પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વાંસદેલીયા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ કરાયું

મોરવા(હ)  (પંચમહાલ) ઇશહાક રાંટા :-

આદિજાતિ વિસ્તારમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનો પ્રારંભ થતા લોકોને ઘર આંગણે જ તબીબી સેવાઓ મળી રહેશે

પંચમહાલ જિલ્લાના આદિજાતિ મોરવા હડફ તાલુકાના વાંસદેલીયા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું લોકાર્પણ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર તથા પંચમહાલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.મહેશ ચૌધરી અને મહાનુભાવોના હસ્તે કરાયું હતું.

વાંસદેલીયા ગામ મોરવા (હ) તાલુકાના પ્રા.આ.કે વંદેલીના અંતરિયાળ વિસ્તારમાં છુટા છવાયા આદિવાસી અને આર્થિક રીતે પછાત વસ્તી વિસ્તારમાં આવેલું ગામ છે.સરકારશ્રીના પ્રયત્નોથી અહીં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના નવીન મકાનનું લોકાર્પણ થતા ગ્રામજનોને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ ઘરઆંગણે ઉપલબ્ધ થશે.

અહીં પ્રાથમિક સારવારની સાથે સગર્ભા અને નવજાત શિશુઓને લગતી આરોગ્ય સેવાઓ, રસીકરણ, ટીબી, મેલેરિયા,રક્તપિત,સિકલ સેલ જેવા રોગો આંખ,કાન,નાક તેમજ મોઢાને લગતી તકલીફોનું નિદાન તેમજ સારવાર ઉપલબ્ધ કરાશે. ડાયાબિટીસ,હાયપરટેન્શન અને કેન્સર જેવા રોગોના નિદાન અંતર્ગત સેવાઓ ઘર આંગણે જ મળી રહેશે.આ સાથે અહીં સરકારશ્રીની PMJAY-MA કાર્ડ આભા કાર્ડ, જનની સુરક્ષા,જનની શિશુ સુરક્ષા, કસ્તુરબા પોષણ, પ્રધાનમંત્રી માતૃ વંદના,ચિરંજીવી અને બાલ સખા જેવી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમનો પણ લાભ સ્થાનિક લોકો ઘરઆંગણે જ મેળવી શકશે.

લોકાર્પણ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ નાયક,આગરવાડા સરપંચ શ્રીમતી સુશીલાબેન, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ડો.આર.બી.પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી ડો.સુભાષ સિંહા, પ્રા.આ.કે.વંદેલીના મેડિકલ ઓફિસર ડો.મયંક પટેલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here