નર્મદા જીલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું

ક્રાઉડ મેનેજમેન્ટ સહિત ભાવિક ભક્તોની સુરક્ષાના ભાગરૂપે વોચટાવર ઉભુ કરાયું

ચૈત્ર સુદ એકમથી શરૂ થતી પુણ્યદાયી માં નર્મદાની ઉત્તરાવાહિની પંચકોશી પરિક્રમાના પ્રારંભથી જ નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે ઉભી કરાયેલી જરૂરી પ્રાથમિક સુવિધાઓ સહિત તેમની સલામતી માટે ક્રાઉડ મેનેજમેન્ટ માટેની સુયોગ્ય વ્યવસ્થાના ભાગરૂપે વોચ ટાવર, બેરિકેટિંગ તેમજ જવાનો દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને ટ્રેઈની આઈ.એ.એસ. સુશ્રી પ્રતિભા દહિયાએ ગત રાત્રીએ પગપાળા પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. કલેકટર એ સંપૂર્ણ પરિક્રમા રૂટ પર શ્રદ્ધાળુઓને મળી રહેલી સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું.

નિવાસી અધિક કલેકટર સી.કે.ઉંધાડે પણ ગતરોજ શહેરાવ ઘાટ ખાતે પહોંચીને આરોગ્ય અને સુરક્ષા સંદર્ભે પરિક્રમાર્થીઓ માટે ઊભી કરાયેલી વ્યવસ્થાની ખાતરી કરીને સંબંધિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સૂચનો કરી અન્ય વ્યવસ્થોનું નિરીક્ષણ કર્યું હતું. માં નર્મદાની પરિક્રમાર્થે આવી રહેલા ભાવિક ભક્તો માટે મોબાઈલ ટોઈલેટ, ચેન્જિંગ રૂમ, ભક્તોમાં આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કરવા માટે ભક્તિમય ગીતો-ભજનોની વ્યવસ્થા સહિત અનેકવિધ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે.

દરવર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો હ્રદયમનથી માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરીને ધન્યતા અનુભવે છે. આસપાસના રાજ્યો તેમજ જિલ્લાઓમાંથી આવતા ભાવિક ભક્તો વહીવટી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવેલી આરોગ્ય, માર્ગ, રસ્તા, લાઈટ, પાણીની, વિશ્રામ-બેઠક વ્યવસ્થા, મોબાઈલ ટોઈલેટ સહિતની વિવિધ સુવિધાઓની નોંધ લઈને ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here