વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહીરના અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકાના સાલીયા ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ

મોરવા(હ), (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

જિલ્લા પોલીસ દ્વારા માર્ચપાસ્‍ટ, રંગારંગ સાંસ્‍કૃતિક કાર્યક્રમો,વૃક્ષારોપણ સહિત વિવિધ અધિકારી-કર્મચારીઓ અને વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી કરાયા સન્માનિત

જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાખો લોકોને ઘર આંગણે જ યોજનાકીય લાભ મળ્યા,સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઈ
વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ,વાઈબ્રન્ટ પંચમહાલ અંતર્ગત પણ રૂ. ૧૩૩.૪૫ કરોડના ૩૯ એમ.ઓ.યું કરાયા
૨૦૨૨-૨૩માં ૨ લાખ ૭૭ હજાર ૨૮૮ પશુઓની સારવાર, ૭ લાખ ૭૪ હજાર ૮૩૩ પશુઓનું રસીકરણ કરાયું
જિલ્લામાં ૫૫.૯૫ કરોડના ખર્ચે અલગ અલગ કુલ ૫૪.૩૨ કિ.મીની લંબાઈ ધરાવતા ૦૬ રોડનું કામ પ્રગતિ હેઠળ
છેલ્લા દોઢ વર્ષમાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ થકી જિલ્લાના ૪,૭૫૫ ખેડૂતોને રૂ.૧૫૬૨.૩૮ લાખની સહાય ચુકવાઈ

પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને મોરવા હડફ તાલુકાના સાલીયા (સંતરોડ) ખાતે ૭૫મા પ્રજાસત્તાક દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી.
આ પ્રસંગે ઉપાધ્યક્ષશ્રીએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો-સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો,અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી ૭૫મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે શુભકામનાઓ સાથે જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે, જે-જે લોકોએ પોતાનું સમર્પણ અને યોગદાન આપ્યું છે, ત્યાગ અને તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને આપણને મહામુલી આઝાદી અપાવી છે, આઝાદીના અમૃતકાળમાં આપણે સહુ ભારતીય નાગરિક હોવાનો ગર્વ અનુભવી રહ્યા છીએ.તેમણે કહ્યું કે આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વીર સાવરકર, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક સ્વાતંત્ર્યવીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે. અનેક દેશી રજવાડાંઓને અખંડ ભારતમાં ભેળવવાનું કાર્ય કરનાર લોહપુરુષ સરદાર પટેલનું ઘડતર પણ પંચમહાલ અને ગોધરામાં થયું હતું. રાજ્યની વિકાસ યાત્રામાં પંચમહાલ જિલ્‍લો પણ કદમથી કદમ મિલાવી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલ વાઈબ્રન્ટ સમિટની દસમી આવૃત્તિમાં રાજ્ય સરકારને કુલ રૂ. ૪૫ લાખ કરોડનું રોકાણ મળ્યું છે, જેમાંથી રૂ. ૨૬.૩૩ લાખ કરોડના રોકાણના મેમોરેન્ડ્મ ઓફ એન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) સાઈન થયા છે.વાઈબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ,વાઈબ્રન્ટ પંચમહાલ અંતર્ગત પણ રૂ. ૧૩૩.૪૫ કરોડના ૩૯ એમ.ઓ.યું કરાયા છે.
તેમણે જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને લાભ આજે આપણા જિલ્લાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચ્યા છે. તાજેતરમાં જ આપણે સૌ કોઈએ સાથે મળીને સફળતાપૂર્વક પંચમહોત્સવનું સમાપન કર્યું છે. સરકારશ્રીએ પાવાગઢ તીર્થક્ષેત્રના વિકાસ માટે ફેઝ-૧ થી ફેઝ-૪ના વિવિધ વિકાસલક્ષી કાર્યો અમલી બનાવ્યા છે, પાવાગઢના વિકાસ માટે ૨૦૧૭માં ૧૨૧ કરોડ રૂપિયાની સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી તે અંતર્ગત ફેઝ- ૧માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ, કુલ- ૨૩૭૪ પગથિયાનું નિર્માણ વગેરે કાર્યો કરાયા છે. જયારે ફેઝ- ૨માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી છે.પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરાયો છે. પંચમહાલ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લાખો લોકોને ઘર આંગણે જ યોજનાકીય લાભ મળ્યા છે તથા સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી થઈ છે. તેમણે જિલ્લા વહીવટી તંત્રને આ ઉપલબ્ધિઓ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે પંચમહાલ જિલ્લાના વિકાસ કાર્યો અંગે જણાવ્યું કે, અંદાજે રૂ.૬૯૨/- કરોડના ખર્ચે આણંદ ગોધરા ડબલિંગ પ્રોજેક્ટનું કામ હાલ પ્રગતિશીલ હેઠળ છે. જિલ્લામાં રેલવે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ ચાલી રહી છે.જેનાથી નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે.પંચામૃત ડેરીએ વર્ષ ૨૦૨૩-૨૪માં દૈનિક ૨૫ લાખ લિટર દૂધ સંપાદન કર્યું છે તથા વાર્ષિક ૫ હજાર કરોડના ટર્ન ઓવર સુધી પહોચ્યા છીએ.વાર્ષિક ટર્ન ઓવરમાં ૨૯ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.પશુ સારવાર સંસ્થાઓ મારફતે સને ૨૦૨૨-૨૩માં ૨ લાખ ૭૭ હજાર ૨૮૮ પશુઓને સારવાર આપવામાં આવી છે.તેમજ ચાલુ વર્ષ- ૨૦૨૩-૨૪માં ડિસેમ્બર અંતિત સુધી ૧ લાખ ૭ હજાર ૮૧૩ પશુઓને સારવાર આપવામાં આવી છે. ૭ લાખ ૭૪ હજાર ૮૩૩ પશુઓનું રસીકરણ કરાયું છે.પંચમહાલ જિલ્લામાં ૫૫.૯૫ કરોડના ખર્ચે અલગ અલગ કુલ ૫૪.૩૨ કિ.મીની લંબાઈ ધરાવતા ૦૬ રોડનું કામ પ્રગતિ હેઠળ છે.જિલ્લામાં ૩૮.૧૭ કિ.મી લંબાઈ ધરાવતા ત્રણ રોડના કામ મંજૂર થયા છે,જેનું નિર્માણ કાર્ય હવે થોડા સમયમાં શરૂ થશે. રૂ.રર.૦૭ કરોડના ખર્ચે ગોધરા ખાતે નવીન મલ્ટીસ્ટોરી આઈ.ટી.આઈ.નું કામ, રૂ.૩.૬પ કરોડના ખર્ચે ગોધરા સરકીટ હાઉસ ખાતે વધારાના નવીન છ સ્યુટના બાંધકામનું કામ પૂર્ણ થયું છે. ૩૦૭.૭૬ લાખના ખર્ચે નવિન આર.પી.આઈ. કચેરી ઊભી કરાઈ, પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના રહેઠાણ માટે અદ્યત્તન સુવિધાઓથી સજ્જ કુલ-૩૮૦ નવિન રહેણાંક મકાનો બનાવાયા છે.રૂ.૨૪૪.૫૭ લાખના ખર્ચે કાંકણપુર પોલીસ સ્ટેશન કાર્યરત કરાયું છે.રૂ.૨૬૮.૬૦ લાખના ખર્ચે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે.પાવાગઢ સેમી અર્બન પોલીસ સ્ટેશન રૂ.૧૮૦.૮૬ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે.છેલ્લા દોઢ વર્ષમાં ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ થકી અત્રેના જિલ્લાના ૪,૭૫૫ ખેડૂતોને રૂ.૧૫૬૨.૩૮ લાખની સહાય ચુકવવામાં આવી છે.જિલ્લામાં વર્ષ:૨૦૨૨-૨૩માં ૧૭૦૯૯ આવાસો મંજૂર થયા છે. સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના હેઠળ જિલ્લાના ૧૫૩ ગામ મોડેલ બનાવવામાં આવ્યા છે.બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત આપણા જિલ્લામાં કુલ ૪૦૬.૨૬ લાખની સહાય ચુકવવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વિભાગની વિવિધ બટાલિયન દ્વારા માર્ચપાસ્ટ રજૂ કરાઈ હતી. વિકાસના કામો અર્થે મોરવા હડફ તાલુકાને રૂ. ૨૫ લાખનો ચેક એનાયત કરાયો હતો. જિલ્લાની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા. જિલ્લાના વિવિધ વિભાગના સન્માન પાત્ર અધિકારી-કર્મચારીઓ સહિત જિલ્લાના વિશિષ્ઠ કામગીરી કરેલ નાગરિકોને પ્રશસ્તિ પત્ર આપી નવાજવામાં આવ્યા હતા.આ સાથે ઉપસ્થિતોએ વૃક્ષારોપણ કર્યું હતું.
પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરા, મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી,જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,રેંજ આઈ.જીશ્રી રાજેન્દ્ર અસારી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા સહિત પોલીસ જવાનો,અધિકારીશ્રીઓ/કર્મચારીઓ,જિલ્લાના અગ્રણીઓ,વરિષ્ઠ નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here