છોટાઉદેપુર : પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદ યોજાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

૨૧ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં યોજાનાર મતદાન માટેની પૂર્વ તૈયારીઓની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયા

વધુમાં વધુ નાગરિકો મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે – જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર

મતદાન મથકમાં મોબાઈલ કે કોઈ ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં – જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ

*છોટાઉદેપુર, સોમવાર ::* લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭/૦૫/૨૦૨૪ ના રોજ યોજાનાર મતદાન માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ અંગેની વિગતો આપવા માટે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અનિલ ધામેલિયાએ જિલ્લામાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીથી જિલ્લાના પ્રિન્ટ-ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને વાકેફ કર્યા હતા.

આ પત્રકાર પરિષદમાં મીડિયાના પ્રતિનિધિઓને વિગતો આપતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૨,૦૦૦ થી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે. વધુમાં વધુ નાગરિકો મતદાન કરે તે માટે વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. મતદાન મથક પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે હોમ વોટિંગ તથા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા કર્મીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવી હોવાનું વધુમાં ઉમેર્યું હતું.

ધામેલિયાએ વધુમાં જણાવ્યું હતું કે, મતદારોનો ઉત્સાહ વધે તે માટે હેરિટેજ મતદાન મથક, સખી મતદાન મથક, ઇકો ફ્રેન્ડલી મતદાન મથક, યુવા મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિશેષ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે રેમ્પ અને સહાયક (એન.સી.સી. કેડેટ) ની વ્યવસ્થા કરવામાં આવી છે તથા દિવ્યાંગ, વૃદ્ધ અને પ્રસૂતા મહિલા મતદારોને મતદાન માટે પ્રાથમિકતા આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકોને ચૂંટણી સંબંધી કોઈ ફરિયાદ હોય તો *૧૯૫૦* હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે તેમજ જિલ્લા કક્ષાએ ચૂંટણીનું મોનિટરિંગ કરવા માટે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ રૂમ, સિંગલ વિન્ડો સિસ્ટમ, વેબકાસ્ટિંગ કંટ્રોલરૂમ અને હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના વધુમાં વધુ યુવા, વૃદ્ધ અને મહિલા મતદારોએ ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં એક ચૂંટણી ખર્ચ નિરીક્ષક અને છ સહાયક ખર્ચ નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે. તેમણે વધુમાં. જિલ્લામાં મતદાનની ટકાવારી વધે તે માટે ૧૫ દિવસ સુધી ‘તમારા બુથને જાણો’, ‘મહેંદી સ્પર્ધા’, ‘ફ્લેશ મોબ’, ‘સિગ્નેચર કેમ્પેઇન’, ‘રંગોળી’, ‘સાયકલ રેલી’, ‘રન ફોર વોટ’ જેવા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકોને મતદાન પ્રક્રિયામાં જોડાઈને લોકશાહીને વધુ મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપવા અપીલ કરી હતી.

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ બંદોબસ્તની માહિતી આપતા જિલ્લા પોલીસ અધિક્ષક આઈ.જી.શેખ એ જિલ્લામાં ૧ એસ.પી., ૧ એ.એસ.પી., ૨ ડીવાય.એસ.પી. સહિત ૩૫ પોલીસ અધિકારીઓ તથા ૨,૮૧૫ પોલીસ કર્મીઓ અને પેરામિલેટરીની ૫ કંપનીઓ મળી તમામ મથકો પર પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમણે જિલ્લામાં મુક્ત, ન્યાય અને નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજાશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષકએ વધુમાં ઉમેર્યું હતું કે, મતદાન મથકમાં મોબાઈલ કે કોઈ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જઈ શકાશે નહીં, જેને ધ્યાને લઈ મતદાન કરવા આવતા મતદારો પોતાનો મોબાઈલ ઘરે મૂકીને આવે અથવા અન્યને આપીને જ મતદાન મથકમાં પ્રવેશે તે ઇચ્છનીય છે.

આ પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેકટર શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર બી ચૌધરી, મીડિયા સર્ટિફીકેશન મોનીટરીટ કમિટિના સભ્ય સચિવ અને મીડિયા નોડલ અધિકારી માર્ગી રાજપુત અને જિલ્લાના પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here