વહિવટમાં પારદર્શિતા અને જવાબદેહી જળવાઇ રહે એ હેતુસર નાગરિકોને કેન્દ્ર સ્થાને રાખી અમલી બનેલ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ના કાયદા નો અમલ ખૂબજ જરૂરી છે :- ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકર

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નમૂના-ક-ની અરજી પરત્વે અરજદારને શક્ય તેટલો વહેલો અને સમય-મર્યાદામાં જવાબ/માહિતી મળી રહે તે જોવાની ખાસ હિમાયત

કલમ-૧૮ માં ફરિયાદ અને કલમ-૧૯ માં અપીલની કરાયેલી જોગવાઇ સંદર્ભે જરૂરી માર્ગદર્શન થકી ફરિયાદ અને અપીલ વચ્ચેના ભેદની અપાઇ ઝીણવટભરી સમજ

નર્મદા જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની વિવિધ જોગવાઇ અંતર્ગત સરળ અને વિસ્તૃત જાણકારી સાથે અપાયું ઉંડાણપૂર્વક – તલસ્પર્શી ઉપયોગી માર્ગદર્શન

ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન રાજપીપલા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એલ.એમ.ડિંડોર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ પરમાર અને સુશ્રી સી.એન.ચૌધરી, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપક બારીયા, જાહેર માહિતી અધિકારી ઓ અને પ્રથમ અપીલ અધિકારી ઓ સહિત વિવિધ વિભાગના “ટીમ નર્મદા” ના અમલીકરણ અધિકારી ઓ સાથે જિલ્લા પ્રસાશન દ્વારા આયોજિત બેઠકમાં માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ની વિવિધ જોગવાઇ અંતર્ગત સરળ અને વિસ્તૃત જાણકારી સાથે ઉપયોગી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા ગુજરાત માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે વધુમાં ઉમેર્યું હતું કે, વહિવટમાં પારદર્શિતા અને જવાબદેહી જળવાઇ રહે તેવા હેતુસર અમલી બનેલ માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ ને નાગરિકોને કેન્દ્રમાં રાખીને બનાવાયેલ આ કાયદો અને તેની વિવિધ જોગવાઇઓનો હાર્દ જાળવવો ખૂબજ જરૂરી છે, જેથી અરજદાર જો અભણ હોય તો કચેરીના કર્મચારીઓએ તેને માહિતી અધિકાર હેઠળની અરજી કરવામાં મદદ કરવી જોઇએ તેવો ભારપૂર્વકનો અનુરોધ તેમણે કર્યો હતો.
મુખ્ય માહિતી કમિશ્નર દિલીપ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, નમૂના-ક-ની અરજી પરત્વે અરજદારને શક્ય તેટલો વહેલો અને સમય-મર્યાદામાં જવાબ/માહિતી મળી રહે તે ખૂબજ જરૂરી છે. ફક્ત “ભારતના નાગરિક” ને માહિતી માંગવાનો અધિકાર આપવામાં આવેલ છે. હોદ્દાની રૂએ કોઇ સંસ્થા માંગી શકે પરંતુ તે માહિતી માંગતી વ્યક્તિના હોદ્દા સાથે તેમનું નામ જણાવવું ફરજીયાત રહે છે. જાહેર સત્તામંડળમાં સમાવિષ્ટ થતો હોય તેવી તમામ કચેરીઓએ પોતાની કચેરીની તમામ માહિતી દર્શાવતું પ્રો-એક્ટીવ ડિસ્કલોઝર નિયત નમૂનામાં દર વર્ષે અદ્યતન કરી કચેરીના નોટીસ બોર્ડ પર અને વેબસાઇટ પર બહોળી રીતે પ્રસિધ્ધ કરવું ફરજીયાત છે. આને લીધે કચેરી વધુ કાર્યક્ષમ બની શકશે. હાલના ડિઝીટલાઇઝેશનના વ્યાપ અંતર્ગત કચેરીનું તમામ રેકર્ડ ડિઝીટલી પ્રાપ્ય હશે તો જે તે કચેરીની કામગીરી ખૂબ સરળ બની રહેશે.
