મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયો ત્રિદિવસીય વર્કશોપ

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજન

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે ત્યારે હવે કળાના વિદ્યાર્થીઓ માટે પણ શ્રેષ્ઠતમ સ્થળ બનવા જઈ રહ્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ અને ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીના ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના અભ્યાસિક પ્રવૃત્તિના લાભાર્થે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ પ્રવાસીય સ્થળોએ ચિત્રકળાનો ત્રિદિવસીય વર્કશોપ યોજાયો હતો.

આ વર્કશોપનો પ્રારંભ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર શિવમ બારીયાએ કરાવ્યો હતો, આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ કલેક્ટર શિવમ બારીયાએ જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પરિકલ્પના થી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એકતાનગર ખાતે સ્થાપી છે, ત્યારે પ્રવાસીઓની પહેલી પસંદ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું છે ત્યારે હવે કલાના વિદ્યાર્થીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં આ સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો છે અને આ થકી હવે કલાપ્રેમીઓ માટે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રથમ પસંદગીનું સ્થળ બની રહેશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

આ અંગે ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ચિત્રકલા, શિલ્‍પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવી દ્રશ્‍ય લલિતકલાઓના પ્રસાર અને વિકાસ માટે અગત્‍યની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. રાજ્યની કલા અને કલાકારોનો પરિચય સામાન્‍ય જનસમુદાયને મળે અને રાજ્યના કલાકારોને પ્રોત્‍સાહન મળે તથા ભાવિપેઢીમાં કલા પ્રત્‍યે રૂચી વધે અને તેમને આ ક્ષેત્રે વિકાસની પ્રેરણા મળે તે માટે અકાદમી ઈ.સ. ૧૯૬૧ થી કાર્યરત છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ દ્વારા કલા પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ માટે દ્વાર ખોલાયા છે જે આવકારદાયકે છે.

સદર વર્કશોપ અંતર્ગત પહેલા તબક્કે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગના 30 વિદ્યાર્થીઓએ અભ્યાસના ભાગરૂપે પ્રતિમા અને એકતાનગરની સુંદરતાને ચિત્ર સ્વરૂપે કાગળ પર વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી,વિશ્વ વેન, કેક્ટસ ગાર્ડન, નર્મદા ડેમ, જંગલ સફારી અને ખલવાણી ઇકો ટુરિઝમ ખાતેની સુંદરતા અને ભવ્યતાને પોતાની કળાને કાગળ પર ઉતારી હતી.

આ અંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જય શાહે જણાવ્યું હતું કે, અમારા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો આ વર્કશોપ અમારા અભ્યાસમાં મહત્વનો પડાવ સાબિત થશે કારણ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કુદરતે અખૂટ સૌંદર્ય પાથર્યું છે અને ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ સર્વશ્રેષ્ઠ પ્રવાસીય સ્થળ બન્યુ છે ત્યારે અમને સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ દ્વારા અમને અનમોલ તક મળી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી દ્વારા અમારી પસંદગી કરી તે બદલ અમે આભારી છે.

ઉલ્લેખનીય છે કે, આ ચિત્રોનું આગામી નજીકના ભવિષ્યમાં દેશના અલગ-અલગ સ્થળોએ ભવ્ય પ્રદર્શન પણ યોજવાનું આયોજન પણ હાથ ધરાનાર છે જેથી નવોદિત કલાકારોને ઉચિત પ્રોત્સાહન પણ પ્રાપ્ત થશે.

આ પ્રસંગે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટી ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ડિપાર્ટમેન્ટ ઓફ પેઇન્ટિંગના આસી. પ્રોફેસર સર્વ અરવિંદ સુથાર, પિયુષ ઠક્કર, રાહુલ મુખર્જી હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here