નર્મદા જીલ્લામા એક્તા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ODOP વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એક્તા મંથન શિબીર યોજાઇ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

યુનિટી મોલ્સ સ્થાનિક ઉત્પાદનો માટે વન- સ્ટોપ માર્કેટપ્લેસ અને વ્યાપારી કેન્દ્ર તરીકે કાર્ય કરશે, ભારતના અન્ય રાજ્યોના ઉત્પાદનોનું પ્રદર્શન પણ એક જ સ્થળે કરવામાં આવશે : કેન્દ્રિય ઉદ્યોગ મંત્રી સોમ પ્રકાશજી

ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવી

એકતાનગર ખાતે યોજાયેલી એકતા મંથન શિબિરમાં દેશભરમાંથી ૨૧ રાજ્યોના મધ્યમ અને લઘુ-સુક્ષ્મ ઉદ્યોગ વિભાગ સાથે સંકળાયેલા રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા

સમગ્ર દેશમાં વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટને પ્રાધાન્ય આપી સ્થાનિક વસ્તુઓને મોટું માર્કેટ પુરૂં પાડવાની “વોકલ ફોર લોકલ” ની પરિકલ્પનાના ભાગ રૂપે કેન્દ્ર સરકારના લઘુ-મધ્યમ કદના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં યુનિટી મોલ ઊભા કરવા માટેની વિચારણા કરવામાં આવી છે. આ વિચારને દેશના તમામ રાજ્યો કેવી રીતે અમલીકરણ કરી શકે તેની ચર્ચા વિચારણા માટે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે એકદિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન સત્રના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશજીએ જણાવ્યું હતું કે, આપણો દેશ વિવિધતામાં એકતાની ભૂમિ તરીકે ઓળખાયો છે. આપણી શક્તિ આ વિવિધતાને સ્વીકારવાની અને તમામ સીમાઓને ઓળંગી એકતાનું મજબૂત બંધન બનાવવાની ક્ષમતામાં રહેલી છે. તેને આગળ ધપાવવા માટે, કેન્દ્રીય બજેટ ૨૦૨૩-૨૪માં દરેક રાજ્યની રાજધાની અથવા સૌથી પ્રખ્યાત પર્યટન કેન્દ્રમાં યુનિટી મોલ સ્થાપવાની જોગવાઈ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. આ યુનિટી મોલ્સ ODOPS (વન ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ), હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ્સ અને અન્ય સ્થાનિક સ્તરે બનાવવામાં આવેલી વસ્તુઓના પ્રચાર અને વેચાણ માટે પ્લેટફોર્મ તરીકેની સેવા પુરી પાડશે. આ યુનિટી મોલ્સના નિર્માણ માટે કેન્દ્ર સરકાર પચાસ વર્ષની વ્યાજમુક્ત લોન દ્વારા રાજ્યોને નાણાકીય સહાય પણ પૂરી પાડશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના યુનિટી મોલના વિઝન અંગે જાણકારી આપતા કેન્દ્રિય મંત્રી સોમ પ્રકાશજીએ જણાવ્યું કે, દેશના દરેક જિલ્લામાં યુનિટી મોલ્સ હશે જ્યાં વિવિધ ક્ષેત્રના લોકો એકસાથે આવી શકે, અનુભવો શેર કરી શકે અને ODOP ઉત્પાદનોમાં પ્રતિબિંબિત સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાને આગળ લાવી શકે. ODOP પહેલ હેઠળ, તમામ જિલ્લાઓમાંથી ઉત્પાદનોને તેમના વિશિષ્ટ ગુણો અને સાંસ્કૃતિક મહત્વના આધારે સુનિશ્ચિત કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ હસ્તકલા, હેન્ડલૂમ અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો તેમના મૂળ જિલ્લાની ઓળખ સાથે સંકળાયેલા છે. દેશના તમામ ૭૬૧ જિલ્લામાંથી રાજ્ય સરકારો દ્વારા ૧૦૦૦ થી વધુ ઉત્પાદનોની ઓળખ કરવામાં આવી છે. જેમકે, ભરૂચ (ગુજરાત)માંથી સુજની એમ્બ્રોઇડરી, કુલ્લુ (હિમાચલ પ્રદેશ)થી કુલ્લુ શાલ, બારામુલ્લા (જમ્મુ અને કાશ્મીર) ના સફરજન, ધાર (મધ્યપ્રદેશ) થી બેગ પ્રિન્ટ, નાગપુર (મહારાષ્ટ્ર)થી નારંગી જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક ઓળખ, ઉત્પાદન ક્ષમતાઓ અને મેક ઈન ઈન્ડિયાના ઉદ્દેશ હેઠળ સાહસિક પ્રવૃત્તિઓને મજબૂત પ્રોત્સાહન સાથે, યુનિટી મોલ્સ જેવી પહેલ સ્વદેશી ઉત્પાદનો માટે બજાર અને એક્સપોઝર પ્રદાન કરવા માટે તૈયાર છે તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે, યુનિટી મોલ્સ “દેખો અપના દેશ” પહેલ હેઠળ વિવિધ પ્રવાસન વિકાસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. આ યુનિટી મોલ્સ સ્થાનિક ઉત્પાદનો માટે વન- સ્ટોપ માર્કેટપ્લેસ અને વ્યાપારી કેન્દ્ર તરીકે કાર્ય કરશે. ભારતના અન્ય રાજ્યોના ઉત્પાદનોનું પ્રદર્શન પણ કરવામાં આવશે, જે સ્થાનિક અને વિદેશી બંને પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવશે. દેશનો વિકાસ દરેક રાજ્યના વિકાસ પર નિર્ભર છે અને ODOP અભિગમ “આત્મનિર્ભર ભારત” ના વિઝનને પ્રાપ્ત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. અને દરેક રાજ્યમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવી જ એકતાની ભાવના સાથે સ્થાનિક પ્રોડક્ટને વાઇબ્રન્ટ કોમર્શિયલ હબમાં રૂપાંતરિત કરીને ઉત્પાદનોની વિવિધ શ્રેણીની વૈશ્વિક ફલક પર લઈ જવાના સહિયારા પ્રયાસો કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

