બારડોલીના બાબેનની હોસ્ટેલમાં એકસાથે 11 મોબાઇલની ચોરીના ગુનામાં મહિલા સહિત બે ઝડપાયાં…

બારડોલી, દિપ મહેતા :-

બારડોલીના બાબેનની આવેલી શાંતિનિકેતન હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના 11 જેટલા મોબાઇલ ચોરી થઈ જવાની ઘટના બની હતી. આ ઘટનામાં પોલીસે મહિલા સહિત બે જણા સુરતના સારોલી ખાતે વાહન ચેકિંગ દરમ્યાન પકડાયા બાદ ગુનો નોંધ્યો હોવાનું સામે આવ્યું છે. તેમની પાસેથી તમામ મોબાઇલ ફોન રિકવર કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
સારોલી પોલીસના વાહન ચેકિંગ સમયે રિક્ષામાંથી 11 મોબાઇલ મળી આવ્યા..
પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના ઝરીમોરામાં રહેતા કરન ભીખુ ચૌધરી (ઉં.વ.25) બાબેનની શાંતિનિકેતન હોસ્ટેલમાં રહી ઉમરાખની વિદ્યાભારતી કોલેજમાં અભ્યાસ કરે છે. ગત રવિવારે રાત્રે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ જમી પરવારીને સૂઈ ગયા હતા. દરમિયાન સવારે 6 વાગ્યે ઊઠીને જોતાં હોસ્ટેલના બારી બારણાં ખુલ્લા હતા અને મુખ્ય દરવાજો પણ ખુલ્લો હતો અને ખાટલા પર મૂકેલો મોબાઇલ ફોન ગાયબ હતો. આથી હોસ્ટેલમાં અન્યત્ર તપાસ કરતાં એક પછી એક 11 જેટલા વિદ્યાર્થીઓના મોબાઇલ ફોન ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે બારડોલી ટાઉન પોલીસને જાણ કરી હતી. દરમિયાન તે જ દિવસે સવારે સુરત શહેરમાં પ્રવેશ કરતી વખતે સારોલી પોલીસના વાહન ચેકિંગ સમયે એક રિક્ષામાંથી 11 જેટલા મોબાઇલ મળી આવતાં પોલીસે શંકાના આધારે રિક્ષાચાલક અને સાથે બેઠેલી મહિલાની પૂછપરછ કરી હતી. જેમાં આ ફોન તેમણે બારડોલીના બાબેનથી ચોર્યા હોવાની હકીકત સામે આવતાં સારોલી પોલીસે બંનેની અટક કરી કબજો બારડોલી ટાઉન પોલીસને સોંપ્યો હતો. પોલીસે આ ગુનામાં મૂળ રાજસ્થાનના પાલીના રહેવાસી આ હાલ નડિયાદ ખાતે રહેતા કનૈયા ચેલા રાજનટ (ઉં.વ.20) તેમજ તેની સાથે આવેલી એક મહિલા કંકુ સુરેશ ઉર્ફે શબ્બીર ઝાટારામ રાજનટ (રહે., સંતોષીનગર, ઉધના, સુરત)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here