લોકસભાની ચૂંટણીઓ માટે ખર્ચની બાબતો સાથે સંકળાયેલી ટીમોની જિલ્લા ખર્ચ નોડલ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં નોડલ અધિકારી દ્વારા વિવિધ ટીમોને અપાયેલું માર્ગદર્શન

આગામી સમયમાં યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લઈને ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણની બાબતો સાથે સંકળાયેલી વિવિધ કમિટિઓની રચના કરવામાં આવી છે. આ ટીમના સભ્યોની જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચ નિરિક્ષણ સમિતિના જિલ્લા નોડલ અધિકારી અંકિત પન્નુની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

નર્મદા જિલ્લામાં ૨૧-છોટાઉદેપુર લોકસભામાં સમાવિષ્ટ ૧૪૮-નાંદોદ વિધાનસભા મત વિસ્તાર અને ૨૨-ભરૂચ લોકસભામાં સમાવિષ્ટ ૧૪૯-દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તાર આવેલા છે. જે સંદર્ભે ચૂંટણી ખર્ચ સાથે સંકળાયેલી વિવિધ ટીમના અધિકારી-કર્મચારી સાથે બેઠક યોજીને ચૂંટણી દરમિયાન આ ટીમોએ કરવાની થતી કામગીરી અંગે પાવન પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું.

ચૂંટણી ખર્ચની બાબતો સાથે સંકળાયેલી FS(ફ્લાઈંગ સ્ક્વોડ), SST(સ્ટેટિક સર્વેલન્સ ટીમ), VVT (વીડિયો વ્યુઈંગ ટીમ), VST(વીડિયો સર્વેલન્સ ટીમ, AT(એકાઉન્ટીંગ ટીમ) અને AEO(મદદનીશ ખર્ચ નિરિક્ષક) સહિતની ટીમોના અધિકારીઓ- કર્મચારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખર્ચ નોડલ અધિકારી અંકિત પન્નુએ આગામી સમયમાં યોજાનારી ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે જોવાનો ખાસ અનુરોધ કર્યો હતો. પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ લક્ષમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી ઉક્ત તમામ ટીમોએ એકબીજા સાથે સમયસરનું સંકલન જળવાઈ રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી.

ચૂંટણી ખર્ચના જિલ્લા નોડલ અધિકારી એ આ તમામ ટીમોને ઉમેદવારદીઠ નિયત કરાયેલી ખર્ચ મર્યાદા સહિતની જાણકારી સાથે ચૂંટણીલક્ષી ખર્ચ, આદર્શ આચારસંહિતા તથા મુક્ત અને ન્યાયી ચુંટણીની બાબતને ખાસ લક્ષમાં લઈ પ્રત્યેક ટીમને તેમની ફરજો ચીવટ પૂર્વક અદા કરવા જણાવ્યું હતું. પ્રત્યેક ટીમોએ પોતે જે-તે દિવસે કરેલી કામગીરીનો નિયત સમયાવધિમાં ઉપલીકક્ષાએ વાકેફ કરવા જણાવ્યું હતું.

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નાગરિકો દ્વારા cVIGIL માં ઓનલાઈન માધ્યમથી મળતી ફરિયાદોનું સરળતાથી નિવારણ કેવી રીતે કરી શકાય તે અંગે લાઈવ ડેમો દર્શાવી વિસ્તૃતમાં સમજ આપવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, નાયબ કલેકટર એસ.ડી.ચૌધરી, મદદનીશ ખર્ચ નિરીક્ષક સહિત તમામ ટીમોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here