વિશ્વ યોગ દિવસે તા.૨૧ મી જૂને SOU એકતાનગર ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં “ માનવતા માટે યોગ” ની થીમ આધારિત જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ યોજાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લાકક્ષાના કાર્યક્રમની સાથોસાથ વ્યુ પોઇન્ટ નંબર-૧ ઉપરાંત ગોરા બ્રીજ, ડેમ ટોપ સાઇટ અને નર્મદા ઘાટ ખાતે પણ યોગના કાર્યક્રમો યાજાશે : SOU ખાતે અંદાજે ૩૦૦૦ થી પણ વધુ યોગસાધકો ભાગ લેશે

નર્મદા જિલ્લાના તાલુકા, નગરપાલિકા, ગામ, શાળા, કોલેજો, યુનિવર્સિટી, આઇ.ટી.આઇ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશન, પોલીસ હેડ ક્વાટર્સ સહિતના વિવિધ સ્થળોએ પણ યોગના કાર્યક્રમોનું વિશાળ આયોજન

વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીના સુચારા આયોજન માટે જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષપદે જિલ્લા પ્રસાશન, વિવિધ સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિ ઓ વગેરે સાથે યોજાયેલી બેઠક

“આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે અને “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા આગામી તા.૨૧ મી જૂન,૨૦૨૨ ને મંગળવારના રોજ “માનવતા માટે યોગ” ની થીમ આધારિત વિશ્વની સૌથી ઉંચી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સ્થળ એકતાનગરમાં એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો યોગનો મુખ્ય કાર્યક્રમ યોજાશે. તદ્ઉપરાંત એકતાનગરના વ્યુ પોઇન્ટ નંબર-૧ ખાતે પણ યોગનો કાર્યક્રમ યોજાશે, તેની સાથોસાથ નર્મદા ડેમની ટોપ, નર્મદા ઘાટ અને ગોરા બ્રિજ ખાતે પણ યોગનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ગત મંગળવારે રાજપીપલામાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ધનશ્યામભાઇ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદાર બી.કે પટેલ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર, શ્રી અક્ષય જોશી, શ્રી પ્રતિક પંડ્યા, SOUADTGA ના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ, નાયબ કલેક્ટર કુલદીપ વાળા અને ડૉ.મયુર પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા, જિલ્લા પોલીસના DYSP, નહેરૂયુવા કેન્દ્રના જિલ્લા કો-ઓર્ડિનેટરશ્રી વિઠ્ઠલ તાયડે વિવિધ સામાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લામાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણીના સુચારૂ આયોજન માટે યોજાયેલી બેઠકમાં ઉપરોક્ત જાણકારી આપતા જિલ્લા કલેક્ટર શાહે વધુમાં જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિલ્લાકક્ષાના ઉક્ત નિયત બે સ્થળો ઉપરાંત નર્મદા ડેમ ટોપ સાઇટ , નર્મદા ઘાટ અને ગોરા બ્રિજ ખાતે પણ યોગના કાર્યક્રમો યોજાશે. જેમા અંદાજે ૩૦૦૦ થી પણ વધુ યોગસાધકો તેમાં ઉત્સાહભેર ભાગ લેશે. તદ્ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાકક્ષા, રાજપીપલા નગરપાલિકા કક્ષાએ અને જિલ્લાના તમામ ગામોમાં ગ્રામ્યકક્ષાએ, જિલ્લાની તમામ શાળા-કોલેજો, યુનિવર્સિટી, ITI, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રો, જિલ્લા જેલ, પોલીસ હેડ ક્વાટર્સ, તમામ પોલીસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ પણ યોગના કાર્યકર્મો યોજાશે. જેમાં જિલ્લાની વિવિધ સમાજિક-સ્વૈચ્છિક-ધાર્મિક સંસ્થાઓને મહત્તમ સંખ્યામાં જોડાવા જિલ્લા કલેક્ટરશ્રી શાહે હાર્દિક અપીલ કરી છે અને તે અંગેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન સત્વરે અને સમયસર થાય તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી છે.

યોગમાં ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે તેમ જણાવી જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર ધ્વારા સમંગ્ર દેશભરમાં તેમજ ગુજરાત સરકાર ધ્વારા પણ સમંગ્ર રાજ્યમાં ૭૫ જેટલાં આઇકોનિક સ્થળ પસંદ કરાયાં છે. કેન્દ્ર ધ્વારા દેશભરના પસંદ કરાયેલા ૭૫ આઇકોનિક સ્થળો પૈકીના ગુજરાતના ચાર સ્થળમાં તેમજ ગુજરાતના ૭૫ આઇકોનિક સ્થળોમાં SOU ના એકતાનગરનો સમાવેશ કરાયો છે અને આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ થનાર છે, ત્યારે નર્મદા જિલ્લામાંથી ભાગ લેનાર તમામ યોગ સાધકોને શિસ્તપૂર્વક ભાગ લઇને કાર્યક્રમને ગૌરવ બક્ષવા ભારપૂર્વકનો અનુરોધ કર્યો હતો.

SOU એકતાનગર ખાતે યોજાનારા યોગના ઉક્ત કાર્યક્રમમાં ખેલકૂદ-ફિલ્મ જગત સહિત અન્ય ક્ષેત્રની કેટલીક નામાંકિત પ્રતિભાઓ પણ ઉપસ્થિત રહેશે તેવો અંગૂલી નિર્દેશ કરતાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે સમગ્ર જિલ્લામાં આ દિવસે યોજાનારા યોગના કાર્યક્રમની જરૂરી વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પ્રસાશન ધ્વારા રચાયેલી વિવિધ સમિતિઓ અને તેમને સોંપાયેલી ફરજો અને જવાબદારી સુપેરે પાર પડે તે જોવાની પણ સંબંધકર્તા તમામને ખાસ તાકીદ કરી હતી.

આ બેઠકમાં જિલ્લા પ્રસાશનના વરિષ્ટ અધિકારી ઓ સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ, સ્વામીનારાયણ ગુરુકુલ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, ગાયત્રી પરિવાર, વસંતપુરા આનંદ આશ્રમધામ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને એજ્યુકેશન ફાઉન્ડેશન, જયભોલે ગૃપ, મહર્ષિ પતંજલિ યોગ કેન્દ્ર, જાયન્ટસ ગૃપ ઓફ રાજપીપલા, બર્ક ફાઉન્ડેશન, નિલકંઠધામ-પોઇચા, ગુવાર આશ્રમ વગેરે જેવી સંસ્થાઓના પ્રતિનિધિ ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here