સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા થયેલ તારાજી ના મામલે નર્મદા જીલ્લા ના ખેડૂતોની સો ટકા વળતરની માંગ

કેવડિયા કોલોની, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના ખેડૂતોએ રેલી કાઢી મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલ આવેદનપત્ર નર્મદા કલેકટરાલય માં સુપ્રત કર્યું

સરકારે જાહેર કરેલ ખેડૂતો માટેની સહાય અપૂરતી અને અયોગ્ય હોવાની ખેડૂતોની રાવ- પોતાની માંગણી મુજબનું વળતર સરકાર ચૂકવશે નો ખેડૂતોનો આશાવાદ

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા જિલ્લાના નદી કાંઠાના વિસ્તારમાં આવેલા અનેક ગામો માં ખેડૂતોના ખેતી ના પાક, મકાનોને ભારે નુકસાન અને તારાજી સર્જાતા ખેડૂતો પાયમાલી ના કગાર ઉપર મુકાયા છે ત્યારે રાજ્ય સરકારે જે રાહત પેકેજ ખેડૂતો માટે તેમજ અન્ય માટે જાહેર કર્યું છે તે અપુરતો હોય ને નર્મદા જિલ્લાના ખેડૂતોએ આજરોજ રેલી કાઢી વિરોધ પ્રદર્શન નોંધાવી સરદાર સરોવર ડેમના પાણી છોડાતા થયેલ તારાજી માટે સો ટકા વળતરની માંગણી કરતો મુખ્યમંત્રીને સંબોધીને લખેલ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરાલય કચેરીમાં સુપ્રત કર્યું હતું. જે પ્રસંગે ખેડૂત આગેવાનો પ્રફુલભાઈ પટેલ , શંકરભાઈ પટેલ, રાજુભાઈ ભીલ, મલંગ સાબ રાઠોડ , કપુરભાઈ ભીલ, નિલેશભાઈ વસાવા, મુકેશભાઈ વસાવા, યાવર ખાન દાયમા, રણજીતભાઈ તડવી, કંચનભાઈ તડવી, લક્ષ્મણભાઈ તડવી ,સહિત મોટી સંખ્યામાં ગરૂડેશ્વર, તિલકવાડા અને નાદોદ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્રમાં નર્મદા જિલ્લાના ખેડૂતોએ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડતા થયેલ તારાજી થી જે નુકસાન થયું છે તેની સામે સો ટકા વળતર ચૂકવવાની માંગણી સરકાર પાસે કરેલી છે, જે માટે ખેડૂતો આજરોજ બપોરના ગાંધીજીની પ્રતિમા પાસે ભેગા થયા હતા અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યો હતો.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 17મી સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર ડેમમાંથી 20 લાખ ક્યુસેક થી પણ વધારે પાણી છોડાતા નર્મદા કાંઠાના ગામોના ખેડૂતોના મહામોલા પાક નિષ્ફળ ગયેલા છે, જમીનનો ધોવાણ, તથા પશુઓના જાન માલ ના નુકસાન તથા ગરીબ આદિવાસીઓના મકાનો જમીન દોષ થઈ ગયા છે તેમજ શૈક્ષણિક સંસ્થાઓને પણ ભારે નુકસાન થયેલ છે તથા નર્મદા જિલ્લાનો ખેડૂત તથા ખેત મજૂર ની:સહાય થયેલ છે. જે માટે ખેડૂતોને નુકસાનીના 100% વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગણી આવેદનપત્ર માં કરી છે.

ખેડૂતોએ સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યો છે તે સામે પોતાનો અસંતોષ દર્શાવ્યો છે અને તેમને થયેલ નુકસાનીના સો ટકા વળતરની માંગણી કરેલી છે આ ઉપરાંત ખેડૂતોએ લીધેલ ક્રોપ લોન માફ કરવા, ખેડૂતોને રૂપિયા પાંચ લાખની લોન વ્યાજ વગર આપવા અને હપ્તેસર આ લોન ની રકમ વસૂલ કરવા, સરદાર સરોવર નર્મદા નિગમ ઓથોરિટી એ કડક રીતે કોઈપણ વ્યક્તિના જન્મદિવસ માટે નર્મદા નદીના નીર ના વધામણા ન કરવાની બાહેધરી આપવા, ખેત મજૂરોના કાચા ઘરો ભયંકર પૂરમાં નુકસાન થતાં તેઓને તાત્કાલિક વળતર ચૂકવવા, 17 મી સપ્ટેમ્બરના દિવસને ગોઝારો અને કાળો દિવસ તરીકે જાહેર કરવા, અને ખેડૂતોના જેઓને નુકસાન થયું છે તેમના ત્રણ લાખ સુધીના દેવાઓ માફ કરવા ની માંગણી ખેડૂતો એ કરી છે.

ખેડૂતોને થયેલા નુકસાન અંગેની વાતચીત કરતા ખેડૂત અગ્રણી પ્રફુલભાઈ પટેલ અને શંકરભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદા નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના તમામ ગામો કંગલી ની કગાર ઉપર પહોંચ્યા છે, ત્યારે સરકાર ખેડૂતોના દેવા માફ કરે અને અમારી માંગણી મુજબનું વળતર સરકાર ચૂકવે અને એ દિશામાં ત્વરિત કામગીરી હાથ ધરાય ની માંગણી કરી હતી આ સમયે ખેડૂત અગ્રણી અને કૉંગ્રેસ ના પ્રદેશ મંત્રી પ્રફુલ પટેલ વાતચીત કરતા ગળગળા અને ભાવુક બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here