નર્મદા જીલ્લામા હવે શાળા-કોલેજોના વિદ્યાર્થીઓમાં પોકસો એક્ટ અંગેની જાગૃતિ કેળવવાના અભિયાન શરૂ કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં તા.૨૦ મી ઓકટોબરના સમયગાળા સુધી પોક્સો એક્ટ અંતર્ગત કાનૂની શિક્ષણ શિબિર યોજાશે

જાગૃત્તતા કેળવવાના હેતુથી UNICEF સહિત સૌહાર્દ સંસ્થા દ્વારા ઉપાડેલી આ સરાહનીય ઝુંબેશ

નામદાર ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ અરવિંદકુમાર તથા ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયાબેન ગોકાણીના સબળ માર્ગદર્શન હેઠળ ગુજરાત હાઇકોર્ટ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, UNICEF સાથે સૌહાર્દ સંસ્થા તરફથી બાળકોને જાતીય ગુનાહ સામે રક્ષણ આપતો કાયદો (POCSO) સંદર્ભે સમગ્ર રાજ્યમાં ગત તા.૨૬ મી સપ્ટેમ્બર,૨૦૨૨ થી પ્રારંભાયેલ જાગૃતિ અભિયાન તા.૨૦/૧૦/૨૦૨૨ સુધી ચલાવવાનું નક્કી કરાયેલ છે.

આ અભિયાન હેઠળ રાજ્યના તમામ જિલ્લા તથા તેમાં સ્થિત તાલુકાની ઉચ્ચતર માધ્યમિક શાળઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને આ કાયદાની પ્રાથમિક જાણકારી આપી કાયદાની અપૂરતી જાણકારીથી બાળકની જીંદગી ખરાબ રીતે પ્રભાવિત ન થાય તેમજ આ કાયદામાં જણાવેલ ગુન્હાના ભોગ બનનાર બાળકને ન્યાય અપાવવા કઇ સંસ્થાનો સંપર્ક થઇ શકે, આ બાળકોના કયા અધિકારો છે તેમજ આ કાયદામાં બાળકોના ભવિષ્ય સુરક્ષિત રાખવા કઇ જોગવાઇ કરવામા આવી છે તેની જાણકારી આપવમાં આવે છે.

રાજ્યભરની શાળા તથા કોલેજોમાં શાળા સંચાલકોના સુલભ સહયોગ તથા ડી.ઇ.ઓ. ના સહકાર તેમજ કોલેજ મેનેજમેન્ટની મદદથી નિષ્ણાંત તજજ્ઞો વધુમા વધુ બાળકોને વ્યાખ્યાન આપી સમજ પુરી પાડે છે, આ ઝુંબેશને ઐતિહાસિક સફળતા મળી રહી છે અને સરેરાશ રોજ આશરે પચાસ હજાર બાળકોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ જાગૃતિ અભિયાન સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમૂર્તિ એમ.આર. શાહના ચૂકાદા અંતર્ગત શરૂ કરવામાં આવેલ છે, જેમાં ગુજરાત હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિ ડૉ.એ.સી. જોશી, સુશ્રી વૈભવી નાણાવટી, નિખિલ કેરીયલ, સંદિપ ભટ્ટ, નિરઝર દેસાઇ તથા નીરલ મહેતા તરફથી જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે, તેમ એ.વાય.વકાની, સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here