૨૭, સપ્ટેમ્બરના દિવસે ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલીમા સભા ગજવશે

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

૭૦ હજારની જનમેદની અને ૧ હજાર બસોનું વ્યવસ્થાપન જીલ્લા વહીવટીતંત્ર કરશે

જીલ્લા-તાલુકા કક્ષાનો કન્ટ્રોલ રૂમ, મોબીલાઈજેશન અને ટ્રેનિંગ સહીતની સુરક્ષા બાબતો માટે કડક વ્યવસ્થા ઉભી કરશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૭, સપ્ટેમ્બર છોટાઉદેપુર જીલ્લાની સંભવિત મુલાકાત લેવાના છે. બોડેલી તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા મેદાનમાં ગાંધી જયંતી નિમિતે છોટાઉદેપુર જીલ્લાના પ્રજાજનોને સંબોધન કરશે.આ ઉપરાંત વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કરશે. પીએમ છોટાઉદેપુર જીલ્લાની ૬૫ થી ૭૦ હજાર જેટલી જનમેદનીને સંબોધવાના છે. જેના ઉપલક્ષ્યમાં આજરોજ છોટાઉદેપુર જીલ્લાના આર્થિક કેન્દ્ર એવા બોડેલીમાં કલેકટર, જીલ્લા વિકાસ અધિકારીના સંયુક્ત અધ્યક્ષસ્થાને પીએમ મોદીની મુલાકાતને લઈને એક મેરેથોન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલેકટર, ડીડીઓ, પોલીસ અધીક્ષક ઈમ્તિહાઝ શૈખ, પ્રાયોજના વહીવટદાર સચીનકુમાર, અધિક. નિવાસી કલેકટર કે ડી ભગત, બન્ને એસડીએમ, પુરવઠા અધિકારી, તમામ ટીડીઓ, તમામ મામલતદાર, સીડીએચઓ, ડીઈઓ, ડીપીઈઓ, એમજીવીસીએલ, ફોરેસ્ટ, આરટીઓ, નગરપાલિકા ચીફ ઓફિસર, સંકલનના અધિકારીઓ, તમામ વર્ગ-૧ના અધિકારીઓ આ ઉપરાંત જીલ્લાની તમામ સરકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ આ મીટીંગમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન સાથે ગુજરાતના મુખ્યમંત્રી પણ બોડેલી હાજર રહેવાના છે. આ મુલાકાતને લઈને કલેકટરે વિવિધ કમિટી બનાવી કાર્ય કરવા સૂચનો કર્યા હતા. જેમાં મુખ્યત્વે કોવીડ ગાઈડલાઈન્સ, સુરક્ષાના મુદ્દાઓ, પાવર સપ્લાય, લાઈટ-સાઉન્ડ, પાર્કિંગ, મેડીકલની જોગવાઈ, બેઠક વ્યવસ્થા, ફૂડ પેકેટ્સ-પાણી, ડોમ, સમિયાણું વગેરે બાબતો માટે વિવિધ કમિટી બનાવી કોઈ ચૂક ન રહે તે રીતે સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને સૂચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં ૧ હજાર જેટલી બસોની જોગવાઈ કરવા માટે કવાયત કરવામાં આવી રહી છે. જેમાં દરેક બસ માટે હાજરી પત્રક, તમામ લોકોની એન્ટ્રી એક્ઝીટ, બેઠક વ્યવવસ્થા માટે કલર કોડ, જીલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ, તાલુકા કક્ષાનો કન્ટ્રોલ રૂમ, બ્રોડબેન્ડની વ્યવસ્થા, ફાયરફાઈટર વગેરે મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતુ કે પીએમ ની વિઝીટની સુરક્ષા કમાન એસપીજી કમાન્ડો સંભાળતા હોય છે, મહત્વના સ્થળોએ ચાંપતો બંદોબસ્ત, તમામ એન્ટ્રી-એક્ઝીટ પરથી વેરીફીકેશન, ટ્રાફિક વ્યવસ્થા, રૂટ પ્લાન જેવી સુરક્ષાની બાબતોએ મહત્વપૂર્ણ તૈયારી કરવામાં આવશે. વિઝીટના સ્થળે ડોમની અંદર પાણીની બોટલ કે અન્ય કોઈપણ વસ્તુ અંદર લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવશે. વિવિધ કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ સહીત શિક્ષકોને આ બાબતે ટ્રેનિંગ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here