હવામાન વિભાગની વિવિધ મોબાઈલ એપ્લિકેશન દ્વારા ખરાબ વાતાવરણ, વીજળી પડવી તેમજ ખેડૂતોને પાક મુજબનું માર્ગદર્શન મળી રહેશે

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

જિલ્લાવાસીઓને આવી એપ્લિકેશનનો મહત્તમ ઉપયોગ કરવા અનુરોધ

ભારત સરકારના હવામાન વિભાગ દ્વારા મોસમ, મેઘદૂત, દામિની અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતીને લગતી બાબતો સહિત ચોમાસાની ઋતુ વિષયક વિગતો અને સચોટ જાણકારી પ્રાપ્ત થશે. ભારત સરકારના હવામાન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર તમામ એપ્લિકેશન ઉપલબ્ધ રહેશે.

જેમાં મોસમ એપ્લિકેશન થકી તાપમાન, પવનની ગતિ, ભેજ સહિતની માહિતી પ્રાપ્ત થશે. દામિની એપ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળ અર્થ સિસ્ટમ સાયન્સ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિકસાવવામાં આવી છે. સમગ્ર ભારતમાં વીજળી પડવાની ઘટના પર નજર રાખવામાં આ એપ્લિકેશન મદદ કરે છે. આ એપ્લિકેશન દ્વારા વીજળી પડવાની ચેતવણી જીપીએસ નોટિફિકેશન એલર્ટ થકી આપવામાં આવે છે. જેથી માનવ જીવન અને સંપત્તિને થતાં નુકસાનને ટાળી શકાય છે.

મેઘદૂત એપ્લિકેશન એ ભારતીય હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણકટિબંધીય હવામાનશાસ્ત્ર સંસ્થા અને ભારતીય કૃષિ સંશોધન પરિષદની સંયુક્ત પહેલ છે. આ પહેલનો હેતુ ખેડૂતોને ઉપયોગી મહત્વપૂર્ણ માહિતી પહોંચાડવાનો છે. ખેડૂતોને વરસાદ, તાપમાન, ભેજ, હવાની ઝડપ સહિતની માહિતી પ્રાપ્ત થશે. જ્યારે પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન લોકેશન પ્રમાણે હવામાનની જાણકારી અપાશે, જેમાં લોકો પોતાનો પ્રતિભાવ પણ આપી શકશે.

*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here