ગોધરાની તૈલંગ હાઈસ્કુલ ખાતેના એક કાર્યક્રમમાં ૧૪ જેટલા શિક્ષણ સહાયકોને ધારાસભ્યના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરાયા

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક શિક્ષણક્ષેત્રે કુલ ૧૨૪૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે, આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં પણ ૧૪ શિક્ષણ સહાયકોને નિમણુંક આપવામાં આવી છે. આજે જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે આવેલ સરકારી તેલંગ વાણિજ્ય વિદ્યાલય ખાતે જિલ્લામાં નિમણુંક થયેલા આ ૧૪ શિક્ષણ સહાયકોને ધારાસભ્યશ્રીના હસ્તે નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સરકાર પારદર્શક અને સંવેદનશીલ સરકાર છે. આ અભિગમ અંતર્ગત જ શિક્ષક સહિતની ભરતી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે. ઓનલાઈન માધ્યમથી થતી આ પ્રકારની ભરતી પ્રક્રિયાના પરિણામે લાગવગ કે લાંચરૂશ્વતને કોઈ અવકાશ રહેતો નથી અને લાયક ઉમેદવારોને જ નોકરી મળવા પામે છે, જેથી સમગ્રપણે શિક્ષણનું સ્તર પણ ઊંચે જશે. શિક્ષક બાળકના ચારિત્ર્યનું અને આવતીકાલના નાગરિકનું નિર્માણ કરતા હોવાથી દેશ અને સમાજના સારા ભવિષ્ય ઘડતરમાં શિક્ષકની ભુમિકા ખૂબ અગત્યની છે તેમ જણાવતા આ ૧૪ શિક્ષકોને જિલ્લાના શિક્ષણક્ષેત્રે આવકાર્યા હતા. અંગ્રેજીના ૩, સોશિયલ સાયન્સના ૩, ગુજરાતીના ૩, સાયન્સ અને ટેકનોલોજી તેમજ મૅથેમેટિક્સના ૦૫ શિક્ષણ સહાયકોને આ કાર્યક્રમમાં નિમણુંકપત્રો આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા પણ નવનિયુક્ત થયેલા આ શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવવા સાથે આવકારવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. પંચાલે કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટરશ્રી મેહુલભાઈ પારેખે કાર્યક્રમની આભારવિધિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here