કોવિડ-૧૯ ના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને હેલ્પડેસ્ક અંગે નર્મદા જિલ્લાના કલેક્ટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલ હેલ્પડેસ્ક નંબર- (૦૨૬૪૦)-૨૨૪૦૦૧ ઉપર સંપર્ક સાધવા અનુરોધ

COVID-19 ના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લેતાં, નર્મદા જિલ્લાના મેજીસ્ટ્રેટશ્રી ડી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નર્મદા જિલ્લામાં કાર્યરત સરકારી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ (આયુર્વેદિક હોસ્પિટલ, રાજપીપલા), ૪ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલો (૧) આનંદ હોસ્પિટલ, રાજપીપલા (૨) સૂર્યા હોસ્પિટલ, રાજપીપલા (૩) મહેતા હોસ્પીટલ, રાજપીપલા અને (૪) રાજપીપલા હોસ્પીટલ} તથા ભવિષ્યમાં જોડાનાર અન્ય કોવિડ હોસ્પિટલ્સ ખાતે સારવાર માટે અન્ય જિલ્લાઓમાંથી કોવિડ-૧૯ના દર્દીઓ આવવાની શક્યતા રહેલ છે.

અન્ય જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દીઓ માટે સમયસર અને યોગ્ય સારવારની ખાતરી કરવા અને નર્મદા જિલ્લાની હોસ્પિટલોમાં પ્રવેશ માટે એમ્બ્યુલન્સમાં રાહ ન જોવી પડે તે માટે જિલ્લામાં ધ એપેડેમીક ડીસીઝ એક્ટ, ૧૮૯૭ હેઠળ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી, નર્મદા – રાજપીપલા ખાતે હેલ્પડેસ્ક કાર્યરત કરાયેલ છે, જેનો લેન્ડ લાઇન નંબર (૦૨૬૪૦)-૨૨૪૦૦૧ રાખવામાં આવેલ છે. હેલ્પ ડેસ્કના નોડલ અધિકારીશ્રી નર્મદા જિલ્લાના જનસંપર્ક અધિકારીશ્રી શ્રી એચ.કે.ગઢવીની નિમણૂંક કરાયેલ છે.
નાયબ પોલીસ અધિક્ષકશ્રી, હેડક્વાર્ટર, નર્મદા તથા શ્રી સુમિત વાઘેલા, ICT ઓફિસરશ્રી, નર્મદાએ હેલ્પ ડેસ્કના સહાયક નોડલ અધિકારી તરીકે કામગીરી કરવાની રહેશે. હેલ્પ ડેસ્કની કામગીરીનું સમગ્રતયા સુપરવિઝન સરકારી કોવિડ હોસ્પિટલ, રાજપીપલા ખાતે કાર્યરત અધિક કલેક્ટરશ્રીએ કરવાનું રહેશે.

નર્મદા જિલ્લાની બહારના જિલ્લાઓમાંથી આવતા તમામ દર્દીઓએ ઉપર જણાવેલ હેલ્પ ડેસ્કના નંબર પર ટેલિફોનિક જાણ કરવાની રહેશે. નર્મદા જિલ્લાની બહારની તમામ આરોગ્ય સુવિધાઓ, ખાનગી એમ્બ્યુલન્સ સેવાઓ અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હેલ્પ ડેસ્કને અગાઉથી જાણ કરવાની રહેશે. જેથી તેઓને કઈ હોસ્પિટલમાં અને ક્યા સમયે દાખલ થવા આવવું તે અંગેની સૂચના હેલ્પ ડેસ્ક ખાતેથી મળી રહે અને બિનજરૂરી અવ્યવસ્થા ટાળી શકાય. નર્મદા જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોએ નર્મદા જિલ્લાના બહારના દર્દીઓને હેલ્પ ડેસ્કની સૂચના મુજબ દાખલ કરવાના રહેશે.

નર્મદા જિલ્લામાં કાર્યરત સરકારી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલ, ૪ ખાનગી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલો તથા ભવિષ્યમાં જોડાનાર અન્ય કોવિડ હોસ્પિટલ્સએ તેઓની હોસ્પિટલ ખાતે ખાલી બેડની અદ્યતન માહિતી હેલ્પ ડેસ્કને આપવાની રહેશે તથા આવા બેડની અદ્યતન માહિતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC), કલેક્ટર, નર્મદા તથા જિલ્લા પંચાયત, નર્મદાની વેબસાઈટ પર પણ અપડેટ કરવાની રહેશે. સદરહુ હેલ્પ ડેસ્કના કાર્યરત સ્ટાફે જરૂર પડે આવી વેબસાઈટ ચેક કરીને અન્યથા જે તે હોસ્પિટલનો સંપર્ક કરીને અદ્યતન વિગતો મેળવી લેવાની રહેશે.
હેલ્પ ડેસ્કના નોડલ અધિકારીશ્રીએ હેલ્પ ડેસ્ક ખાતે ૨૪×૭ ફરજ બજાવવા માટેના હુકમો તેઓની કક્ષાએથી અલગથી કરવાના રહેશે અને સદરહુ “હેલ્પ ડેસ્ક”ની વ્યવસ્થાની બહોળી પ્રસિધ્ધિ કરવાની રહેશે.

આ હુકમની અમલવારી તા.૦૪/૦૫/૨૦૨૧ થી આ અંગે અન્ય હુકમ ન થાય ત્યાં સુધી કરવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here