નર્મદા જિલ્લાના સ્વાગત કાર્યક્રમમાં પ્રસ્તુત થયેલા આઠ પ્રશ્નોનો કરાયો નિકાલ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સ્વાગત કાર્યક્રમમાં રજૂ થતા પ્રશ્નોનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપતા નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયા

નર્મદા જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર સુશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્નો સાથે અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અનુસૂચિત આદિજાતિ વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગો દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિ, મહિલા અરજદારને તેની ફરિયાદની નકલ પુરી પાડવા, સરકારી કર્મચારીની નિવૃત્તી બાદ તેમના પેન્શનમાં થયેલા વધારા અને ત્યારબાદ તેમાં સરકારી નાણાની વસુલાત અંગેના પ્રશ્ન, સરકાર હસ્તકની નહેર વિભાગની જમીન અને ખેડૂતની પોતાની માલિકીની જમીનમાં થયેલા દબાણ, પ્રોપર્ટી કાર્ડમાં સુધારા અંગે કોર્ટ દ્વારા અપાયેલા ચૂકાદાની અમલવારી અંગે તેમજ વન અધિકાર અધિનિયમ હેઠળ આદિજાતિ પરિવારને જમીનની સનદ ફાળવવા બાબત સહિતના વિવિધ આઠ જેટલા પ્રશ્નો પ્રસ્તુત થયા હતા.

જિલ્લાના અરજદારોની ઉપસ્થિતિમાં સંબંધિત વિભાગના અધિકારી ઓ સાથે પ્રશ્નો બાબતે જિલ્લા કલેક્ટરે વિગતે ચર્ચા કરી પ્રશ્નોનો સકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગોના અધિકારી ઓની ઉપસ્થિતિમાં કેટલાંક અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. જ્યારે કેટલાંક નીતિ વિષયક બાબતોના પ્રશ્નોમાં આગળની કાર્યવાહી કરી જરૂરી પૂર્તતા કરવા અને નાગરિકોના પ્રશ્નનો હકારાત્મક નિકાલ કરવા જિલ્લા કલેક્ટરે જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહિવટદારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, નાયબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, નાયબ પોલીસ અધિક્ષ સુશ્રી વાણી દૂધાત સહિત સંબંધિત વિભાગોના અધિકારી ઓ અને અરજદાર ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here