રાજપીપળા કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા દોડધામ મચી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ફરજ પરના તબીબી અધિકારી અને સ્ટાફે ICU વોર્ડના દરદીઓને કોઇપણ પ્રકારની જાન વિના સલામત સ્થળે ખસેડાયા

તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને મોકડ્રીલ સંદર્ભે ટ્રેંનિગ અપાઇ

રાજપીપલાની આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગની દુર્ઘટના અને રાહત બચાવ માટે યોજાયું સફળ મોકડ્રીલ – નિદર્શન

નર્મદા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસન દ્વારા કોવિડ-૧૯ હોસ્પિટલ અને જનરલ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સંદર્ભે ફાયર માટેની મોકડ્રીલ યોજવાના ભાગરૂપે આજે રાજપીપલામાં આર્યુવેદિક કોલેજ ખાતે કાર્યરત જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલના બીજા માળ પર આવેલા ICU વોર્ડમાં આકસ્મિક ઇલેક્ટ્રિક આગ લાગતા ફરજ પરના તબીબી અધિકારી, સ્ટાફે અને GRD ના કર્મીઓએ ICU વોર્ડના દરદીઓને તાત્કાલિક સ્ટ્રેચર થકી નીચે લાવી તેઓને સલામત સ્થળે પહોચાડવામાં સફળતા મળી હતી. આગની આ દુર્ઘટનામા કોઇપણ પ્રકારની જાન હાનિ થવા પામી નહોતી તેની સાથોસાથ કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેના સંકુલમાં કાગળ અને પુઠાના વેસ્ટેડ ઢગલામાં આકસ્મિક લાગેલી આગની દુર્ઘટના અને રાહત બચાવની કામગીરી માટેનું સફળ મોકડ્રીલ-નિદર્શન યોજાયું હતું.

સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે ઉક્ત મોકડ્રીલ અગાઉ તબીબી અધિકારીઓ, મેડીકલ-પેરા મેડિકલ સ્ટાફ, પોલીસતંત્ર અને GRD વિભાગના ફરજ પરના કર્મીઓને રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન શ્રી અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન આગ લાગે ત્યારે શું કરવું તેમજ ABC અને BC ટાઇપના ફાયર ઇસ્ટીંગીશરનો કયારે અને કઇ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત, નાયબ પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, રાજપીપલા નગરપલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણાએ આગની દુર્ઘટના સંદર્ભે પ્રાથમિક માહિતી આપી હતી.

નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતે ઉકત આગની દુર્ઘટના સફળ મોકડ્રીલ અંગે જાણકારી આપતાં જણાવ્યુ હતું કે, જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શિકા મુજબ આરોગ્ય, પોલીસ વિભાગ, નગરપાલિકા અને રેવન્યુ વિભાગના પ્રયાસોથી આજે મોકડ્રીલ યોજવામાં આવી છે. જેમાં કોવિડ-૧૯ હોસ્પિટલમાં આગ લાગવાનો અનિચ્છીનીય બનાવ બને ત્યારે કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ફરજ પર જે રહેવાના છે તેવા મેડીકલ, પેરામેડીકલ અને GRD ના સ્ટાફને મોકડ્રીલ સંદર્ભે ટ્રેંનિગ આપવામાં આવી છે. તેમજ આગ લાગે ત્યારે શું કરવું તેમજ કોવિડ હોસ્પિટલ ખાતે જુદી જુદી સિસ્ટમો છે તેનાથી માહિતગાર કરવામાં આવ્યાં છે

વધુમાં શ્રી ભગતે ઉમેર્યું હતું કે, કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ૨૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે, ૨૦ જેટલા ICU વેન્ટીલેટર ઓક્સિજન વાળા બેડ છે તેની સાથોસાથ આગ લાગવાની દુર્ઘટના સમયે સમયસર અને સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ સંશાધનોનો અસરકારક ઉપયોગ થાય તેવા હેતુથી આજની આ સફળ મોકડ્રીલનું આયોજન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

જિલ્લા વહીવટીતંત્ર, પોલીસતંત્ર, GRD વિભાગ અને આરોગ્યતંત્રના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં રાજપીપલા નગરપાલિકાના ફાયરબ્રિગેડના ફાયરમેન શ્રી અનિલભાઇ રોહિતે રજૂ કરેલાં ઉકત મોકડ્રીલ-નિદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, કાગળ,પુઠા,લાકડુ,રૂ અને પ્લાસ્ટીક વગેરેને A પ્રકારની આગ કહેવાય છે અને ડિઝલ, પેટ્રોલ, કેરોસીન અને અન્ય કેમિકલ્સથી લાગતી આગને B પ્રકારની આગ કહેવાય છે. તેમજ ગેસથી લાગતી આગને C પ્રકારની આગ કહેવાય છે અને આ ત્રણેય પ્રકારની આગ ઓલવવામાં ABC ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે, તેવી જ રીતે ઇલેકટ્રીક શોર્ટ સર્કિટથી લાગતી આગને BC પ્રકારની આગ કહેવામાં આવે છે અને તેને ઓલવવા માટે BC પ્રકારના ફાયર ઇસ્ટીંગીશરનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરોકત ફાયર ઇસ્ટીંગીશરથી જયારે કોઇ આગ કાબૂમા ન આવે ત્યારે હાઇડ્રન સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લાવી શકાય છે તે અંગે પણ શ્રી રોહિતે જરૂરી નિર્દશન સાથે વિસ્તૃત જાણકારી આપી હતી.

રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે આજે યોજાયેલી ઉકત આગ દુર્ઘટના સફળ મોકડ્રીલ-નિદર્શન પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગત,ચિટનીશ અને ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદારશ્રી એસ.એન.સોની, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, રાજપીપલા નગરપલિકાના ચીફ ઓફિસર શ્રી પરાક્રમસિંહ મકવાણા, કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારીશ્રી અને સિવીલ સર્જન ડૉ. જયોતિબેન ગુપ્તા, આર.એમ.ઓ.શ્રી ડૉ.મનોહર મજીગાંવકર, નાયબ કલેકટરશ્રી એ. આઈ. હળપતિ સહિત હોસ્પિટલના તબીબી અધિકારીશ્રીઓ સ્ટાફ અને GRD ના જવાનો વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here