રાજપીપલામાં નવરાત્રી દરમિયાન હરસિદ્ધી માતા મંદિરે ભરાતા મેળાના આયોજન મામલે જીલ્લા વહિવટી તંત્ર સજ્જ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તા.૧૫મીથી યોજાનારા મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે જોવા સંબંધિત વિભાગોને નર્મદા કલેકટર ની તાકીદ

દશ દિવસીય મેળામાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે એ માટે કલેકટર ની ખાસ સુચના

હિન્દુ દેવસ્થાન સિમતિ દ્વારા સંચાલિત માઁ હરિસિદ્ધિ મંદિર-રાજપીપલા ખાતે પ્રતિવર્ષ નવરાત્રીના પર્વમાં મંદિર પરિસરની આસપાસ ભાતીગળ મેળો યોજાય છે. તેવીજ રીતે આ વર્ષે પણ આગામી તારીખ ૧૫મી ઓક્ટોબરથી મેળો યોજાનાર છે. જેમાં સ્ટોલની ફાળવણી અને વ્યવસ્થાની અન્ય મહત્વની બાબતો સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

શ્રી હરસિદ્ધી માતાના મંદિરે પ્રતિ વર્ષ નવરાત્રીના સમય દરમિયાન અન્ય રાજ્યો અને સમગ્ર ગુજરાતમાંથી તેમજ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે અને મેળામાં મ્હાલવા માટે આવતા હોય છે. ત્યારે મેળાનું આયોજન સુચારુ રીતે થાય, દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય અને યોગ્ય હરાજી થકી પ્લોટની ફાળવણી થાય તે જોવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ઉપસ્થિત સંબંધિત વિભાગોને જરૂરી સૂચનો કર્યા હતા. સાથે મેળામાં મ્હાલવા આવતા લોકોને પાર્કિંગ, આરોગ્ય, ફાયર વિભાગ, પોલીસ સુરક્ષા સાથે મેળામાં યોગ્ય સ્વચ્છતા જળવાઈ રહે તેમજ વાહન વ્યવહાર માટે રૂટ ડાયવર્ઝન યોગ્ય રીતે થાય તે જોવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.

મંદિર ટ્રષ્ટ તરફથી બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓએ મેળા અને દર્શનને લઈને કેટલાંક સૂચનો કરતા વ્યવસ્થામાં કોઈ તૃટી ન રહે તે જોવા પણ જિલ્લા કલેક્ટરએ ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. સાથે મેળામાં આવતી વિવિધ રાઈડની યોગ્ય ચકાસણી થાય અને કોઈ મુશ્કેલી ન સર્જાય તે જોવા ઉપર પણ કલેક્ટરએ ખાસ ભાર મૂક્યો હતો.

ઉક્ત બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, નાયબ જિલ્લા ચૂંટણી અદિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, રાજપીપલા શહેર હિન્દુ દેવસ્થાન કમીટીના અધ્યક્ષ, ટ્રષ્ટી મહારાજા રઘુવીરસિંહજી ગોહિલ, નગર પાલિકાના મુખ્ય અધિકારી રાહુલ ઢોડિયા, હિન્દુ દેવસ્થાન ટ્રષ્ટી મંડળના અન્ય સભ્યોશ્રીઓ, પોલીસ વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here