જુના ડીસા ગામે વિજ બિલ ન ભરાતા સ્ટ્રીટ લાઈટ બંધ… અંધારપટ છવાયો

ડીસા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પંચાયત દ્વારા વિજ ભરવાના પૂરતા પ્રયાસો : તલાટી

ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામે સ્ટ્રીટ લાઈટનું વિજ બિલ ન ભરાતા વિજ તંત્ર દ્વારા જોડાણ કાપી દેવામાં આવ્યું છે. તેથી નજીકમાં તહેવારોના તાકડે જ ગામમાં અંધારપટ છવાયો છે.
કોમી એકતા માટે વખણાતાં જુનાડીસા ગામે ગ્રામ પંચાયત પાસે આવકના નહિવત સ્તોત્ર વચ્ચે સ્ટ્રીટ લાઈટનું વિજ બિલ ભરાયું ન હતું.તેથી વિજ કંપનીએ નોટિસો આપ્યા બાદ આખરે ૩૦ માર્ચે વિજ કનેક્શન કાપી દીધું છે. તેથી હાઇવે સહિત ગામમાં અંધારપટ છવાયો છે. આ બાબતે ગામના તલાટી સુરેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પંચાયત પાસે આવકના ઓછા સ્તોત્ર છે. આજે પણ ગામમાં જુના બાબા આદમ વખતથી વિજ વેરો માત્ર ૩૦ રૂપિયા લેવામાં આવે છે. તેમછતાં ગામલોકો સમયસર વેરો ભરતા નથી.એટલું જ નહીં, વચ્ચે વેરો વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પણ ગામલોકોએ વિરોધ વ્યક્ત કરતા વેરો વધારી શકાયો નહતો. તો પણ વહીવટદારના માર્ગદર્શન હેઠળ વિજ બિલ ભરવાના પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી ટૂંક સમયમાં રૂ.૬૦ હજારનું વિજ બિલ ભરાઈ જશે પણ ગામના હિતને નજરમાં રાખી ગામલોકોને બાકી વેરો સત્વરે ભરી દેવાની અપીલ પણ કરી હતી
નજીકમાં હિન્દૂ ધર્મની ચૈત્રી નવરાત્રિ અને મુસ્લિમ બિરાદરોના રમઝાન મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે ગામલોકો પણ સહયોગ આપી સ્ટ્રીટ લાઈટનું બિલ સત્વરે ભરાય તેવો જનમત પ્રવર્તે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here