રાજપીપળા ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામા 594 લાભાર્થીઓને 2.29 કરોડની રકમના સહાયના લાભોનું વિતરણ કરાયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આગામી સમયમાં ભારતને શક્તિશાળી અને વિકસિત રાષ્ટ્ર બનાવવા તમામ લોકોએ પોતાનામાં રહેલું કૌશલ્ય બહાર લાવવું પડશે – જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી

ગુજરાતમાં છેલ્લા ૧૩ વર્ષથી અવિરત ચાલતા ગરીબ કલ્યાણ મેળા થકી અત્યારસુધી અંદાજે ૧.૬૫ કરોડ લાભાર્થીઓને અંદાજે રૂા.૩૫ હજાર કરોડથી પણ વધુની સહાય સીધે સીધી આપવામાં આવી છે : જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી

વંચિતોના વિકાસને વરેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે નર્મદા જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો રાજપીપલા સ્થિત છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પટાંગણમાં ગુજરાતના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમને ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લાના તમામ તાલુકા પંચાયતનાં પ્રમુખ, ધારીખેડા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, અગ્રણી વિક્રમભાઇ તડવી, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય થકી ખુલ્લો મુકાયો હતો.

જિલ્લાકક્ષાના આ ગરીબ કલ્યાણ મેળામાં ૫૯૪ લાભાર્થીઓને અંદાજે રૂા.૨.૨૯ કરોડથી પણ વધુની રકમની સહાયના લાભોનું વિતરણ કરાયું હતું.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૦૯ થી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી એન હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેલ્લા ૧૩ વર્ષથી ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરાઇ હતી.વડાપ્રધાનશ્રીના વિઝન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના મિશનથી આ ગરીબ કલ્યાણ મેળાઓ સતત ચાલી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળા થઇ રહ્યાં છે, દેશની આઝાદીનો આ વર્ષે અમૃતકાળ ચાલી રહ્યો છે. આઝાદીના જંગમાં જેમને બલિદાન આપ્યું તેમના મનમાં સ્પષ્ટતા હતી કે સ્વરાજ આવશે એટલે જ શ્રી લોકમાન્ય તિલકે પણ કહ્યું હતું કે સ્વરાજ અમારો જન્મસિધ્ધ અધિકાર છે. દેશની આઝાદી પછીના દાયકાઓ બાદ કેન્દ્રની નરેન્દ્રભાઇ મોદીની સરકારે અંત્યોદય અને એકાત્વ માનવ દર્શનના સંકલન સાથે જન જનના વિકાસ માટેનું બીડું ઉપાડ્યું છે, જેમાં છેવાડાના માનવીનું ઉત્થાન થાય તેના માટે અનેકવિધ કાર્યો થઇ રહ્યાં છે. અને તેના થકી ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સરકાર સુસાશન આપવાનું કામ કરી રહી છે.