દિલીપ ઠાકરે વધુમાં ઉમેર્યું હતું કે, કાયદામાં “જાહેર સંત્તા મંડળ” ને સંબોધીને અરજી કરવા જણાવાયેલ હોઇ, એક કરતાં વધુ “જાહેર સત્તા મંડળો” ને લગતી અરજી હોય તો અલગ-અલગ સત્તા મંડળને તબદીલ ન કરતાં અરજદારશ્રીને જુદા જુદા સત્તા મંડળોને અલગ-અલગ અરજી કરવા માટે જાણ કરવા, અરજદારની “લાઇફ અને લિબર્ટી” સંબંધી માહિતી, નમૂના-ક ની અરજી પરત્વેની માહિતી નકારવાની થાય તો તે નકારવા અંગેના કારણો અને તે સંબંધિત કાયદાની કલમનો પણ તેમાં ઉલ્લેખ કરવો ફરજીયાત છે. ત્રાહિત વ્યક્તિને લગતી માહિતી હોય તો તેની નિયત કાર્યપધ્ધતિ અંગેની જોગવાઇ કલમ-૧૧ માં કરાયેલ છે, જેમાં દિન-૫ માં ત્રાહિત વ્યક્તિની સંમતિ લેવાની હોય છે.
માહિતી આયોગના મુખ્ય કમિશ્નર દિલીપ ઠાકરે પ્રથમ અપીલ અધિકારી ઓની જવાબદારી સમજાવતાં ઉમેર્યું હતું કે, જો પ્રથમ અપીલની કક્ષાએ અરજદારને યોગ્ય ન્યાય અપાય તો બીજી અપીલ માટે અરજદાર અને માહિતી આયોગના સમય અને નાણાંનો બિનજરૂરી વ્યય અટકાવી શકાય છે. પ્રથમ અપીલનો નિર્ણય-૩૦ દિવસની સમય-મર્યાદામાં કરવો ફરજીયાત હોવાનું જણાવતાં ઠાકરે આ બાબતે વધુમાં વધુ ૪૫ દિવસ સુધીમાં પ્રથમ અપીલનો નિર્ણય કરી શકાય તેમ ઉમેર્યું હતું અને સદરહું વિલંબ માટેના કારણો પ્રથમ અપીલના હુકમમાં દર્શાવવા ફરજીયાત છે. માહિતી આયોગમાં અરજદાર ૯૦ દિવસની સમય મર્યાદામાં બીજી અપીલ કરી શકે છે. શ્રી ઠાકરેએ કલમ-૧૮ માં ફરિયાદ અને કલમ-૧૯ માં અપીલની કરાયેલી જોગવાઇ સંદર્ભે જરૂરી માર્ગદર્શન થકી ફરિયાદ અને અપીલ વચ્ચેના ભેદની જરૂરી સમજ આપી હતી. આ કાયદાની કલમ-૨૪ માં સરકાર દ્વારા અમૂક સંસ્થાઓને માહિતી જાહેર કરવામાંથી આપેલી મુક્તિ અંગે પણ ઉપયોગી જાણકારીની સાથે BPL માં સમાવેશ થતો હોવા અંગેનો દાખલો રજૂ કર્યેથી જ કાયદા હેઠળ BPL નો લાભ આપી શકાય તેવી પણ જાણકારી આપી હતી. કચેરીના સ્ત્રોત અપ્રમાણસર રીતે વપરાતા હોય તેવી માહિતી બાબતે પણ તેમણે પૂરતું માર્ગદર્શન આપ્યું હતું.
મુખ્ય માહિતી કમિશ્નર ઠાકર એ નામદાર કાઇકોર્ટ અને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા અપાયેલા કેટલાંક શકવર્તી ચુકાદાઓનો દ્રષ્ટાંત સાથે ઉલ્લેખ કરી, આ વિગતો ગુજરાત માહિતી આયોગની વેબ સાઇટ http://gic.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. રિસોર્સ લર્નિગનું અન્ય મટીરીયલ્સ તેમજ ગુજરાત માહિતી આયોગ દ્વારા આપવામાં આવેલ નમૂનારૂપ ૧૦૦ ચુકાદાઓ (વિષયવાર) નું પુસ્તક – “શતદ્લ” આરટીઆઇ કોમ્પોડીયમ વગેરે ઉપલબ્ધ છે, જેથી સદરહું વેબ સાઇટની મુલાકાત થકી જરૂરી અદ્યયન સાથે આ અંગે સુસજ્જતા કેળવવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે “ટીમ નર્મદા” તરફથી મુખ્ય માહિતી કમિશ્નર દિલીપ ઠાકરનું સ્વાગત કરી તેમને આવકાર્યા હતાં અને બેઠકના અંતમાં પણ નર્મદા કલેક્ટરે “ટીમ નર્મદા” ને કાયદાકીય જોગવાઇઓ સંદર્ભે ઉંડાણપૂર્વક-તલસ્પર્શી જાણકારી અને માર્ગદર્શન પુંરૂં પાડવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવાની સાથે ઠાકરનો ઋણ સ્વીકાર કર્યો હતો અને “ટીમ નર્મદા” ને પ્રાપ્ત થયેલ જ્ઞાનનું આ ભાથું પોતાની કચેરીઓમાં ગ્રાસરૂટ લેવલના કર્મયોગીઓ સુધી પહોચાડવાની ખાસ હિમાયત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here