહસન, અભિનેતા ધનુષ સહિત ઘણા સ્ટાર્સ પોતાનો મત આપતા જોવા મળ્યા છે અને તેઓ એ તેમના ફેન્સને પણ વોટ આપવા વિનંતી કરી છે.

રજનીકાંતે ચેન્નાઈમાં કર્યું મતદાન

સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ પોતાનો વોટ આપવા માટે સવારે ચેન્નાઈના પોલિંગ બુથ પર પહોંચ્યા હતા. થલાઈવાએ દેશના એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને લોકોને ઘરની બહાર આવીને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી.

થલાપતિ વિજય રશિયાથી મતદાન કરવા પરત ફર્યા

કોલિવૂડ સુપરસ્ટાર થલાપતિ વિજય દરેક વખતે ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. એક્ટર રશિયામાં ચાલી રહેલી તેની ફિલ્મ ‘ગોટ’ – ગ્રેટેસ્ટ ઓફ ઓલ ધ ટાઇમના શૂટિંગમાંથી બ્રેક લઈને ભારત પરત ફર્યો છે. જાણવા મળ્યું હતું કે છેક રશિયા થી અભિનેતા વોટ આપવા માટે ભારત પરત ફર્યો છે.

ધનુષે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

સાઉથ સ્ટાર અને રજનીકાંતના પૂર્વ જમાઈ ધનુષ પણ પોલિંગ બુથ પર પહોંચ્યા અને જેમ તે પોતાની કારમાંથી બહાર નીકળ્યા કે તરત જ તેને પોલીસ દ્વારા ઘેરી લેવામાં આવ્યો જે તરત જ અભિનેતાને અંદર લઈ ગઈ, જ્યાં તેણે પોતાનો મત આપ્યો. સ્થાનિક લોકો તેમના વિસ્તારમાં સ્ટારને જોવા માટે ઉત્સાહિત થઈ ગયા હતા અને એક્ટર તેના ફેન્સ અને મીડિયા દ્વારા ઘેરાયેલો જોવા મળ્યો હતો.

અજિત કુમારે કર્યું મતદાન

સાઉથના સુપરસ્ટાર અજિત કુમાર પણ સવારે તિરુવનમિયુરમાં મતદાન કેન્દ્ર પર પહોંચ્યા અને પોતાનો મત આપ્યો. અભિનેતા સવારે 6.45 વાગ્યાની આસપાસ મતદાન કરવા માટે પહેલા પહોંચ્યો હતો. આ દરમિયાન, તેણે તેના ફેન્સને મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી.

વિજય સેતુપતિએ પણ પોતાનો મત આપ્યો

મેરી ક્રિસમસ એક્ટર વિજય સેતુપતિ પણ સવારે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યો હતો. આ દરમિયાન અભિનેતાએ પોતાનો મત આપ્યો અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી. અભિનેતાએ પોતાનો મત આપ્યો હતો.

એક્ટ્રેસ ટર્ન પોલિટિશિયન રાધિકા સરથ કુમારે પણ મતદાન કર્યું

અભિનેતામાંથી રાજકારણી બનેલાં અને વિરૂદ્ધનગર લોકસભા બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર રાધિકા સરથ કુમારે પણ મતદાન કર્યું. મત આપ્યા પછી, તેમણે કહ્યું, “આ સંસદીય ચૂંટણી છે, દરેકે મતદાન કરવું જોઈએ. સુરક્ષિત અને સમૃદ્ધ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો એ તમારી લોકશાહી માટેની ફરજ છે.”

કમલ હાસને પણ મતાધિકારનો ઉપયોગ કર્યો

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન પણ અલવરપેટના પોલિંગ બુથ પર પહોંચ્યા અને પોતાનો વોટ આપ્યો. પોલિંગ બુથ પર જતા અભિનેતાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ ઉપરાંત, દક્ષિણના ઘણા સેલિબ્રિટી એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને લોકશાહીના ભવ્ય તહેવારમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત જનતાને પણ વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here