પ્રાચીન સમયથી ભરાતા ભંગોરીયા હાટની આજથી શરુઆત… વિવિધ જગ્યાઓએ સતત એક સપ્તાહ સુધી યોજાશે

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલો  ગુજરાત નો છોટાઉદેપુર જિલ્લો મોટા ભાગે આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે, હોળી ની અગાઉ એક સપ્તાહ પહેલા આ વિસ્તારમાં ભંગોરીયા હાટ ની શરૂઆત થઈ જતી હોય છે.

  છોટાઉદેપુર જિલ્લા નાં આદિવાસી સમાજ નાં વાલસિંગભાઇ રાઠવા જણાવે છે કે ભંગોરીયા હાટ માં ખાસ કરીને જુવાનિયા ઓ પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનર કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના  કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે,
જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.

એક જ સરખો પહેરવેશ જે તે ગામની આગવી ઓળખ બને છે
એક જ ડિઝાઇન ના પહેરવેશ માં સજ્જ પોતાના ગામ કે પોતાના ફળીયા ની એક પ્રકારની એકતા અને વિશેષતા બતાવવા નો પ્રયાસ કરાતો હોય છે, એક જ ડિઝાઇનર કે એક જ રંગ ના કપડાં પહેરવા માટે નો હેતુ એ પણ રહેલો છે કે ભંગોરીયા હાટ ની એટલી મોટી ભીડમાં પોતાનો સાથી કે પોતાની સહેલી ક્યાંક અટવાઈ કે ભૂલા ન પડે અને ક્યાંક ભૂલા પડી ગયા હોય ત્યારે સરળતાથી મળી જાય..!

ભંગોરીયા હાટ માં આદિવાસી ઓ પોતાના પરંપરાગત આદિવાસી પહેરવેશ માં સજ્જ થઇ પોતાની આગવી ઓળખ અને પોતાની બેનમૂન આદિવાસી સંસ્કૃતિ ની ઝાંખી કરાવતાં હોય છે,અને આદિવાસી સંસ્કૃતિ ને ઉજાગર અને જીવંત રાખવા નો પ્રયાસ કરતા હોય છે.

  અહીં નાં આદિવાસી ઓ ભંગોરીયા ને ભોંગર્યા હાટ તરીકે પણ ઓળખતા હોય છે,હાટ માં હોળી ની ખરીદી ઉપરાંત મોટલા ઢોલ અને વાંહળી ઓ ખડખળીસ્યા તેમજ તેમની ઓળખ સમા તીરકાંમઠા અને ધારીયાં -પાળીયાં સાથે ગામેગામ થી  પ્રાચીન સમયથી ગવાતાં ગીતો ગાતા ગાતા આકર્ષક પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ઉમટી પડતા હોય છે જ્યાં એકમેક બની નાચગાન કરી ખુબ આનંદ  લૂટતા હોય છે.

આમ ભંગોરીયા હાટ એ પૂરા વર્ષ દરમ્યાન પોતાના કામમાં વ્યસ્ત બની રહેતા અહીં ના આદિવાસી લોકો માટે હળવાશ અનુભવી આનંદ ઉત્સાહ મનાવવા માટે નુ સ્ટેજ છે.

હોળી ની ખરીદી નો અવસર બને છે ભંગોરીયા હાટ.
ભંગોરીયા એ હોળી અગાઉના સપ્તાહે પારંપરિક રીતે ભરાતો વિશેષ   સાપ્તાહિક હાટ જ છે, જેમાં અહીં નાં આદિવાસી ઓ હોળી નાં તહેવાર માટે ની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા ઉમટી પડતાં હોય છે, સાથે આદિવાસી વસ્ત્રો તથા આભૂષણો પહેરીને, આદિવાસી વાજિંત્રો વાંસળી,મોટલા ઢોલ, દદુડી, ખળખળશીયા નાં તાલે મનમુકીને નાચી કુદીને ભંગોરીયા હાટ નો આનંદ માણતા હોય છે.

પ્રેમી પંખીડા ને ભાગી જવા માટે નો શ્રેષ્ઠ અવસર ભંગોરીયા હાટ જેવી વાત તથ્ય વિહોણી.

