રાજપીપળા પાસેના કરજણ ડેમ માંથી 35 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવતા તંત્ર એલર્ટ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કરજણ નદી બે કાંઠે વહેતા વરસાદને ધ્યાને લઈને નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા સહિત નાંદોદ તાલુકા તેમજ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભારે વરસાદ થતાં કરજણ ડેમ ખાતે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતા કરજણ ડેમમાંથી 35000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવતા કરજણ નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી કરજણ નદીમાં પાણી છોડવામાં આવતા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સાબદા કર્યા હતા અને લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું.

ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈ તથા કરજણ બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા જિલ્લાના રાજપીપલા, ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા, હજરપરા અને ધમણાચા સહિતના ગામોમાં નદી માં ડેમ ના પાણી છોડવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓએ સ્થાનિક નાગરિકોને પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

સ્થાનિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે નાયબ મામલતદાર તથા તલાટી કમ મંત્રી ઓને ફરજની સોંપણી કરવામાં આવેલી છે.

ચોમાસાની ચાલુ સિઝન દરમિયાન કરજણ ડેમમાંથી સૌ પ્રથમવાર જ 35,000 ક્યુસેક પાણીનો વિપુલ માત્રામાં જથ્થો છોડવામાં આવતા તંત્ર સાવચેતીના પગલા ભરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here