અમરેલી : જાફરાબાદમાં ડાયાબીટીસની દવાના બહાને 3.30 લાખની છેતરપીંડી કરનારી ઠગ ટોળકી ઝડપાઈ

બાબરા,(અમરેલી) હિરેન ચૌહાણ :-

કડીયાળી ગામે સાધુના વેશમાં આવી વિધીના બહાને નાણાં પડાવ્યા હતા

જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે એક ખેડૂતના પુત્રને ડાયાબીટીસની બીમારી હોય સાધુના વેશમાં આવેલા શખ્સે આ બીમારીની દવા તથા વિધી કરવાના બહાને રૂપિયા 3.30 લાખની છેતરપીંડી આચર્યાના કેસમાં પોલીસે લોધિકા અને ધ્રાગંધ્રા પંથકના 3 શખ્સોની ધરપકડ કરી છે. અમરેલી એલસીબીએ લોધિકા તાલુકાના ખિરસરા ગામે રહેતા અને ભિક્ષાવૃતિ કરતા વિશાલનાથ જોગનાથ પઢીયાર ( ઉ.વ. 40), ધ્રાગંધ્રામાં હળવદ રોડ પર વાદીપરામાં રહેતા વિહાનાથ મિઠાનાથ પઢીયાર ( ઉ.વ. 42) તથા ધ્રાગંધ્રાના જ વિશ્નુનાથ વઝાનાથ પઢીયાર ( ઉ.વ. 29) નામના શખ્સોની ધરપકડ કરી હતી.

આ શખ્સો સાધુના વેશમાં આવી કડીયાળી ગામે છેતરપીંડીમાં સંડોવાયેલા હતા. કડીયાળીના ગભરૂભાઈ જગાભાઈ સોલંકીના પુત્રને ડાયાબીટીસની બિમારી છે. બે માસ પહેલા પોતાના ગોપાલદાસ તરીકે ઓળખાવતો શખ્સ સાધુ વેશમાં તેની પાસે આવ્યો હતો. આ શખ્સે ડાયાબીટીસની દવા આપવા તથા આ માટે વિધી કરવા તેના ગુરૂને વાત કરીશ તેમ કહી મોબાઈલ નંબરની આપલે કરી હતી.

બાદમાં તેના ગુરૂએ મોબાઈલ પર કોલ કરી વિધીના બહાને વાંકાનેર અને ચોટીલા પંથકમાં બોલાવી તેની પાસેથી 3.30 લાખની રોકડ રકમ પડાવી લીધી હતી. ત્યાર બાદ આ ચીટરગેંગના ત્રણેય સભ્યોએ પોતાનો મોબાઈલ પણ બંધ કરી દીધો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ એલસીબીની ટીમે આજે ત્રણેયને અમરેલીમાં કુંકાકાવ જકાતનાકા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here