સંયુક્ત માહિતી નિયામક ભાવસિંહ રાઠવા જણાવે છે કે ભંગોરીયા હાટ માં છોકરા છોકરીઓ નાં મન મળે અને એક બીજા ને ગમતું માત્ર મળ્યે છોકરીને ભગાડી જવા સાથે જોડાયેલી વાતો કરનારા અને લખનારા ઓની કોરી કલ્પના અને ભંગોરીયા હાટ તેમજ આદિવાસી સમુદાયને બદનામ કરવા જેવી વાત છે, આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરીનું લગ્ન ની ઉંમર થતાં માંગુ નાખવા થી લઇને લગ્ન સંબંધ નક્કી કરવા તેમજ પારંપરિક રીત રિવાજો પ્રમાણે છોકરા છોકરીઓ ને પરણાવવા જેવી  ખુબ સામાજિક બંધારણ મુજબની સુંદર  સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થા છે , ભંગોરીયા હાટ કે હોળી બાદ ભરાતા મેળાઓ એ પરંપરાગત વસ્ત્રો અને આભૂષણો થી સજ્જ થઇ, પારંપરિક આદિવાસી વાજિંત્રો નાં તાલે મહાલવા ની તેમજ એક પ્રાચીન આદિવાસી સંસ્કૃતિ ને જીવંત રાખવા માટે નો એક ભાગ છે.

  મધ્યપ્રદેશ ના અલીરાજપુર જિલ્લા ના ગુજરાત સરહદી વિસ્તારોમાં વસતા આદિવાસી ઓ એક જ સમુદાયના આદિવાસી ઓ છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લામાં વસતા આદિવાસી ઓ ખાસ કરીને રાઠવા આદિવાસી ઓ તરીકેની ઓળખ ધરાવે છે, જ્યારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લા ના આદિવાસી ઓ ખાસ કરીને ભિલાલા આદિવાસી તરીકે ની ઓળખ ધરાવે છે, આમ મધ્યપ્રદેશ અને ગુજરાત સરહદી ગામો માં વસતા આદિવાસી ઓ એક જ સમુદાય માથી આવતા હોય જેથી  તેઓ ની સંસ્કૃતિ પરંપરાઓ રિત-રિવાજ અને રહેણી કરણી ભાષા બોલી પણ સમાન જોવા મળે છે , છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસી ઓ નો રોટી-બેટી નો વ્યવહાર પણ પ્રાચીન સમયથી ચાલતો આવે છે.
ભંગોરીયા હાટ માં મધ્યપ્રદેશ ના આદિવાસી લોકો ગુજરાતમાં પણ આવતા હોય છે તેજ પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની ટુકડીઓ મધ્યપ્રદેશ ના ભંગોરીયા હાટ માં પણ ઉમટી પડતી હોય છે.

૧૮ માર્ચ થી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ગુજરાત સરહદી  વિસ્તારોમાં ભરાતા ખ્યાતનામ ભંગોરીયા હાટ આ પ્રમાણે છે.
સોમવાર- છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, મધ્યપ્રદેશના અલીરાજપુર,ભાભરા,બડાગુડા.

મંગળવાર- સાગટાળા, મધ્યપ્રદેશના વખતગઢ, આંબુઆ.

બુધવાર- છોટાઉદેપુર નાં રંગપુર(સ), મધ્યપ્રદેશના ચાંદપુર,બરઝર, ખટ્ટાલી,બોરી.

ગુરુવાર- છોટાઉદેપુર નાં દેવહાટ,ભીખાપુરા, મધ્યપ્રદેશના ફૂનમાલ, સોંઢવા,જોબટ.

શુક્રવાર- છોટાઉદેપુર નાં ઝોઝ, મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા,વાલપુર,ઉદયગઢ.

શનિવાર- છોટાઉદેપુર, મધ્યપ્રદેશના નાનપુર,ઉમરાલી.

રવિવાર- છોટાઉદેપુર નાં પાનવડ મધ્યપ્રદેશના છકતલા,સોરવા,આમખૂટ,ઝિરણ,કનવાડા,કુલવટ.

અહીં આદિવાસી ઓ હાટમાં ખરીદી ઉપરાંત ખેતી કામ માં વ્યસ્તતા માં થી હળવાશ અનુભવી એક બીજા ની ખબર અંતર પુછતા જોવા મળતા હોય છે અને આત્મિયતા જોવા મળતી હોય છે

છોટાઉદેપુર અને ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસી ઓ એક જ સમુદાય ના આદિવાસી ગણાય છે પરંતુ છોટાઉદેપુર માં વસતા આદિવાસીઓ રાઠવા આદિવાસી તરીકે ઓળખાય છે જ્યારે ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોનાં આદિવાસી ઓ ભીલાલા.

આમ છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ગુજરાત સરહદી મધ્યપ્રદેશ રાજ્ય ના સરહદી વિસ્તારોમાં હોળી અગાઉ  અહીં ના આદિવાસી ઓ પોતાની અનોખી અને અતિ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરા ઓ ઉજાગર કરતા  હોય છે, આમ પરંપરાગત રીતે યોજાતા ભંગોરીયા હાટ નુ આ વિસ્તારના આદિવાસી ઓ માં અનેરુ મહત્વ રહેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here