વડાપ્રધાન મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યેની જાગરૂકતા કેળવી ગુજરાતને સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બનાવવા ‘નિર્મળ ગુજરાત ૨.૦’ ના અસરકારક અમલ માટે ૨૪૦ કરોડ રૂપિયા ની ફાળવણી

નગરપાલિકાઓને સફાઈ વેરા વસુલાતની મેચીંગ ગ્રાન્‍ટ અને વસુલાતની ટકાવારીમાં વધારા માટે પ્રોત્સાહક ગ્રાન્‍ટ અપાશે

નગરો-મહાનગરોમાં પ્રવેશ માટેના મુખ્ય રસ્તાઓ, એપ્રોચ રોડની સફાઈ અને આઈકોનિક રોડ વિકસાવવા માટે સહાય અપાશે

ગાર્બેજ વલ્નરેબલ પોઇન્‍ટ્સના સંપૂર્ણ નિકાલ અને તે સ્થળે બ્યુટીફિકેશનના કામો માટે વિશેષ સહાય અપાશે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્વચ્છતા અંગેના સ્પર્ધાત્મક વાતાવરણના નિર્માણ માટે ‘મારું શહેર, સ્વચ્છ શહેર એવોર્ડ’ અપાશે

સફાઈ કર્મીઓની કામગીરીને પ્રોત્સાહિત કરીને બિરદાવવા માટે ‘શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ’ અપાશે

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં શરૂ થયેલા સ્વચ્છ ભારત અભિયાનને ગુજરાતમાં વધુ વ્યાપક ફલક પર અસરકારક રીતે વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત વિવિધ નવા આયામો માટે ૨૪૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.

રાજ્યના શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં વધુ જાગરૂકતા આવે અને ગુજરાત સ્વચ્છતામાં દેશનું અગ્રેસર રાજ્ય બને તેવા હેતુથી મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને સફાઈવેરા પ્રોત્સાહન અન્‍વયે વેરાની વસુલાતની ટકાવારીમાં વધારા માટે પ્રોત્સાહક ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, “અ” અને “બ” વર્ગની નગરપાલિકાઓ દ્વારા વાર્ષિક સફાઈ વેરાની ૭૧ થી ૮૦ ટકાની વસુલાત સામે ૫૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ, ૮૧ થી ૯૦ ટકાની વસુલાત સામે ૧૦૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ અને ૯૧ થી ૧૦૦ ટકાની વસુલાત સામે ૨૦૦ ટકા પ્રોત્સાહક ગ્રાન્‍ટ અપાશે.

“ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓમાં આવી પ્રોત્સાહક ગ્રાન્‍ટનું ધોરણ ૬૦ થી ૭૦ ટકા સુધીની વસુલાત માટે ૫૦ ટકા, ૭૧ થી ૮૦ ટકા સુધીની વસુલાત માટે ૧૦૦ ટકા, ૮૧ થી ૯૦ ટકા સુધીની વસુલાત માટે ૨૦૦ ટકા અને ૯૧ થી ૧૦૦ ટકા સુધીની વસુલાત ૩૦૦ ટકાનું રાખવામાં આવ્યું છે.

નગરપાલિકા દ્વારા દર વર્ષે જેટલી રકમનો સફાઈ વેરો ઉઘરાવવામાં આવે તેટલી જ રકમની સફાઈ વેરાની મેચીંગ ગ્રાન્‍ટ દરેક નગરપાલિકાઓને આપવામાં આવશે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે નિર્મળ ગુજરાત ૨.૦ ના અસરકારક અમલ માટે જારી કરેલા ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી એ નગરો-મહાનગરોના પ્રવેશ માટે મુખ્ય રસ્તાઓ તથા નગરના કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવા માટે પણ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકાએ શહેરની હદ વિસ્તારથી ૫ કિલોમીટર સુધીના અને નગરપાલિકાઓએ શહેરની હદથી ૨ કિલોમીટર સુધીના રસ્તાઓની સઘન સફાઈ કરવાની રહેશે. એટલું જ નહીં, નગરમાં પ્રવેશ માટેના એપ્રોચ રોડની સફાઈ અને કોઈ એક રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવશે.

આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને જે આર્થિક સહાય આપવામાં આવશે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાને પ્રત્યેકને ૨ કરોડ રૂપિયા; ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકાને પ્રત્યેકને ૧.૫ કરોડ રૂપિયા; “અ” વર્ગની નગરપાલિકાને પ્રત્યેકને ૧ કરોડ રૂપિયા, “બ” વર્ગની પ્રત્યેકને ૭૫ લાખ રૂપિયા તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને પ્રત્યેકને ૫૦ લાખ રૂપિયા એમ કુલ ૧૧૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યના નગરો-મહાનગરોમાં ગાર્બેજ વલ્નરેબલ પોઇન્‍ટ્સ એટલે કે કાયમી ગંદકી ધરાવતા સ્થાનો પરથી સંપૂર્ણ ગંદકી નિકાલ કરીને તથા આવા પોઇન્‍ટને સ્વચ્છ બનાવીને સ્વચ્છતા કાયમી ધોરણે જળવાઈ રહે તે માટે આવી જગ્યા પર શિલ્પ, ગાર્ડન, ટ્રી પ્લાન્‍ટેશન વગેરે બ્યુટીફિકેશન કામગીરી માટે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને પ્રત્યેક ગાર્બેજ વલ્નરેબલ પોઇન્‍ટ માટે રૂપિયા ૧ લાખની વન ટાઈમ સહાય આપવામાં આવશે. આ હેતુસર રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૧૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સ્વચ્છતા સંદર્ભમાં સ્પર્ધાત્મક વાતાવરણ ઉભું થાય, સ્વચ્છતા જળવાઈ રહે તેને ધ્યાને લઈને નગરોની વસ્તીના આધારે ‘મારું શહેર, સ્વચ્છ શહેર’ ની ત્રિમાસિક પ્રતિયોગિતાનું આયોજન કરાશે.

થર્ડ પાર્ટી એજન્‍સી દ્વારા રજુ કરવામાં આવતા ત્રિમાસિક રીપોર્ટના આધારે યોગ્ય ચકાસણી બાદ શ્રેષ્ઠ સ્વચ્છતા કામગીરીના આધારે શ્રેષ્ઠ કલેક્ટર, શ્રેષ્ઠ કમિશનર, શ્રેષ્ઠ પ્રાદેશિક કમિશનર અને શ્રેષ્ઠ ચીફ ઓફિસરને સર્ટીફિકેટથી સન્‍માનિત કરાશે અને શહેરોને કુલ રૂપિયા ૧૬ કરોડના એવોર્ડ અપાશે.

આ એવોર્ડ અન્‍વયે ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતી મહાનગરપાલિકાને રૂપિયા ૫ કરોડ, ૧૦ લાખથી ઓછી વસ્તી ધરાવતી મહાનગરપાલિકાઓને રૂપિયા ૪ કરોડ, “અ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૩ કરોડ, “બ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૨ કરોડ તથા “ક” અને “ડ” વર્ગની નગરપાલિકાઓને રૂપિયા ૧-૧ કરોડ પ્રમાણે એવોર્ડ અપાશે.

રાજ્યના શહેરોની સ્વચ્છતા અને સફાઈની કામગીરીમાં મુખ્ય અને મહત્વની ભૂમિકા નિભાવતા સફાઈ કર્મચારીઓને શ્રેષ્ઠ સફાઈ કર્મચારી તરીકે બિરદાવીને નાણાંકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.

આ માટે મહાનગરપાલિકાઓમાં માસિક ધોરણે વોર્ડ દીઠ એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરવામાં આવશે અને તેને રૂપિયા ૧૦ હજારની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે નગરપાલિકા કક્ષાએ માસિક ધોરણે નગરપાલિકા દીઠ એક શ્રેષ્ઠ સફાઈ કર્મચારીની પસંદગી કરીને તેને પણ રૂપિયા ૧૦ હજારની આર્થિક સહાય અપાશે. આમ, રાજ્ય સરકાર શ્રેષ્ઠ સફાઈ કર્મચારી માટે કુલ રૂપિયા ૪ કરોડની સહાય પૂરી પાડશે.

નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત વાર્ષિક સ્વચ્છતા કેલેન્‍ડરનો સચિવાલયના વહીવટી વિભાગો અને તેના હસ્તકની વડી કચેરીઓ દ્વારા અમલ કરાશે અને સ્વચ્છતા સફાઈ પ્રવૃત્તિઓ હાથ ધરવાની રહેશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના મંત્રને સાર્થક કરીને વર્ષ ૨૦૦૭ થી શરૂ થયેલા નિર્મળ ગુજરાત અભિયાનને મળેલા વ્યાપક પ્રતિસાદની સફળતાને પગલે તેને વધુ વેગવાન બનાવવા માટે ‘સ્વચ્છ ભારત મિશન (શહેરી)’ હેઠળ આ ‘નિર્મળ ગુજરાત ૨.૦’ શરૂ કરવામાં આવેલું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here