કાલોલના પીંગળી ગામે લોકડાઉન દરમ્યાન મનરેગા યોજનાની કેરસીટીમાં કામ કરેલા ૨૧૭ જોબકાર્ડ ધારકોનું વેતન નહીં ચુકવાતા તંત્ર સામે રોષ…

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના પીંગળી ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કોરોના વાયરસની મહામારી દરમિયાન અમલમાં આવેલા લોકડાઉનના સમયકાળમાં ગામના ગરીબ અને શ્રમજીવી વર્ગને રોજગારી મળે એ હેતુએ સરકાર દ્વારા કેરસીટી મુજબ તળાવ ઉંડા કરવા હેઠળ માટી ખોદકામ કરવાના રાહત કામો શરૂ કરવામાં આવ્યા હતા. આ કેરસીટી હેઠળ લોકડાઉનના સમય દરમ્યાન પીંગળી ગામના પાવાઈ તળાવમાં પહેલા તબક્કામાં તા. ૨૪ એપ્રિલથી ૨૯ એપ્રિલ દરમિયાન ગામના ૧૯ જોબકાર્ડ ધારકોએ કામ કર્યું હતું. જ્યારે ૩૦ મેથી ૧૪ મે સુધીના બીજા તબક્કામાં ૨૧૭ જોબકાર્ડ ધારક લોકોએ તળાવમાં માટી ખોદકામ કર્યું હતું. જે પછી વરસાદ આવી જતાં મનરેગા યોજનાનું કામ અટકાવી દેવામાં આવ્યુ હતું. આમ ગામના ગરીબ અને શ્રમજીવી વર્ગને રોજગારી આપતા આ મનરેગા યોજનામાં પોતાનો પરસેવો વહાવીને કરેલા આ સમગ્ર રાહત કામગીરીને દોઢ મહિનો પૂરો થવા આવ્યો છતાં પણ હજી સુધી આ ૨૧૭ જોબકાર્ડ ધારકોને તેમના પરસેવાનું કોઇ વેતન નહીં મળતા ગામડાના ગરીબ લોકોની રોજીરોટીનો કોળિયો તંત્રની બેદરકારી અને ઉદાસીનતાએ વિલંબમાં ખોરવાઈ પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ચોમાસાની સિઝન બેઠી છે એ સમયે ખેતીકામ કરતા આ શ્રમજીવીઓ માટે મનરેગા યોજના હેઠળ કરેલા તેમના કામનું વેતન મળી ગયું હોત તો એ વેતન ખેતીકામમાં ઉપયોગી બની શકતું હતું. પાછલા દોઢ મહિનાથી વેતન નહીં ફાળવતા ઉદાસીન તંત્ર સામે મંગળવારે અસરગ્રસ્ત બનેલા મહિલાઓએ ગામના પંચાયત ભવન ખાતે એકત્રિત થઈને પોતાના પરસેવાના વેતનની માંગ કરી તંત્રની બેદરકારી સામે ભારે રોષ ઠાલવ્યો હતો. જે અંગે જવાબદાર તંત્ર દ્વારા અસરકારક પગલાં ભરી તેમનું સમગ્ર વેતન જોબકાર્ડ ધારકોના ખાતામાં સત્વરે જમા કરવામાં આવે તેવી લોકમાંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here