કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ખાતે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

ડીસા,(છોટાઉદેપુર) જાનવી રામાનંદી :-

પ્રજાને કેન્દ્રમાં રાખીને અંતરિયાળ ગામડાઓમાં પણ શહેરના જેવી સુવિધા પુરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે : મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને સાતમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડુંગરાસણ કલસ્ટરના ૧૨ ગામોના લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભો અને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી કાર્યપ્રણાલી પર ચાલીને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રજા હિતના કામો કરે છે. તેમણે રાજ્ય સરકારની કાર્યશૈલી વિશે વાત કરતા જણાવ્યું કે, વર્ષ-૧૯૯૫ પહેલાં ગુજરાતની શું સ્થિતિ હતી તેનાથી આપણે સૌ વાકેફ છીએ. પ્રજાને પંચાયતમાં જવું હોય તો પણ વિચાર કરવો પડતો હતો. તે સમયમાં માત્ર સુખી-સંપન્ન અને મૂઠ્ઠીભર લોકોના જ કામો થતાં હતા. જયારે આજે આપણી સરકાર માટે પ્રજા જ સર્વોપરી છે. પ્રજાને કેન્દ્રમાં રાખીને અંતરિયાળ ગામડાઓમાં પણ શહેરના જેવી સુવિધા હોય, રસ્તા, પાણી, વીજળી, ગટર અને બાગ-બગીચાની સવલતો પુરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતુ.
મંત્રીશ્રીએ કહ્યું કે, દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોને તેમના હકના લાભો આપવા ગરીબ કલ્યાણ મેળાઓની શરૂઆત કરાવી ગરીબોને હાથોહાથ લાભો આપીને વચેટીયા પ્રથા નાબૂદ કરી છે. તેમણે કહ્યું કે, લોકોને ઘર આંગણે જ સરકારીશ્રીની યોજનાઓના લાભ સરળતાથી મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં વિધવા સહાય, વૃદ્ધ પેન્શન સહાય, દિવ્યાંગ સહાય, રેશનકાર્ડ, આરોગ્ય સહિતની ૫૬ જેટલી સેવાનો લાભ અપાય છે.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષણ પર ભાર મૂકતા કહ્યું કે, આપણા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. આ ઉપરાંત બનાસ બેંક દ્વારા ઉચ્ચ શિક્ષણ અને વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે ત્યારે તેનો લાભ લઈ સુખી-સમૃદ્ધ અને શિક્ષિત સમાજનું નિર્માણ કરવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત બનાસ બેંકના ચેરમેનશ્રી અણદાભાઈ પટેલે જણાવ્યું કે, આઝાદી પછીની પહેલી એવી સરકાર છે જે સામેથી લોકોને યોજના અને સહાયના લાભો આપે છે. તેમણે કહ્યું કે, ગામનો છેવાડાનો વ્યક્તિ પણ સરકારશ્રીની યોજનાઓથી વંચિત ના રહે તે આ સરકારની નેમ છે. ચેરમેનશ્રીએ કહ્યું કે બનાસ બેંકના માધ્યમથી ખેડૂતો અને ગરીબોને મદદ કરી આર્થિક રીતે સધ્ધર બનાવવા છે.
કોરોના કાળમાં અવસાન પામનાર મૃતકોના વારસદારોને મંત્રીશ્રીના હસ્તે રૂ.૫૦ – ૫૦ હજારની સહાયના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિધવા સહાયના હુકમો અને આંગણવાડીના બાળકોને પોષણ કીટ એનાયત કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં થરા નગરપાલિકાના પ્રમુખશ્રી પૃથ્વીરાજસિંહ વાઘેલા, અગ્રણીઓ સર્વશ્રી ઈશ્વરભાઈ પટેલ, હંસપુરી ગોસ્વામી, હરગોવનભાઈ શીરવાડિયા, બચુજી ઠાકોર, અરવિંદસિંહ ઠાકોર, સરપંચશ્રી વિક્રમજી ઠાકોર, મામલતદારશ્રી ભરતભાઈ શાહ સહિત અધિકારીઓ- પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here