રાજપીપલા ખાતે દક્ષિણ ઝોનના યુવા રમતવીરોની પ્રતિભાને નિખારવા ખાસ ખેલ મહાકુંભ 2.0 નું આયોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે 14 અને 17 વર્ષ ના ભાઈઓની કબડ્ડી સ્પર્ધા યોજાઈ

રાજપીપલાના છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળાના પટાંગણમાં ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભ 2.0 નું શાનદાર ઉદ્ઘાટન કરાયું હતું. દક્ષિણ ઝોનના 14 અને 17 વર્ષ ના ભાઈઓ માટે યોજાયેલી કબડ્ડી સ્પર્ધાની ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ કબડ્ડી, કબડ્ડી, કબડ્ડીથી રાજપીપલાનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના મહામંત્રી કરણસિંહ ગોહિલે જણાવ્યું કે, નર્મદા જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના બાળકો, યુવાનો રમતક્ષેત્રે પોતાની પ્રતિભાનો પરિચય આપીને રાજ્ય-રાષ્ટ્રકક્ષાએ મેડલો હાંસલ કરી રહ્યાં છે. ત્યારે રમતવીરો ખેલદિલીની ભાવના જાળવીને પોતાની સંસ્થા, કોચ અને જિલ્લાનું ગૌરવ જાળવે તે પણ અતિમહત્વપૂર્ણ છે. વધુમાં તેઓએ રમતવીરોને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા રમત ગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ પણ દક્ષિણ ઝોનના કબડ્ડીના સ્પર્ધકો માટે રહેવા, જમવા સહિત અન્ય ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર રજૂ કરીને બાળકોને રમતક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આદરેલા પ્રયાસો વિશે માહિતગાર કર્યા હતા.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાને સફળ બનાવવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા દક્ષિણ ઝોનના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે ઉદ્ઘાટન કાર્યક્રમમાં સી.પી.ડિગ્રી કોલેજના પ્રાચાર્ય હસમુખભાઈ પટેલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી દિલીપભાઈ દેસાઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી ભરતભાઈ પરમાર, કબડ્ડી કોચ મિતેષભાઈ દેસાઈ, નર્મદા જિલ્લાના કોચ સુમિત ખારપાસ, જૈમિન કંઠારીયા, શ્રીમતી મિકીતા પટેલ સહિત દક્ષિણ ઝોનના કોચ, ડી. એલ. એસ. એસ. ના વિદ્યાર્થીઓ, ખેલાડીઓની ઉત્સાહભેર ભાગીદારી નજરે પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here