ઉર્જા રાજ્ય મંત્રીએ યોજેલી બેઠકમાં નર્મદાના વિજ વિભાગને લગતા પ્રશ્નોનું કરાયેલું નિરાકરણ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ૧૪૫૭ જેટલા કૃષિ જોડાણની માંગણી સંદર્ભે ડિસેમ્બર-૨૦૨૨ પહેલા તમામ જોડાણોની સુવિધા ઉપલબ્ધ કરાશે : ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલ

નર્મદા જિલ્લાની ૧૪૦૦ જેટલા ટ્રાન્સફોર્મરની જરૂરિયાત તા.૧૫ મી જુલાઈ, ૨૦૨૨ પછી પૂરી કરાશે

ગુજરાતના તમામ જિલ્લાઓનો પ્રવાસ કરીને વિજ વિષયક પ્રશ્નોના સ્થળ પર ઉકેલ લાવવાના કાર્યક્રમની નર્મદા જિલ્લાથી કરી પહેલ કરતા ઊર્જા મંત્રી

ગુજરાતના કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલે સમગ્ર ગુજરાતનાં તમામ જિલ્લાઓનો પ્રવાસ કરીને ઉર્જા વિભાગને લગતા ખેડૂતોના પ્રશ્નોની રૂબરૂ રજૂઆત સાંભળીને તેના ત્વરિત નિકાલ માટેના હાથ ધરેલા કાર્યક્રમ અંતર્ગત આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રસાશન, વિજ વિભાગના અધિકારીઓ,વરિષ્ડ પદાધિકારીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ કાર્યક્રમ યોજીને નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની તાજેતરની નર્મદા જિલ્લાની વન-ડે વન-ડ્રિસ્ટ્રીકટ મુલાકાત કાર્યક્રમમાં વિજ વિભાગને લગતાં તમામ ખેડૂતોના પ્રશ્નો હલ કરીને તેનું સ્થળ પર નિરાકરણ કરાયું છે. નર્મદા જિલ્લાના ૧૪૫૭ જેટલા કૃષિ જોડાણની માંગણી સંદર્ભે ડિસેમ્બર-૨૦૨૨ પહેલા તમામ જોડાણોની સુવિધા ઉપલબ્ધ કરાશે. તેમજ જિલ્લાની ૧૪૦૦ જેટલા ટ્રાન્સફોર્મરની જરૂરિયાત પણ તા.૧૫ મી જુલાઈ, ૨૦૨૨ પછી પૂરી કરાશે તેવી જાણકારી મંત્રી એ આપી હતી.

ભરૂચના સંસદસભ્ય મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને ઉપપ્રમુખ કિરણ વસાવા, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, ડીજીવીસીએલના મેનેજીંગ ડિરેક્ટર સુશ્રી સ્નેહલ ભાપટે તાલુકા પંચાયતના પ્રમુખો- ઉપપ્રમુખો સહિત અન્ય પદાધિકારી ઓ, પ્રાયોજના વહિવટદાર બી.કે પટેલ, મુખ્ય ઇજનેર એચ.આર.શાહ, અધિક્ષક ઇજનેર જે.એમ.પટેલ, કાર્યપાલક ઇજનેર રાણા સહિત ડીજીવીસીએલના સંબધિત ક્ષેત્રના ઇજનેરો વગેરેની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે ઉર્જા રાજ્યમંત્રીશ મુકેશ પટેલના અધ્યક્ષપદે યોજાયેલી ઉક્ત બેઠકમાં જિલ્લાના કૃષિ વિષયક ફીડરના દૂરસ્તીકામ, ચીકદા-સબ ડિવિઝનના વિભાજન, રાજપીપલા શહેર ખાતે અંડરગ્રાઉન્ડ કેબલની કામગીરી, ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત બનાવેલ બોર માટે ખેતીવાડી વિજ જોડાણ તેમજ નવા ખેતીવાડી વિજ જોડાણો માટે નવા ટ્રાન્સફોર્મર ફાળવવા વગેરે જેવા પ્રશ્નોનો આજે નિકાલ કરાયો છે.

મંત્રી મુકેશ પટેલે બેઠકને સંબોધતા ડીજીવીસીએલના ઉચ્ચાધિકારી ઓ, ઇજનેરો વગેરેને જિલ્લાના વરિષ્ઠ પદાધિકારી ઓ, ચૂંટાયેલા સદસ્યો વચ્ચે જરૂરી સુસંકલન સાધીને જિલ્લાના વિજ સુવિધાઓને લગતા નાના-મોટા પ્રશ્નોનો ઝડપથી અને સત્વરે ઉકેલ લાવવાની હિમાયત કરી હતી. જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું બહુમાન કરી તેમની કામગીરીને બિરદાવાય તેવી કાર્યપ્રણાલી વિકાસાવવા પર પણ તેમને ખાસ ભાર મૂક્યો હતો.

ઉક્ત બેઠક બાદ ઉર્જા રાજ્ય મંત્રી મુકેશ પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતુ કે, સાંસદ સી.આર.પાટીલે વન ડે વન ડિસ્ટ્રીક્ટનું આયોજન કર્યું હતું, જે અંતર્ગત નર્મદા જિલ્લામાં ખેડૂતો સાથે કરેલા વાર્તાલાપમાં મારા વિભાગના જે ઉર્જાના પ્રશ્નો હતા તેના નિરાકરણ માટે તાત્કાલિક મેં આ જિલ્લાની પસંદગી કરી. મારા વિભાગને અભિનંદન આપુ છું કે તેમણે મારા વિભાગના તમામ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કર્યું છે. જિલ્લો ભલે નાનો છે પણ જિલ્લાની અંદર જંગલ વિસ્તાર આવેલો હોવાથી અનેક નાના-મોટા પ્રશ્નો રહેતા હોય છે, છતાં પણ જે રીતે અમારો વિભાગ કામ કરી રહ્યું છે, તેમ આવનારા દિવસોમાં પણ નવા જે સબ- સ્ટેશનો છે તેને મંજૂર કરી આપીશું. અહીં નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે જે વાત કરી તેમ સુગર ફેક્ટરીની અંદર પણ વિજ ઉત્પાદન કરવામાં આવે છે. તેના માટે કંઈક નવી પોલીસી બનાવીને તેમાં એમનો સમાવેશ કરીશું. સાથે સાથે આ જિલ્લામાં લગભગ ૧૪૫૭ જેટલા ખેડૂતોએ વીજળીના કનેક્શન માટે માંગણી કરી છે, તે તમામ કનેક્શન અમે ડિસેમ્બર પહેલાં આ ખેડૂતોને આપી દઈશું. ૧૪૦૦ જેટલા ટ્રાન્સફોર્મરની જરૂરિયાત છે, તે પણ તા.૧૫ મી જુલાઈ,૨૦૨૨ પછી આપી દઈશું.

વધુમાં ઉમેર્યું હતુ કે, ગુજરાતની અંદર બધા જ ખેડૂતોને સમયસર અને ગુણવત્તાવાળી વીજળી મળી રહે છે. સાથે સાથે નર્મદા જિલ્લાને એ પણ અભિનંદન આપુ છું કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્થળ પણ અહીંયા આવેલું છે. જ્યાં દેશ અને વિદેશથી ખૂબ લોકો આવતા હોય છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અભિનંદન આપીએ છીએ કે તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે આ જે જગ્યા પસંદ કરી તેના લીધે સમગ્ર વિશ્વમાં આજે નર્મદા જિલ્લો જાણીતો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here