મંત્રી પૂર્ણેશ મોદી એ જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો તો એક નિમિત્ત છે. પરંતુ તત્કાલિન મુખ્ય મંત્રી ની દિર્ઘદ્રષ્ટિમાં શરૂ થયેલી વિકાસયાત્રા આજે પણ વણથંભી છે. તેમણે આઝાદીના અમૃતકાળના પાંચ વર્ષ પહેલાં લક્ષ્યાંક નક્કી કર્યો હતો કે કરોડો લોકોના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે જે આજે આપણે ફળ સ્વરૂપે જોઇ રહ્યાં છીએ. માત્ર એટલું જ નહીં પણ ઘર આપ્યા પછી ગેસ કનેક્શન પણ નિ:શૂલ્ક આપ્યું અને શુધ્ધ પીવાનું પાણી પણ ઘરે-ઘરે નળ થકી પુરું પાડ્યું, જેથી આજે છેવાડાના લોકો નિશ્વિંત થઇ જીવન જીવી રહ્યાં છે. ખેડૂતો માટે તો બમણી આવક થાય તેવી યોજના કેન્દ્રની સરકારે લાગુ કરી છે. માત્ર ગરીબ કલ્યાણ મેળો જ નહીં પણ લોક કલ્યાણની યોજનાના અનેક કાર્યક્રમો કેન્દ્ર અને રાજ્ય સરકાર કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા દરેક નાગરિકો-યુવાનોને યોગ્ય રોજગારી મળી રહે તેના માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત સરકાર ગરીબોના આંસુ લૂંછવા માટેના સતત પ્રયત્નો કરી રહી છે. વોકલ ફોર લોકલના સૂત્રને ચરિતાર્થ કરવા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેના અનેકવિધ કાર્યો થઇ રહ્યાં છે. આવનાર દિવસોમાં જો શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાનું હશે, એક વિકસિત રાષ્ટ્ર બનાવવું હશે તે તમામ લોકોએ પોતાનામાં પડેલું કૌશલ્ય બહાર લાવવું પડશે અને તે કામ ગુજરાતની સરકારે કર્યું છે. ગરીબ કલ્યાણ મેળો થકી અત્યારસુધી અંદાજે રૂા.૩૫ હજાર કરોડથી પણ વધુની રકમના લાભો અંતર્ગત અંદાજે ૧.૬૫ કરોડ વ્યક્તિઓને સીધે સીધી સહાય આપવામાં આવી છે જે આ સરકારની ખૂબ મોટી ઉપલબ્ધિ હોવાનું મંત્રી એ જણાવ્યુ હતું.

ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આપણો દેશ કુદરતી સંપદાઓથી સમૃદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા, જાપાન, ચીન અને રશિયા જેવા રાષ્ટ્રની હરોળમાં લાવવાના ઘનિષ્ઠ પ્રયાસો જારી રાખેલ છે. તેમણે ગરીબોના ઉત્થાન માટેનું ભગીરથ કાર્ય કર્યું છે. દેશના તમામ નાગરિકો આત્મનિર્ભર બની શકે, કોઈ બેરોજગાર ન રહે તે માટેના વિકલ્પો અને સહાય યોજનાઓ નાગરિકોને કેન્દ્ર સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ લોકકલ્યાણના કાર્યોને આગળ ધપાવ્યા હતા. આજે પણ તેઓ આ દિશામાં જ આગળ વધી રહ્યાં છે. તેઓએ કહ્યું કે, જે રાજ્યની શિક્ષણ પધ્ધતિ ઉચ્ચકક્ષાની હોય, શિક્ષણ ગુણવત્તાવાળું હોય તેની પ્રગતિ ખૂબ ઝડપી થાય છે. ખાસ કરીને દીકરીઓને ભણાવવા માટે અનેક કાર્યક્રમો વડાપ્રધાન ના નેતૃત્વમાં થયા છે. આદિવાસી વિસ્તારોમાં કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો થકી વાલીઓમાં જાગૃત્તિ આવતા શિક્ષણનું સ્તર સુધર્યું છે. આજે અંતરિયાળ વિસ્તારમાં સરકારી હાઈસ્કૂલો શરૂ થઈ છે અને તમામ તાલુકા મથકો પર સરકારી કોલેજો પણ ચાલી રહી છે. સાથોસાથ ગુજરાતમાં ઉદ્યોગોની સ્થાપનાથી રોજગારીના દ્વાર પણ ખુલ્યા છે અને સ્થાનિક લોકો રોજગારી મેળવતા થયા છે.

આ પ્રસંગે નર્મદા સુગર ફેક્ટરી અને ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે પ્રાયોજના વહિવટદાર પંકજ ઔંધિયાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે નવોદય વિકાસ ટ્રસ્ટ સાગબારા દ્વારા કાર્યક્રમના સ્થળે આદિવાસી નુત્ય પ્રસ્તુત કરાયું હતું. તેમજ સરકાર ની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યાં હતાં જે પૈકી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની માનવ કલ્યાણ યોજનાના લાભાર્થી પાયલબેન જશુભાઈ વાસવા અને શ્રેષ્ઠ પશુપાલકના એવોર્ડથી સન્માનીત રાજેશભાઈ નરોત્તમભાઈ વાસાવાએ ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવે આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશભાઇ માછીએ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here