મોરબીમાં રોડ-રસ્તા ઉપરના બે હજાર જેટલા કાયમી દબાણો હટાવવા પત્રકારની તાલુકા સંકલનમાં ઘા

મોરબી, આરીફ દીવાન :-

મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોમાં લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણો થઈ ગયા છે અને તેને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને દિવસેને દિવસે દબાણો વધી રહ્યા છે અને રોડ રસ્તાની સાઈડમાં, મુખ્ય ચોક અને મુખ્ય વિસ્તારોમાં આડેધડ દબાણ થઈ ગયા છે જેથી કરીને ત્યાં ખરીદી કરવા માટે આવતા લોકોને વાહન પાર્ક કરવામાં તેમજ વેપારીઓને પોતાની દુકાનમાં ધંધા કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ તમામ લારી, ગલ્લા અને પાથરણાના મોરબી શહેરના જુદા જુદા વિસ્તારના લગભગ બે હજાર જેટલા દબાણો થઈ ગયા છે તેને દૂર કરવા માટે થઈને મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણમાં પત્રકાર દ્વારા અરજી કરવામાં આવેલ છે.

દર મહિનાના પહેલા શનિવારે દરેક જિલ્લાના તાલુકામાં તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની બેઠક મળતી હોય છે અને તેમાં અરજદારો તરફથી જે કોઈ પ્રશ્નો આવ્યા હોય તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવતો હોય છે અને સ્થળ ઉપર જ મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં આવતા હોય છે તેવું વારંવાર તંત્ર તરફથી કહેવામાં આવતું હોય છે ત્યારે મોરબી શહેરના લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પત્રકાર હિમાંશુ અનિલભાઈ ભટ્ટ દ્વારા હાલમાં મોરબી તાલુકા સંકલન અને ફરિયાદ નિવારણની સમિતિમાં મોરબી શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર થયેલા લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણને દૂર કરવા માટેની અરજી કરવામાં આવી છે જોકે આ અરજીને ધ્યાને લઈને આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય બતાવશે.

હાલમાં જે અરજી કરવામાં આવી છે તેમાં જણાવ્યા મુજબ મોરબી શહેરના નેહરૂગેટ ચોક, પરાબજાર, શાકમાર્કેટ, મહારાણા પ્રતાપ સર્કલ, મહેન્દ્રનગર રોડ, લોહાણાપરા, ગાંધી ચોક, સરદાર રોડ, નવા બસ સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી લારી, ગલ્લા અને પાથરણાના કાયમી દબાણ થઈ ગયા છે અને આ દબાણોને દૂર કરવા માટેની પાલિકા કે પોલીસ વિભાગ દ્વારા કોઈ તસ્તી લેવામાં આવતી નથી જેથી કરીને લારી, ગલ્લા અને પાથરણા ના દબાણના લીધે રોડ રસ્તા ઉપર ટ્રાફિક, ગંદકી, મારામારી અને ઝઘડા વગેરે જેવા બનાવો બનતા હોય છે તેને રોકવા માટે થઈને આ તમામ દબાણોને દૂર કરવામાં આવે તેવી લાગણી અને માગણી લોકોના હિતાર્થે કરવામાં આવેલ છે.

વધુમાં અરજીમાં એવું પણ જણાવ્યું છે કે જે વિસ્તારોમાં દબાણ થઈ ગયા છે તે તમામ જગ્યાઓ ઉપર કુલ મળીને અંદાજે લારી, ગલ્લા અને પાથરણાના બે હજાર જેટલા દબાણો છે આ દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા નથી જેના કારણે દિવસેને દિવસે લારી, ગલ્લા અને પાથરણાના દબાણ વધી રહ્યા છે અને આ કાયમી દબાણોના કારણે લોકોને પોતાના વાહન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેની સાથોસાથ વેપારીઓની દુકાન આડે લારી, ગલ્લા અને પાથરણા રાખી દેવામાં આવતા હોવાથી વેપારીઓને પણ હેરાન થવું પડે છે જેથી કરીને રોડ રસ્તા અને સરકારી જમીન ઉપર આડેધડ જે લારી, ગલ્લા અને પાથરણાના દબાણો કરી લેવામાં આવ્યા છે તે તમામ દબાણોને દૂર કરીને રોડ રસ્તા અને સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવે તેમજ જરૂર જણાય તો આવા દબાણ કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ પણ દાખલ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here