કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો તાલુકા કક્ષાનો કાર્યક્રમ ખેડૂત તાલીમ કેન્દ્ર પરિસરમાં યોજાયો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નો છોટાઉદેપુર જીલ્લાના છોટાઉદેપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ આજરોજ ખેડૂત તાલીમ કેન્દ્ર પરિસરમાં યોજાયો હતો. તાલુકાના ખેડૂતોને રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિક બાબતો અંગે માર્ગદર્શન અને સંસાધનો મળી રહે તેવા ઉદ્દેશથી બે દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૃષિ મહોત્સવમાં તજજ્ઞોના વિવિધ સેશન, મહેમાનોના વક્તવ્ય અને વિવિધ પ્રકારના સ્ટોલનું પ્રદર્શન રાખી ખેડૂતોના ઉત્પાદનમાં મુલ્ય વર્ધન કરી શકાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર મામલતદાર કચેરી દ્વારા જન સેવા કેન્દ્રની સેવાઓ અંગેનો સ્ટોલ, પુરવઠા શાખાનો સ્ટોલ, નગરપાલિકા, એમજીવીસીએલ, મહેસૂલ વિભાગ અંતર્ગત વિવિધ સેવાઓ, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ તાલીમ યોજના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કારકિર્દી માર્ગદર્શન, ધિરાણ એજન્સીઓ, ટ્રેક્ટરની કંપનીઓ દ્વારા નિદર્શન તેમજ નાબાર્ડ અને શ્રોફ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના વિવિધ સ્ટોલ ઉભા કરી સામાન્ય જનતા તેમજ ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાની માહિતી સ્થળ પર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
કૃષિ સંશોધન કેન્દ્ર, જબુગામના મદદનીશ પ્રાધ્યાપક એમ આર ડાભીએ ખેડૂતો માટે જીવત નિયંત્રણના તજજ્ઞ તરીકે જાણકારી આપી હતી. જેમાં તેમણે ખેડૂતોની આવક બમણી કેમ થાય, કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખર્ચમાં થતા ઘટાડાને કેવી રીતે લાગુ પાડવા, ખેતી પાકોમાંથી ઇથેનોલનું ઉત્પાદન, બાગાયત પાકી અંગે માર્ગદર્શન આપ્યું હતુ.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્યશ્રી શંકરભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન, પ્રાંત અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, ખેતીવાડી અધિકારી, આણંદ કૃષિ યુનિ.ના તજજ્ઞો તેમજ જબુગામ કૃષિ સંશોધન કેન્દ્રના પ્રાધ્યાપક વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ ખેડુતો અહીંયાથી આપવામાં આવતા કૃષિલક્ષી જ્ઞાનનુ ભાથું લઇ પોતાની ખેતીમાં તેનો અમલ કરી ઝેરમુક્ત ખેતી અને ઝેરમુક્ત ઉત્પાદન કરતા થાય તેવી ઉપસ્થિત વક્તાઓએ આશા વ્યકત કરી હતી.
આ સાથે અમદાવાદના દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના જીવંત પ્રસારણને નિહાળીને રાજ્યવ્યાપી ‘રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩’ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. સાથે સાથે કૃષિ ફિલ્મ પણ નિહાળવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો સહિત ખેડુતમિત્રોએ પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના સ્ટોલ સહિત વિવિધ વિભાગોના પ્રદર્શની સ્ટોલ નિહાળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here