છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતો પ્રિ મોન્સૂનની કામગીરી ક્યારે હાથ ધરશે ?

બોડેલી,(છોટા ઉદેપુર) ઇમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની ઋતુ આવતા પહેલા ગ્રામ પંચાયતો ઘ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી હાથ ધરાતી હોય છે.જેમાં ગામ,નગરમાં આવેલ ફળિયા,સોસાયટીમાં દુર્ગંધ અને રોગચાળાનો ફેલાવો કરતા કચરાનો નિકાલ કરવામાં આવતો હોય છે.કોઈ સરકારી કામમાં ખોદકામ થયેલ હોય તેને યોગ્ય પુરાણ કરવામાં આવતું હોય છે.જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની હોય છે.ચોમાસાના પાણીના નિકાલ માટે કાસ કે ખુલ્લી ગટરોની સાફસફાઈ કરી જરૂરી સમારકામ કરવા યોગ્ય કામગીરી કરવાની હોય છે.છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગની ગ્રામ પંચાયતો ઘ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી હજુ સુધી હાથ ધરવામાં ન આવતા ચોમાસા દરમિયાન પાણી ભરાવવાના દ્રશ્યો સર્જાઈ તો નવાઈ નહિ? બીજી તરફ કાસ કે કચરાના ઢગોની સાફસફાઈ પંચાયતો ઘ્વારા હાથ ન ધરાતા કોરોના મહામારીમાં અન્ય બીજો રોગચાળો ફાટી નીકળે તેવી પ્રજાજનો સંભાવના વ્યક્ત કરી રહ્યા છે.દર વર્ષે વહીવટીતંત્ર ઘ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે ચોમાસા દરમિયાન સામાન્યથી વધુ વરસાદ વરસતા વહીવટીતંત્રએ કરેલ પ્રિ મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે.આખી ચોમાસાની સીઝન પ્રજાજનો હેરાન પરેશાન થઇ જતા હોય છે.એમજીવીસીએલના અધિકારીઓ ઘ્વારા પણ પ્રિ મોન્સૂનની કામગીરી યોગ્ય રીતે ન કરવામાં આવતા અવારનવાર ફોલ્ટ થતા વીજળી ગુલ થઇ જાય છે.વહીવટીતંત્ર “પાણી પહેલા પાળ બાંધે” તેવું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.આમ છોટાઉદેપુર જિલ્લામાં પ્રિ મોન્સૂનની કામગીરી વહીવટીતંત્ર ઘ્વારા એક અભિયાનના રૂપમાં અસરકારક કરવામાં આવે તેવું જિલ્લાના પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.આમ છોટાઉદેપુર જિલ્લામાં ગ્રામ પંચાયતો પ્રિ મોન્સૂનની કામગીરી વહેલીતકે હાથ ધરે તેવી માંગ પ્રજાજનો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here