ભૂતાન શાહી સરકારના પ્રતિનિધિમંડળે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભારતની એકતાનું પ્રતીક ગણાવ્યું

ભૂતાનની શાહી સરકારના પ્રતિનિધિમંડળે આજે વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. પ્રતિનિધિમંડળમાં ભૂતાનની શાહી સરકારના ઉદ્યોગ, વ્યાપાર તેમજ રોજગાર મંત્રાલયના વચગાળાના સલાહકાર ફુંતશો રાપ્ટેન, મુખ્ય ઉદ્યોગ અધિકારી તાંડિન વાંગ્ડી તથા ભૂતાની એમ્બેસીના ઇકોનૉમિક કન્લસલ્ટન્ટ સુશ્રી પેમ બિધાનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મામલતદાર આશીષ બાખલકિયાએ સ્મૃતિ ચિહ્ન તથા કૉફી ટેબલ બુક આપી ત્રણેય પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું. ત્યાર બાદ ત્રણેય પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. ભૂતાન શાહી સરકારના ત્રણેય પ્રતિનિધિઓ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ભાગ લેવા માટે ગાંધીનગર આવ્યા હતાં.

સૌપ્રથમ ત્રણેય પ્રતિનિધિઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની બનાવટ તથા માળખાકીય વિષયની માહિતી આપવામાં આવી. સાથે જ તેમને દુનિયાની મુખ્ય ઉંચી પ્રતિમાઓ સાથે સરખામણી કરતી માહિતી આપવામાં આવી. ત્યાર બાદ પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શન એરિયાની પણ મુલાકાત લીધી.

પ્રદર્શન વિસ્તારમાં ભૂતાન સરકારના ત્રણેય પ્રતિનિધિઓને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલ માહિતી આપવામાં આવી હતી. સાથે જ તેમને ભારતીય રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર પટેલની ભૂમિકા અંગે પણ માહિતગાર કરવામાં આવ્યાં.

ત્રણેય પ્રતિનિધિઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ પહેલા શરુ કરાયેલ લોખંડ એકત્રીકરણ ઝુંબેશ સાથે જોડાયેલ સ્મૃતિ ચિહ્નો પણ જોયાં અને સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલ મહત્વના કાર્યો અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી.

ત્રણેય પ્રતિનિધિઓએ પ્રદર્શન હૉલ બાદ વ્યુઇંગ ગૅલેરીની મુલાકાત લીધી અને ત્યાંથી સરદાર સરોવર બંધ તથા નર્મદા નદી અને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલના દૃશ્યનો આનંદ માણ્યો હતો.

ત્રણેય પ્રતિનિધિઓએ ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નજીકથી નિહાળી.સમગ્ર મુલાકાત અંગે તેમણે કહ્યું, “હું આ ભવ્ય પ્રતિમા જોઈ અભિભૂત છું. આ પ્રતિમા ભારતની સામાજિક એકતા જાળવી રાખે છે અને એક-બીજાને જોડવા માટે સેતુનુ કાર્ય કરે છે. આ એક ઉત્કૃષ્ટ પ્રતિમાં છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here