વિધાનસભાની ચુંટણી લડતા ઉમેદવારો માટે ટી વી ચેનલો, કેબલ ટી વી ઉપર જાહેરાતો આપવા માટે ચૂંટણી પંચના ભારે નિયંત્રણો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ચૂંટણીલક્ષી તમામ પ્રકારની જાહેરાતો/જીંગલ્સ /ઇન્સર્શન્સ/ બાઇટસ્વ ગેરેના પ્રસારણ માટે MCMC નું પ્રમાણપત્ર લેવાનું રહેશે

ભારતના ચૂંટણીપંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ ના જાહેર થયેલ કાર્યક્રમ અન્વયે તા-૦૧/૧૨/૨૦૨૨ ના રોજ નર્મદા જિલ્લાના ૧૪૮-નાંદોદ (અ.જ.જા.) અને ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગોમાં મતદાન યોજાનાર છે. ભારતનાં ચૂંટણીપંચની માર્ગદર્શક સુચનાઓ અન્વયે જિલ્લા કક્ષાએ તમામ પ્રકારની જાહેરાતો જીંગલ્સ/ ઇન્સર્શન્સ /બાઇટ્સ વગેરેનાં સર્ટિફીકેશન માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને મિડીયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી (MCMC) ની રચના કરવામાં આવી છે.

તદ્દઅનુસાર, ટેલીવિઝન ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપવા વિચારતા દરેક નોંધાયેલ રાજકીય પક્ષ અને ચૂંટણી લડતા ઉમેદવારે જાહેરાત આપતાં પહેલા જિલ્લાની મિડીયા સર્ટીફિકેશન એન્ડ મોનીટરીંગ કમીટી (MCMC) સમક્ષ તેને પ્રમાણિત કરાવીને MCMC કમીટીનું પ્રમાણપત્ર મેળવવું જરૂરી છે અને આવું પ્રમાણપત્ર મેળવ્યા બાદ જ જે તે જાહેરાત પ્રસારણ માટે આપવાની રહેશે. આવી જાહેરાત ટેલિકાસ્ટની સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા ત્રણ દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. બીજી કોઇ વ્યકિત અથવા બિન નોંધાયેલ રાજકીય પક્ષો, સંસ્થા વગેરેએ આવી જાહેરાત ટેલીકાસ્ટના સૂચિત આરંભની તારીખથી મોડામાં મોડા સાત દિવસ અગાઉ અરજી કરવાની રહેશે. ઇલેકટ્રોનીક ફોર્મમાં સુચિત જાહેરાતની બે નકલ તેમજ તેની યોગ્ય રીતે પ્રમાણિત કરેલ બે નકલમાં અરજી સાથે જોડવાની રહેશે. આવી જાહેરાત જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસ્ વગેરેનું સર્ટિફીકેશન મેળવવા માટે જિલ્લાના મુખ્ય મથકે રાજપીપલા કલેક્ટર કચેરીના ભોંયતળીયેના ભાગે કાર્યરત જિલ્લા માહિતી કચેરી ખાતે જિલ્લા કક્ષાની MCMC ના સમિતિના સભ્ય સચિવશ્રી અને નાયબ માહિતી નિયામકશ્રી, રાજપીપલા-નર્મદાને નિયત નમૂનાની અરજીમાં જાહેરાતની વિગતોની પ્રમાણીત કરેલ સી.ડી.(સોફ્ટ કોપી-હાર્ડ કોપી) બે નકલમાં જરૂરી સાધનિક દસ્તાવેજો સાથે રજુ કરવાની રહેશે. અને MCMC કમીટી દ્વારા જાહેરાત એપ્રુવ થયા બાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાહેરાત પ્રસિધ્ધ કરવા માટે મંજુરી આપવામાં આવશે. આ અરજીમાં જાહેરાત નિર્માણનું ખર્ચ, ઇન્સર્શનની સંખ્યાના વિભાજન અને આવા દરેક ઇન્સર્શન્સ માટે વસુલ કરવામાં આવનાર સુચિત દર સાથે ટેલિવિઝન ચેનલ અથવા કેબલ નેટવર્ક પર આવી જાહેરાતનાં સૂચિત પ્રસારણનું અંદાજીત ખર્ચ, મુકેલ જાહેરાત ઉમેદવાર કે ઉમેદવારો પક્ષોની ચૂંટણીની ભાવિ શક્યતાના લાભ માટે છે કે કેમ? તે બાબત પણ જણાવવાની રહેશે. જાહેરાત રાજકીય પક્ષ અથવા ઉમેદવાર સિવાયની કોઇ વ્યક્તિએ આપી હોય તો, તે વ્યક્તિ સોગંદનામા પર જાહેર કરશે કે, તે કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારના લાભ માટે નથી. અને ઉક્ત જાહેરાત કોઇ રાજકીય પક્ષ કે ઉમેદવારે પુરસ્કૃત કરી નથી કે સોંપણી કરી નથી કે તેની ચુકવણી કરી નથી. બધી ચુકવણી એકાઉન્ટ પેઇ ચેકથી કરવામાં આવશે તેવી કબુલાત જેવી બાબતોનો સમાવેશ કરવાનો થશે.

વધુમાં ટેલીકાસ્ટ માટે જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટસનું પ્રમાણપત્ર મેળવ્યા વિના જાહેરાત, જીંગલ્સ, ઇન્સર્શન્સ, બાઇટ્સનું પ્રસારણ થઇ શકશે નહીં. ચૂંટણી કામગીરી માટે નિયુક્ત ચૂંટણી અધિકારીશ્રીઓ/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને જાહેરાતોના પ્રસારણ પર દેખરેખ રાખવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે. તથા કેબલ ટેલીવિઝન વિનિયમન અધિનિયમ-૧૯૯૫ તે હેઠળના નિયમો તથા નામ. સુપ્રિમ કૉર્ટના અને ભારતના ચૂંટણી પંચના ઉક્ત આદેશ પરત્વે તપાસણી અને સીઝર સહિતની કામગીરી કરવાની સત્તા આપવામાં આવી છે, જેની ખાસ નોંધ લેવા અને ચૂંટણીપંચની ઉપરોક્ત સૂચનાનું ચૂસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણીતંત્ર, નર્મદા તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here