લોકસભાની ચૂંટણીઓને લક્ષમાં રાખી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ નર્મદામાં શરૂ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા ઈલોક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તથા જિલ્લા ચૂંટણી અધિકારી ની ઉપસ્થિતિમાં યોજાયેલી પરામર્શ બેઠક યોજાઇ

૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માર્ગદર્શન પુરૂં પાડતા ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર

નર્મદા જિલ્લાના ઇલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતા અને જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓ, ૧૪૮-નાંદોદ અને ૧૪૯-દેડિયાપાડા મત વિસ્તારના ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે સંક્ષિપ્ત મતદાર યાદી સુધારણા ઝૂંબેશ અંગેની પરામર્શ બેઠક યોજાઈ હતી.

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે તે માટે તા. ૦૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને મૃત્યુ પામેલા મતદારોના નામ કમી કરી ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને તા.૨૭/૧૦/૨૦૨૩ના રોજ મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરેલ છે.

નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંતર્ગત બીએલઓ દ્વારા કરવામાં આવતી કામગીરી, ફોર્મ નંબર-૬-૭-૮ની કામગીરીનું યોગ્ય નિરિક્ષણ અને તેની ચોકસાઈ, ચાલુ વર્ષ દરમિયાન થયેલા ડિલિશનની યાદી ચકાસણી, જિલ્લાના ૧૮-૧૯ વયજૂથનાં તેમાં પણ ખાસ કરીને મહિલા મતદારોની મહત્તમ નોંધણી થાય તે માટેના પ્રયાસો કરવા, મતદાનની ટકાવારી વધારવા માટે સ્વીપ એક્ટિવિટીને પ્રાધાન્ય આપવું, મહિલા મતદારોના ઝીરો એનરોલમેન્ટ વાળા બુથ પર ધ્યાન કેન્દ્રિત કરી મહિલા મતદારોની નોંધણી, મતદાર યાદીમાં ડુપ્લિકેશન નામોની ક્ષતિ દૂર કરવા સહિતની બાબતે વિસ્તૃતમાં ચર્ચા કરી ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર એ જરૂર માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે ટ્રાન્સ જેન્ડર, PWD વોટર્સને ધ્યાનમાં રાખીને ચૂંટણીપંચની ગાઈડલાઈન પર કામ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા સંગઠનમાંથી બી.જે.પી. રાજકીય પક્ષના પ્રતિનિધિ તરીકે કમલેશભાઈ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, નાંદોદના ચૂંટણી અધિકારી કેતુલ ઈટાલિયા, દેડિયાપાડાના ચૂંટણી અધિકારી ડી.આર.સંગાડા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here