ભાજપ ઇલેક્શન મોડમાં… દાહોદ ભાજપે લોકસભાની ચુંટણીનું બ્યૂગલ ફૂંક્યુ, જનસંપર્ક અભિયાનના સાથે સાંસદનો સંસદીય પ્રવાસ શરુ….

દાહોદ, સાગર કડકિયા :-

દાહોદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઇ છે.કારણ કે લોકસભાની ચુંટણીને હજી એક વર્ષ જેટલો સમય બાકી હોવા છતાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત ઘર ઘર સંપર્ક અભિયાન શરુ કરી દેવામાં આવ્યુ છે અને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.

ભાજપ વિધાનસભાના વિજય બાદ આળસ મરડી ફરી મેદાનમાં
દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં તમામ 6 અને સંસદીય મતવિસ્તારમાં સાતે સાત બેઠકો પર વિજય મેળવી લેતાં હવે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભાજપાનું શાસન આવી ગયુ છે.કારણ કે આ પહેલાં ત્રણ બેઠકો કોંગ્રેસના કબ્જામાં હતી તે ભાજપે ગત ચુંટણીમાં આંચકી લીધી હતી.હવે 2024માં લોકસભાની ચુંટણી દસ્તક દઇ રહી છે ત્યારે ભાજપ વિધાનસભાની ચુંટણીના વિજય બાદ આળસ મરડીને ફરીથી મેદાનમાં આવી ગયુ છે.લોકસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો શરૂ થઇ ગયા છે અને નવ નિયુક્ત સંગઠન પ્રભારી સતીષભાઇ પટેલ જિલ્લામાં છાશવારે મુલાકાતે પણ આવી રહ્યા છે.

30 મેથી 30 જૂન સુધી નેતાઓ કાર્યકરો ગામડા ખુંદશે
તારીખ 30 મે થી 30 જૂન સુધી ઘર ઘર સંપર્ક ઝુંબેશની શરુઆત પણ કરી દેવામાં આવી છે.જેમાં સાસંદ જશવંતસિંહ ભાભોર,જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયાર દ્રારા પ્રવાસ કાર્યક્રમ પણ શરુ કરી દેવામાં આવ્યા છે.પ્રથમ દિવસે સાંસદ જશવંતસિંહ ભાભોરે ગરબાડા મત વિસ્તારમાં આશરે 8 કરોડના ખર્ચે 8 રોડ બનાવવા માટે સાગમટે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.સાંસદ જિલ્લા પંચાયતની તમામ બેઠકો દીઠ પ્રવાસ કરશે અને જનમેદનીને સંબોધી કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલા વિકાસકાર્યોથી માહિતગાર કરશે ઉપરાંત જરુરિયાત પ્રમાણેની સુવિધાઓ કેવી રીતે પુરી પાડવી તેનું આયોજન સ્થાનિક સ્તરેથી જ કરશે.

માતાના મઢ નવી બસ શરુ, MLA કનૈયાલાલે 6 રુટ મંજૂર કરાવ્યા
બીજી તરફ સાંસદ જશવંતસિંહ ભાભોર અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ દાહોદથી ભુજ, ધાનપુર દાહોદ સહિત કુલ 6 નવીન રુટ મંજૂર કરવામાં આવ્યા છે તે તમામ બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.દાહોદના ધારાસભ્ય સમક્ષ દાહોદથી માતાના મઢ સુધીની બસ સેવા શરુ કરવા માંગ કરાતા વાહન વ્યવહાર મંત્રીને પત્ર પાઠવી તે સેવા પુરી પાડવા ભલામણ કરાતા તે રુટ મંજૂર કરાતા શ્રધ્ધાળુઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. દાહોદ મુન્દ્રા પોર્ટ, પિટોલ-દાહોદ ભુજ,દાહોદ ઝાલોદ અને દાહોદ ધાનપુર એમ આવવા જવાના કુલ 6 નવા રુટ મંજૂર કરી દેેેવાયા છે. ત્યારે આવા ઘણાં માધ્યમોથી ભાજપાના પદાધિકારીઓ પ્રજાની વચ્ચે જઇ રહ્યા છે.તેની સાથે જ કાર્યકરોને પણ સજાગ કરી દેવામાં આવ્યા છે પરંતુ સામે પક્ષે કોંગ્રેસમાં આવી કોઇ પણ પ્રકારની હિલચાલ જણાતી નથી.

દાહોદ સહિત પાંચ આકાંક્ષી બેઠકો પર કેન્દ્રીય મંત્રીઓની બાજ નજર
કેન્દ્ર સરકારે ગુજરાતમાં દાહોદ,આણંદ,બારડોલી, સુરેન્દ્રનગર અને પાટણ પાંચ બેઠકો પસંદ કરી તેને આકાંક્ષી બેઠક જાહેર કરવામાં આવી છે.આ બેઠક પર કેન્દ્ર સરકારના મંત્રીઓ પ્રવાસ કરી રહ્યા છે.તેના અનુસંધાને કેન્દ્રીય રાજ્ય શહેરી વિકાસ મંત્રી કાૈશલ કિશોર સમગ્ર લોકસભા વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે તેમજ આ માસ દરમિયાન પ્રબુધ્ધ નાગરિકોના, વિવિધ યોજનાના લાભાર્થીઓના સંમેલનો પણ યોજાશે અને કોઇ પણ એક કેન્દ્રીય નેતાની જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here