દાહોદનું જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં… ચોમાસાના વરસતા વરસાદમાં પણ ગોદીરોડના રહીશો ટેન્કર રાજના સહારે…

દાહોદ, સાગર કડકિયા:-

દાહોદ શહેરમાં 25 હજારની વસ્તિ ધરાવતા ગોદીરોડ વિસ્તારને પાણી મામલે કડાણાના ભરોસે છોડ્યા બાદથી અહીની પ્રજાની દશા બેઠી છે. આમેય ત્રણ દિવસે પાણી અપાય છે. તેમાય કડાણા યોજનામાં આંતરે-તીસરે આવતી બાધાઓને કારણે અહીંની પ્રજાને 5 કે 6 દિવસ સુધી ફાફા મારવા પડે છે. હાલમાં જ ભાણાસીમળ ખાતે ટ્રાન્સફોર્મર બળી ગયુ હોવાથી ગોદીરોડ વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી પાણી મળી શક્યુ નથી. તેના કારણે અહીંના સુધરાઇ સભ્ય લખન રાજગોર પોતે ટેન્કરોની વ્યવસ્થા કરીને લોકોના ઘરે પહોંચાડી રહ્યા છે.

બીજી તરફ કેટલાંક લોકોને જાતે રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. જ્યારે કેટલાંક લોકોને તો રીતસરના વલખા જ મારવા પડી રહ્યા છે. શુક્રવારે ઝરમર વરસાદને કારણે ટ્રાન્સફોર્મ બદલી શકાયુ ન હતુ. ત્યારે આ કાર્યવાહી શનિવારે હાથ ધરાતા વીજ પુરવઠો પૂર્વવત થવાની આશા બંધાઇ છે.

ત્યારે હવે કદાચ એક કે બે દિવસમાં ગોદીરોડના રહેવાસીઓને પાણી મળે તેમ જોવાઇ રહ્યું છે. હાલમાં કુદરત તો આકાશમાંથી ભરપુર પાણી વરસાવી રહી છે. પરંતુ તંત્ર પાઇપથી પાણી આપવામાં વામણું પુરવાર થઇ રહ્યું છે. ગોદીરોડની પ્રજા ભરચોમાસે પાણી મામલે ટેન્કરોના ભરોસે જોવા મળી છે.

કોંગી કાઉન્સિલર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી
દાહોદના ગોદીરોડ વિસ્તારને પાટાડુંગરી યોજનાથી જુદો કરીને માત્ર કડાણાના ભરોસે રાખ્યો છે.ત્યારે ગોદીરોડના કોંગી સુધરાઇ સભ્ય તસ્નીમ નલાવાલાએ કલેક્ટરને પત્ર લખીને જણાવ્યુ હતું કે, વોર્ડ નંબર 1 ગોદીરોડમાં કડાણાનું પાણી અનિયમીત અને ઓછા ફોર્સથી અપાય છે. ત્રણ -ચાર દિવસે પાણી મળે છે જ્યારે વેરો 365 દિવસનો લેવામાં આવે છે. આ પહેલા પાટાડુંગરીની લાિનું પાણી રેગ્યુલર તથા પુરાફોર્સથી આવતુ હતુ. કડાણાનું પાણી ફોર્સથી અને રેગ્યુલર મળે તેવી કાર્યવાહી કરવાની વિનંતિ કરી હતી.

ટેન્કરના ભાવ ~800 કરાયો
દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારમાં પાણીની કાયમી સમસ્યા છે ત્યારે આમ પાણીના ટેન્કરનો ભાવ 500 કે 600 રૂપિયા ચાલે છે. જ્યારે ગોદીરોડ ઉપર કડાણાનું પાણી નહીં આવે ત્યારે કેટલાંક લોકો તકનો લાભ લઇને તેના ભાવમાં વધારો કરીને 800 રૂપિયા કરી દે છે. આ મુદ્દો ગોદીરોડ વિસ્તારમાં ચર્ચાનો વિષય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here