હાલોલ ખાતે શ્રમિક અન્નપુર્ણા યોજના શરૂ કરાશે,શ્રમિકોને રૂ.૫ માં ભરપેટ ભોજન મળશે

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

આગામી ૧૧ માર્ચના રોજ હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે અરાદ ચોકડી, કડિયાનાકા, હાલોલ ખાતેથી કેન્દ્રનો કરાશે શુભારંભ

રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શ્રમયોગીઓની સામાજિક સુરક્ષા અને કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારશ્રીએ શ્રમિકો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાંની એક યોજના છે,શ્રમિક અન્નપુર્ણા યોજના,જેના થકી રાજ્યમાં લાખો શ્રમિકોને રૂ.૫ માં ભરપેટ ભોજન મળી રહ્યું છે.

આ યોજના અંતર્ગત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતેથી શ્રમિક અન્નપુર્ણા યોજનાનો શુભારંભ આગામી તારીખ ૧૧ માર્ચ ૨૦૨૪ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ધારાસભ્યશ્રી જયદ્રથસિંહ પરમારના વરદ હસ્તે કરાશે. પંચમહાલ જીલ્લાના હાલોલ નગર પાલિકા વિસ્તારના અરાદ ચોકડી, કડિયાનાકા ખાતે આ કેન્દ્ર શરૂ કરાશે. શ્રમિક અન્નપુર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિક અને તેના પરિવારના સભ્યોને રાહત દરે પ્રતિ ભોજન દીઠ રૂ.૫/-માં ભોજન આપવામાં આવે છે. ભોજનમાં રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ તેમજ અઠવાડિયામાં એકવાર સુખડીનો સમાવેશ કરવામાં આવે છે.

અહીં મહત્વનું છે કે શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-૨૦૧૭થી બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કાર્યરત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here