એકતાનગર ખાતે યોજાયેલી શિબિરના પ્રારંભે ગુજરાતના ઉદ્યોગ, લઘુ તથા સુક્ષ્મ મધ્યમ ઉદ્યોગ વિભાગ અને નાગરિક ઉડ્ડયન મંત્રી બળવંતસિંહ રાજપૂતે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના ઉદ્યોગ મંત્રાલયે સમગ્ર દેશને એકતાના સૂત્રમાં બાંધવા માટે જે યુનિટી મોલ પ્રોજેક્ટને અમલમાં લાવવા માટેના પ્રયાસો કર્યા છે. તેના ચિંતન માટે આપણે સહુ એકતાની બેમિસાલ એવા સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એકતાના મંત્રને ચરિતાર્થ કરવા માટે આગળ આવી ઓડીઓપીના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ લઈ જઈએ તેમ તેઓએ જણાવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે ઓનલાઈન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને શિબિરમાં ઉપસ્થિત સહભાગીઓ સાથે સંવાદ કર્યો હતો. શિબિરમાં ઉત્તર પ્રદેશના ગ્રામીણ ઉદ્યોગ, હેન્ડલૂમ અને ટેક્ષટાઈલ વિભાગના મંત્રી રાકેશ સચ્ચન અને નાગાલેન્ડ સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના સલાહકાર શ્રીમતી હેકાની જખાલુએ પણ યુનિટી મોલ્સના અમલીકરણ તેમજ તેમના રાજ્યોમાં થઈ રહેલી કામગીરી ઉપર પ્રકાશ પાડ્યો હતો. જ્યારે કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રોત્સાહન વિભાગના જોઈન્ટ સેક્રેટરી શ્રીમતી મનમીત પ્રિત કૌરે સમગ્ર શિબિર અંગેની રૂપરેખા સાથે વિસ્તૃતમાં જાણકારી આપી હતી.

આ શિબિમાં કુલ ૨૧ રાજ્યોના મધ્યમ, સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા રાજ્ય સરકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ચર્ચામાં જોડાયા હતા. સાથે એમએસએમઇના ઉદ્યોગ સાહસિકોના અનુભવો શેર કરવાના સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ એમએસએમઇ ઉદ્યોગસાહસિકોએ તેમની સફળતાની ગાથાઓ રજૂ કરી હતી, ત્યારબાદ શિબિરના તમામ સહભાગીઓએ એકતાનગર સ્થિત એકતા મોલની મુલાકાત કરી પોતાના રાજ્યમાં સ્થાપિત થનારા યુનિટી મોલમાં કેવા પ્લેટફોર્મ ઊભા કરી શકાય તેનું નિરિક્ષણ કરી ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો હતો. શિબિરમાં જોડાયેલા મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વહેલી સવારે સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના સાનિધ્યમાં યોગાભ્યાસ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી હતી. જ્યારે આગલા દિવસે સોમવારે સાંજે નર્મદા ઘાટ ખાતે નર્મદા આરતીમાં સહભાગી બની ધન્યતાનો ભાવ પ્રગટ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here