પંચમહાલ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બે ફરિયાદ નોંધાઇ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

જમીન પર ગેરકાયદેસર કબજો જમાવનારા સામે એફ.આઈ.આર. કરવા આદેશ

ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020) હેઠળ પંચમહાલ જિલ્લામાં કલેકટરશ્રી અમિત અરોરાની સુચના અને માર્ગદર્શન પ્રમાણે તંત્ર અસરકારક કામગીરી કરી રહ્યું છે. સરકારી તેમજ ગરીબ વર્ગોની જમીનો પર ખોટી રીતે ગેરકાયદેસર કબજો જમાવનારા માથાભારે તત્વો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રથમ કિસ્સામાં દેવગઢ બારિયાના હુસેન મોહમ્મદ અબ્દુલ્લા જાડીની દયાળ ગામ ખાતેની સર્વે 46/2 પર આવેલ જમીનમાં ભળતા નામ ધરાવતા કેટલાક શખ્સો દ્વારા ખોટા સોગંદનામા અને ખોટા પેઢીનામા રજૂ કરી વારસાઈ દાખલ કરાવવા અંગે ફરિયાદ કરવામાં આવી છે. લેન્ડ ગ્રેબિંગ સમિતી સામે અરજદારની રજૂઆત બાદ ચકાસણી કરાતા ખોટા સોગંદનામા અને ખોટા પેઢીનામા દ્વારા વારસાઈ દાખલ કરવા અંગેની વિગતો સાચી જણાતા સમિતીએ સુલેમાન ઈબ્રાહિમ જાડી, ઈમરાન ઈબ્રાહિમ જાડી સહિતના 10 પ્રતિવાદીઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 અંતર્ગત એફ.આઈ.આર. દાખલ કરવા ઠરાવ્યું હતું. આવા જ અન્ય એક કિસ્સામાં સમિતીએ અરજદાર જસપાલસિંહ સોલંકીની શહેરા તાલુકાના વલ્લવપુર ખાતે સર્વે નં 816 પર આવેલી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી બેઠેલ જશવંતસિંહ સોલંકી સામે પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા સમિતીએ ઠરાવ્યું હતું. જશપાલ સિંહે ગીરો પેટે લીધેલ રકમ પંચો સમક્ષ ચૂકવી અસલ ગીરોખત પરત મેળવી લીધા બાદ પણ પ્રતિવાદી દ્વારા અનધિકૃત રીતે કબજો જમાવ્યો હોવાનું સમિતીને જણાતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફ.આઈ.આર. નોંધવા સમીતીએ ભલામણ કરી હતી. સમિતીની બેઠક 1 ફેબ્રુઆરી, 2021ના રોજ યોજાઈ હતી.
કલેકટશ્રી અમિત અરોરાએ જણાવ્યું છે કે સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડનારા તમામ વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here