૭૫ મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જીલ્લા કક્ષાની સાગબારા ખાતે દબદબાભેર ઉજવણી

સાગબારા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવી સલામી આપી

જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે સાગબારા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક મંત્રી ના હસ્તે મામલતદાર ને એનાયત કરાયો

નર્મદા જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓનું પ્રશસ્તિપત્રો એનાયત કરી વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

દેશના ૭૫ મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર હર્ષ ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના માધ્યમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ વેળાએ આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ધ્વજવંદન બાદ પોલીસના જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. ત્યારબાદ સુરક્ષા જવાનોની વિવિધ પાંખ દ્વારા યોજાયેલીપરેડનું નિરિક્ષણ કર્યું હતું.

પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે રાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર રાષ્ટ્ર માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધી અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સહિત અનેક વીર સપૂતોએ આઝાદીની ચળવળમાં અમૂલ્ય યોગદાન આપી શહીદી વ્હોરી હતી. જેમના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ તેમ જણાવી સ્વાતંત્ર્ય સેનાનીઓ તથા દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી પ્રજાસત્તાક દિવસે હું શત શત નમન કરૂં છું.

આઝાદીના અમૃત કાળમાં રૂકના, ઝૂકના ઓર થકના હમે મંજૂર નહીં તેમ કહી સર્વાંગી વિકાસની વાતને આગળ ધપાવતા મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્રને આપણે સત્યનિષ્ઠા પૂર્વક લઈને ચાલી રહ્યાં છે. તેમના રાહ પર ચાલતા આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્ત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે રસ પૂર્વક કામગીરી કરી રહી છે. ખેડૂતો સહિત નાગરિકો આત્મનિર્ભર બને, ભવ્ય ગુજરાતનું નિર્માણ થાય અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં સરકારે અનેક લોકકલ્યાણકારી પગલાં લઈ રહી છે. વિશ્વના ઉદ્યોગ જગતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી કડીનું શાનદાર આયોજન આ વર્ષે કરવામાં આવ્યું. આ શૃંખલામાં દેશના સૌથી મોટા ટ્રેડ શોનું પણ ગુજરાતમાં આયોજન કરી સમૃદ્ધ ભારતનું ભવિષ્ય સુનિશ્ચિત કરતો ગોલ્ડન ગેટવે બનીને ગુજરાતે આગવી પહેલ કરી દેશને દિશા દર્શન કર્યું છે.

મંત્રી એ વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લા ઉપર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે સવિશેષ ધ્યાન આપી વિકાસની ગતિ સાથે વિવિધ લોક કલ્યાણના કામો હાથ ધર્યાં છે. નર્મદા જિલ્લાના સમગ્ર વિકાસ સાથે માળખાકીય સુવિધા અને જનસુખાકારીની ઉત્તમ સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

પ્રજાસત્તાક પ્રસંગે નવરચના હાઈસ્કૂલના પટાંગણમાં જિલ્લા પોલીસ વિભાગના વિવિધ છ પ્લાટુન્સે શિસ્તબદ્ધ પરેડ થકી સેવા-સુરક્ષાની ઝાંખી કરાવી હતી. જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા ૧૩ જેટલા ટેબ્લોનું પણ નિરિક્ષણ કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વે મેડ સ્કૂલ- પાટ, નવરચના હાઈસ્કૂલ-સાગબારા અને સેલંબા હાઈસ્કૂલ- સેલંબાના વિદ્યાર્થીઓએ દેશભક્તિનો ભાવ જગાવતી કૃતિઓ રજૂ કરી અનોખુ આકર્ષણ જમાવ્યું હતું. આ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્તમ પ્રદર્શન કરનાર ટીમને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તીપત્રો આપી સન્માનિત કરાયા હતા.

આ અવસરે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબને વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય સુભાષભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શંકરભાીઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, રાજપીપલાના રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, સુપર ન્યુમિરી કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિતનાઓના હસ્તે સાગબારાના મામલતદાર શૈલેષ નિઝામાને સાગબારા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ તેમજ પોલીસ વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓ, મહેસુલ વિભાગના કર્મીઓ સહિત વિવિષ્ટ યોગદાન આપનારને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં સહભાગી બન્યા હતાં. કાર્યક્રમના અંતમાં પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિત મહાનુભાવોના હસ્તે કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here