છોટાઉદેપુર જિલ્લાના વેપારીઓ માટે કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કરાયું

બોડેલી,(છોટા ઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ :-

છોટાઉદેપુર જિલ્લામાં કોવિડ-૧૯ના સંક્રમણથી કેસોમાં સતત વધારો થયેલ હોઇ, ગુજરાત સરકાર દ્વારા તા. ૦૬/૦૪/૨૦૨૧ના હુકમથી કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓને ધ્યાને લઇ છોટાઉદેપુર જિલ્લાના જિલ્લા કલેકટર સુજલ મયાત્રાએ જાહેરનામું બહાર પાડી કેટલાક નિયંત્રણો મુકયા છે.
જાહેરનામામાં છોટાઉદેપુર જિલ્લાના છ નગર વિસ્તારો (છોટાઉદેપુર/જેતપુરપાવી/બોડેલી( અલીખેરવા- ચાચક- ઢોકલીયા સહિત), નસવાડી /કવાંટ /સંખેડા)માં કાર્યરત તમામ દુકાનો/ફેરીયાઓ/લારી ગલ્લાઓ/શાકભાજી માર્કેટ તથા અન્ય રીટેલ બિઝનેસ કરનારાઓ માટે પ્રત્યેક ૧૦ દિવસે કોરોના ટેસ્ટીંગ ફરજીયાત કરવામા આવેલ છે. જેથી તેઓની સાથોસાથ સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો પણ સુરક્ષિત રહી શકે. આ બાબતની અમલવારી છોટાઉદેપુર જિલ્લાના છ (નગર વિસ્તાર (HQ AREA)માં તા.૧૨/૪/૨૧ના રોજથી કરવામા આવશે તથા આ માટે દરેક વેપારીએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે પ્રત્યેક નગર વિસ્તારમાં ટેસ્ટીંગ ડોમનું આયોજન પણ કરવામા આવેલ છે. જ્યાં દરેક વેપારી જઇને પોતાના ટેસ્ટ કરાવી નેગેટીવ ટેસ્ટીંગ સહિતનું નોંધેલ કોરોના વાયરસ કાર્ડ મેળવી શકશે. જે પ્રત્યેક ૧૦ દિવસે ફરજીયાત રીન્યુ કરાવવાનુ રહેશે. હાલ પુરતુ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે ૬ નગર વિસ્તારમાં કામ કરતા તમામ દુકાનદાર/ /લારી ગલ્લાઓ/ ફેરીયાઓ વિગેરે માટે પોતાનો વેપાર કરવાવાળા માટે “કોરોના ટેસ્ટીંગ કાર્ડ” ફરજીયાત જાહેર કરવામા આવેલ છે.
​આ જાહેરનામું સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વિસ્તારને તા. ૧૨/૦૪/૨૦૨૧ થી તા. ૩૦/૦૪/૨૦૨૧ના ૨૪:૦૦ કલાકસુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ-૧૮૮, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫, ધી ગુજરાત એપેડેમિક ડિસીઝ એકટ રેગ્યુલેશન-૨૦૨૦ની જોગવાઇઓ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની જોગવાઇઓ હેઠળ શિક્ષાને પાત્ર થશે એમ, જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here