શહેરા : જૂની પાદરડી પ્રા.શાળા ખાતે ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મ જ્યંતીની ઉજવણી કરાઈ…

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જૂની પાદરડી પ્રા.શાળા ખાતે 14 એપ્રિલ 2023 ના રોજ ડૉ.બાબાસાહેબ આંબેડકરની 132 મી જન્મ જ્યંતીની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરવામાં આવી હતી. ડૉ.કલ્પેશ આર.પરમારના જણાવ્યા મુજબ શાળા પરિવાર દ્વારા ડૉ.બાબાસાહેબના ફોટોગ્રાફને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને ડૉ.બાબસાહેબ આંબેડકરના જીવન સંઘર્ષ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જન્મ અને બાળપણ, શિક્ષણ, પ્રથમ ગોળમેજી પરિષદમાં, ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત, લોકનેતા, બૌદ્ધ ધર્મ અંગીકાર, બંધારણના ઘડવૈયા, સ્વતંત્રતા પછી તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું.
તેમના જીવન સંઘર્ષથી તેમણે આપણે દેશ માટે કરેલ ઉત્તમોત્તમ કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. તેઓ મૂળ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લાના અંબાવાડે ગામના વતની હતા. તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવડેકર રાખવામાં આવેલી. પરંતુ નિશાળના એક શિક્ષક કે જે ભીમરાવને ખુબ ચાહતા હતા, તેમની અટક આંબેડકર હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. ભીમરાવના કોલેજ શિક્ષણ માટે વડોદરા સ્ટેટના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી, અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. ત્યારબાદ અમેરિકાની પ્રખ્યાત કોલમ્બિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરુ કર્યો. અભ્યાસના પરિપાક રૂપે ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર’ વિષય ઉપર મહાનિબંધ લખી 1915માં કોલમ્બિયા યુનિવર્સીટી એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી હતી. 1916 માં એમણે પીએચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલમ્બિયા યુનિવર્સીટીને રજુ કરી પીએચ.ડી.ની પદવી મેળવી. 1916 માં તેઓ અમેરિકાથી ઇંગ્લેન્ડ ગયા. અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરુ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો. પરંતુ પ્રતિકુળ સંજોગોને અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઇંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયા. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણુક વડોદરા રાજ્યના મીલીટરી સેક્રેટરી તરીકે કરી. પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોના લીધે તેઓ વડોદરામાં સ્થિર થઇ શક્યા નહિ, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાઈ લીધી.
તેમના પ્રયત્નોને સફળતા મળી 1918માં, મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા. 1923માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયા. આજ વખતે ડૉ.આંબેડકરને તેમના મહાનિબંધ “રૂપિયાનો પ્રશ્ન” એ વિષય ઉપર લંડન યુનિવર્સીટી એ “ડૉક્ટર ઓફ સાયન્સ”ની ઉચ્ચ ડીગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત બોન યુનિવર્સીટીમાં વિદ્યાભ્યાસ શરુ કર્યો. પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહિ. તેમને ભારત પાછા ફરવું પડ્યું. જૂન 1928 માં ડૉ.આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા તેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાજ પ્રિય થયા .આ સમયે “સાયમન કમિશન” ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી.તા.3 ઓગસ્ટ 1928 માં સરકારે ડૉ.આંબેડકરને મુંબઈની કમિટીમાં નીમ્યા. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. 23 ઓક્ટોબર 1928 ના રોજ ડૉ. આંબેડકર “સાયમન કમિશન” સમક્ષ અછૂતોના પ્રાણપ્રશ્નો અને તેના નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી.
6 ડીસેમ્બર 1930 માં ભારતના વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ.આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ.આંબેડકરે ભારતના અછૂતોના પ્રશ્નોની વિશદ અને તલસ્પર્શી રજૂઆત કરી તેમને ખાસ કરીને અછૂતોના રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાહેધરી માંગી.
તેમજ 1 જૂન 1952 એ તેઓ ન્યુયોર્ક ગયા અને 5 જૂન 1952 ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. 12 જાન્યુઆરી 1953ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ. આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી.
ડૉ.આંબેડકરે વિશ્વના મહાન ધર્મો નો ઊંડો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તેમને બુદ્ધ અને તેમનો ધમ્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું. તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથ ની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહી ને મરીશ નહિ. તે પ્રમાણે 14 ઓક્ટોબર 1956 ના રોજ ડૉ.આંબેડકરે નાગપુર દીક્ષાભૂમિ માં 6,00,000 દલિતો સાથે નવયાન બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો.
9 મી ડિસેમ્બર 1946 માં બંધારણ રચવાની શરૂઆત કરવામાં આવી. મુખ્યત્વે બંધારણમાં 315 કલમો અને 8 પરિશિષ્ટ હતા. 16 નવેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. તે 2 વર્ષ 11 માસ અને 18 દિવસમાં બંધારણ પૂર્ણ થયું હતું.
1952 માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચુંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈમાંથી સંસદની માટે ઉભા રહ્યા પરંતુ કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ 1952માં ડૉ.આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્ય સભાના સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા અને રાજ્ય સભાના સભ્ય બન્યા. 1 જૂન 1952 એ તેઓ ન્યુયોર્ક ગયા અને 5 જૂન 1952 ના દિવસે કોલમ્બિયા યુનિવર્સીટીએ એમને સર્વોચ એવી “ડોક્ટર એટ લો”ની પદવી આપી. 12 જાન્યુઆરી 1953 ને દિવસે ભારતની ઓસ્માનિયા યુનીવર્સીટીએ ડૉ.આંબેડકરને “ડોક્ટર ઓફ લીટરેચર” ની ઉચ્ચ પદવી આપી.
આમ ડૉ.બાબાસાહેબ આંબેડકર દલિતો, શોષિતો, પીડિતો, સ્ત્રીઓ તેમજ સર્વ સમાજના ઉદ્ધાર માટે સતત પ્રયત્નશીલ રહ્યા હતા. તેમને “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો.” નું જીવન સૂત્ર આપ્યું હતું. તેમને હમેશાં આપણને વધુને વધુ શિક્ષણ તરફ આગળ વધવાની વાત કરી હતી. આચાર્ય સુશીલાબેન પટેલ દ્વારા પ્રાસંગીક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. સૌ શાળા પરિવાર ઉત્સાહ પૂર્વક જોડાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here