રાજ્યની સૌ પ્રથમ મહિલા સંચાલિત ખેતી મંડળીની નર્મદા જિલ્લામાં રચના કરાઈ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન ના “સહકાર થી સમૃદ્ધિ ” નાં મંત્ર ને સાકાર કરવા નર્મદા જીલ્લો કરી કટિબદ્ધ બન્યો

પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મંડળીની રચના પર મૂકાયો ભાર

વર્ષ-૨૦૨૧-૨૨ માં વિવિધ યોજનાઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ-૧૨૨૧ લાભાર્થીઓને રૂા.૧૭૫.૨૮ લાખની સહાય ચૂકવણી

પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવા પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મંત્ર “સહકારથી સમૃદ્ધિ”ને પરિપૂર્ણ કરવા રાજ્યભરમાં વિવિધ પ્રકારની યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત નર્મદા જીલ્લામાં રાજ્યમાં સૌ પ્રથમ મહિલા સંચાલિત ખેતી મંડળીની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી બે પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના પણ રાજ્યમાં સૌપ્રથમ નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે. રાજ્ય સરકારના સહકાર વિભાગ દ્વારા નર્મદા જિલ્લાને ૧૦ (દશ) પ્રાકૃતિક ખેતી મંડળીઓની રચના કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. જે પૈકી ૪ (ચાર) મંડળીઓની રચના કરી દેવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન (એફ.પી.ઓ) મંડળીઓની રચના કરવા પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં આ પ્રકારની ૪ (ચાર) મંડળીઓની રચના કરવામાં આવી છે. તેની સાથે ૧ (એક) ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઈઝેશન (એફ.એફ.પી.ઓ) મંડળીની નોંધણી પણ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગની જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી હેઠળ માર્ચ-૨૦૨૨ ના અંતે કુલ-૧૦૪૫ મંડળીઓ નોંધાયેલી છે. જેમાં જિલ્લાકક્ષાની સંસ્થાઓ પૈકી નર્મદા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંધ લી. કાર્યરત છે. સાથોસાથ જિલ્લાનાં તમામ તાલુકામાં તાલુકા સ્થિત પાંચ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘો આવેલા છે. જિલ્લા સહકારી સંઘ દ્વારા તાલુકાની તમામ સહકારી ખરીદ વેચાણ સંઘોમાં ખાતર ચેઈન દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. જેનો જિલ્લાનાં તમામ ખેડૂતો લાભ લઈ રહ્યાં છે. નર્મદા જિલ્લાનાં પાંચ તાલુકામાં પાંચ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ આવેલી છે.

જિલ્લામાં મોટી સંસ્થાઓની વાત કરવામાં આવે તો, ધારીખેડા ખાતે ધી નર્મદા ખાંડ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. આ સહકારી સંસ્થા દ્વારા જિલ્લાના મોટા ભાગનાં ખેડૂતો દ્વારા ઉત્પાદન કરવામાં આવતી શેરડી ખરીદી તેનું પ્રોસેસીંગ કરી ખાંડ અને તેની આડ પેદાશોનું ઉત્પાદન કરવામાં આવે છે. તેના વેચાણ થકી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવે છે. જેના થકી ખેડુતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાની કામગીરી કરવામાં આવે છે.

નાણાંકિય વર્ષ-૨૦૨૧-૨૨ દરમ્યાન રાજ્ય સરકારની વિવિધ ૮ જેટલી યોજનાઓ અંતર્ગત નર્મદા જિલ્લામાં કુલ-૧૨૨૧ લાભાર્થીઓને રૂા.૧૭૫.૨૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ખાંડ સહકારી મંડળીઓને શેરડીના ચુકવણાં માટે તેમજ ખરીદ વેરો ચુકવવા માટે લીધેલા લાંબા ગાળાની લોન વ્યાજ સામે ૭% વ્યાજ સુધીની રાહત આપવામાં આવે છે. સુગરના સભાસદોને તેઓએ સુગર પાસેથી ખરીદેલા બાયોકંપોઝ વર્મિકંપોઝ અને ફોસ્ફોકંપોઝ ખાતરની ખરીદી પર પણ સહકાર વિભાગ લાભાર્થીઓને સહાય ચૂકવે છે. આ ઉપરાંત ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ સેવા સહકારી મંડળીઓને કોમ્પ્યુટર અને તેને લગતા સાધનોની ખરીદી ઉપર ૭૫% સહાય તેમજ દુધ મંડળીઓને દુધઘર બાંધકામ, મિલ્કો ટેસ્ટીંગ મશીન વગેરે જેવા સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. તેમજ આત્મનિર્ભર યોજના-૧ અને આત્મનિર્ભર યોજના-૨ અંતર્ગત લોન લેનાર લાભાર્થીઓને તેઓએ લીધેલ લોન ઉપર અનુક્રમે ૬% અને ૪% વ્યાજ સહાય આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here