આરોગ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારે ગોધરાનાં જીબીએસ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન-સૂચના આપ્યા,

કેસો ધરાવતા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, પરીક્ષણ, ક્લોરીનેશન સહિતની કામગીરી વધુ અસરકારક રીતે કરવા નિર્દેશ

લક્ષણો બાબત સ્થાનિકોને જાગૃત કરવા સ્થાનિક આગેવાનોને જણાવ્યું

લક્ષણો દેખાય કે વિના વિલંબે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા સ્થાનિકોને અપીલ કરી

ગોત્રી અને એસ.એસ.જી. હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવાઈ છે, જરૂર પડ્યે ગોધરા સિવિલમાં પણ સારવાર ઉપલબ્ધ કરાવાશે

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારે આજે ગોધરા ખાતે જીબીએસ (ગુલિયન બેરી સિન્ડ્રોમ)થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામિનીબેન સોલંકી તેમજ ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી સાથે આરોગ્યમંત્રીશ્રીએ ગુલિયન બેરી સિન્ડ્રોમનાં કેસીસ જ્યાંથી મળી આવ્યા છે તેવા ગોધરાનાં પંચવટી સોસાયટી અને ભૂરાવાવ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ જીબીએસથી સંક્રમિત થનારા બે બાળકોની તેમના ઘરે મુલાકાત લઈ તેમની રિકવરી, લક્ષણો, સારવાર સહિતની બાબતો અંગે સંવેદનાસભર પૂછપરછ કરીને ઝડપી સંપૂર્ણ રીકવરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાથ પગમાં નબળાઈ સાથેનાં જીબીએસનાં લક્ષણો જો દેખાય તો વિના વિલંબે સ્થાનિક આગેવાનોની મદદથી આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ તબીબી સલાહ-સારવાર લેવી જોઈએ. આ રોગથી ગભરાવવાની કોઈ જરૂર નથી પરંતુ ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોને અને બાળકોને આ રોગ વધુ અસર કરતો હોવાથી કાળજી રાખવી અતિ આવશ્યક છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, ક્લોરીનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે આ રોગની મોંધી સારવારને જોતા સરકાર દ્વારા એસ.એસ.જી અને ગૌત્રી હોસ્પિટલ ખાતે તેની વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ રોગનાં ફેલાવાનું કારણ સ્પષ્ટ નથી ત્યારે તેમણે સ્થાનિકોને ડર્યા વગર જરૂરી સાવચેતી રાખવા અને આરોગ્ય વિભાગને સહયોગ આપવાની અપીલ કરતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ જીબીએસ સામે સંપૂર્ણ રીતે સજ્જ છે અને વધુ ફેલાવો થવાની સ્થિતિમાં સ્થાનિકોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે તેની સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આયોજન વિચારી રહી છે. તેમણે સ્થાનિક આગેવાનોને સ્થાનિકો સાથે સંકલન કરી આરોગ્યલક્ષી કામગીરી નિયમિત રીતે થાય, લોકોમાં આ રોગનાં લક્ષણો પ્રત્યે જાગરૂકતા આવે, લક્ષણો દેખાવાની સ્થિતિમાં તેઓ નિ:સંકોચપણે આગળ આવે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ સઘન બનાવવા, લક્ષણોવાળા દર્દીઓ બને તેટલી વહેલી તકે ડિટેક્ટ થાય અને સારવાર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા, તેમજ બેક્ટોરોલજીકલ પરીક્ષણ માટે પાણીનાં નમૂના લેવા સાથે ક્લોરીનેશનની કામગીરી અસરકારક રીતે પાર પાડવા તેમણે આરોગ્ય અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં છેલ્લા 10 દિવસમાં ગુલિયન બારી સિન્ડ્રોમનાં કુલ 15 કેસો મળી આવ્યા છે. આ 15 પૈકી 9 દર્દીઓ સારવાર હેઠળ છે, 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે 1 બાળ દર્દીનું આ રોગનાં પગલે અવસાન થયું છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here