નર્મદા કલેક્ટરે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા સંદર્ભે નોડલ અધિકારી, સહ નોડલ-અમલીકરણ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ક્રાઉડ મેનેજમેન્ટ સહિત ભાવિક ભક્તો માટે વ્યવસ્થાઓને વધુ સુદ્રઢ બનાવવા સંબંધિત નોડલ અધિકારીઓને રચનાત્મક સૂચનો આપી શાંતિ-સલામત રીતે યાત્રા પૂર્ણ થાય તે માટે માર્ગદર્શિત કરતા નર્મદા કલેક્ટર શ્રીમતી તેવતિયા

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ નર્મદા જિલ્લાની પાવન ભૂમિ પર થતી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સંદર્ભે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજીને સંબંધિત વિભાગના નોડલ અધિકારી સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરીને કામગીરીની સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ બેઠકના પ્રારંભે પરિક્રમા સંદર્ભે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરીને એક સપ્તાહમાં સુપેરે નિભાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે, એક માસ દરમિયાન પરિક્રમા શાંતિમય પસાર થાય, ‘વિના વિઘ્ને’ સૌ સહીયારો સાથ આપીને સુપેરે નિભાવીએ તેવી શુભેચ્છા પાઠવી હતી. જાહેર રજા, તહેવારોમાં ભાવિક ભક્તોની વધતી ભીડને પહોંચી વળવા ક્રાઉડ મેનેજમેન્ટ અંગે તાત્કાલિક નિર્ણયો લઈને બંદોબસ્તને વધારવા, ડોમમાં એન્ટ્રી દરમિયાન બેરિકેટિંગની સુચારુ બેઠક વ્યવસ્થા, ભાવિક ભક્તોને વિશ્રામ માટે ખુરશીઓની વ્યવસ્થાઓને વધારવા સાથે પોલીસ બંદોબસ્ત માટે વોચ ટાવર જેવા કેટલાંક રચનાત્મક સૂચનો કરીને સૌને માર્ગદર્શિત કર્યા હતા અને પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક મીડિયામાં પરિક્રમાના પ્રસાર-પ્રચારની સરાહના કરી હતી.

વધુમાં કલેક્ટરશ્રીએ ભાવિક ભક્તોની આરોગ્યલક્ષી સુવિધાઓ અને સલામતીને કેન્દ્રસ્થાને રાખીને નોડલ અધિકારીના માર્ગદર્શન હેઠળ સંબંધિત તમામ અધિકારીઓને આયોજનબદ્ધ રીતે ફરજ બજાવીને માં નર્મદા પરિક્રમા કરવા આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે કાળજી લેવા જણાવ્યું હતું અને ડોમમાં વેઇટીંગ માટે રોકાતા લોકોને નર્મદા આરતી – ભજનો જેવા સારા મ્યુઝિક સાંભળવાની વ્યવસ્થા, લાઇફ જેકેટ, નાવડીનું સંચાલન, સીસીટીવી કેમેરા, કન્ટ્રોલ રૂમ, ડે-નાઇટ શિફ્ટ વ્યવસ્થા જેવી બાબતો અંગે ચર્ચા કરાઇ હતી અને તંત્રની સારી છાપ લઇને લોકો જાય તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, ટ્રેઈની આઈ.એ.એસ. પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર જે.કે. જાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદભાઈ મછાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી ભૂમિકા રાઉલ અને પિનાકીની ભગોરા સહિત જિલ્લા-તાલુકાના સંબંધિત નોડલ અધિકારીઓ તિલકવાડા મામલતદાર પ્રતિક સંગાડા, ટીડીઓ વગેરે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here